________________
Co
સૂત્રસંવેદના-૩
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આશ્રયીને કરાતો વ્યાપાર તે આઠ પ્રકારનો ચારિત્રાચાર છે. ચારિત્ર એ આત્મભાવમાં સ્થિર થવારૂપ અથવા તો આત્માનંદને પામવારૂપ છે. ચિત્તની સ્વસ્થતા વિના કે મનની એકાગ્રતા વિના આત્મભાવમાં સ્થિર થવાતું નથી અને આત્મભાવમાં સ્થિર થયા વિના આત્માનો આનંદ ક્યારેય અનુભવાતો નથી. માટે પ્રણિધાન યોગથી યુક્ત સમિતિ ગુપ્તિની પ્રવૃત્તિને ચારિત્રાચાર કહેવાય છે.
ચારિત્રાચારની આ વ્યાખ્યાને આધારે નક્કી થાય છે કે ચારિત્ર એ માત્ર ક્રિયારૂપ નથી, પરંતુ સમિતિ-ગુપ્તિની દરેક ક્રિયાના માધ્યમે આત્મામાં સ્થિર થઈને, આત્માના આનંદને અનુભવવારૂપ છે. સંયમજીવનની કોઈપણ ક્રિયા, ભલે તે ચાલવાની હોય કે બોલવાની, આહારગ્રહણની ક્રિયા હોય કે મલવિસર્જનની, સંયમજીવનમાં ઉપયોગી વસ્ત્ર-પાત્રને લેવા-મૂકવાની ક્રિયા હોય કે મન, વચન, કાયાને ગોપવવાની ક્રિયા હોય – આ સર્વ ક્રિયા આત્મભાવમાં સ્થિર થવા માટેની છે. આથી સંયમજીવનની પ્રત્યેક પ્રવૃત્તિ મનની ચંચળતા દૂર કરી ચિત્તની સ્વસ્થતાપૂર્વક કરવી અત્યંત જરૂરી છે, અને તે રીતે કરતાં તે પ્રવૃત્તિ ચારિત્રાચારરૂપ બને છે. મનની ચંચળતાપૂર્વક કરાતી કાયાની પ્રવૃત્તિઓ એક જાતની કવાયતરૂપ બને છે. તેનાથી થોડું પુણ્ય બંધાય, પરંતુ વિશિષ્ટ કર્મનિર્જરા કે આત્મિક આનંદ સુધી પહોંચી શકાતું નથી. જિજ્ઞાસા ચિત્તની સ્વસ્થતાપૂર્વકની પ્રવૃત્તિ જ ચારિત્રાચાર કહેવાય તે વાત સત્ય છે, પરંતુ ચિત્ત સ્વસ્થ કરવા શું કરવું જોઈએ ? તૃપ્તિઃ મનની ચંચળતાનું મુખ્ય કારણ વૈષયિક વૃત્તિઓ, કાષાયિક વૃત્તિઓ અને વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેના રાગાદિ અશુભ ભાવો છે. આવી વૃત્તિઓ નિયંત્રણમાં આવે અને આ રાગાદિ ભાવોની અલ્પતા થાય તો મન સ્વસ્થ રહી શકે છે. આથી રાગાદિને અલ્પ કરવા માટે રાગાદિના વિપાકો કેવા છે, તે ગુરુભગવંત પાસેથી વિનયપૂર્વક સમજવું જોઈએ. સમજ્યા પછી સંસારમાં રાગાદિના બંધનમાં ફસાયેલા જીવોની કેવી હાલત થાય છે, પ્રિય પાત્રની હાજરીમાં તેમની ઉત્સુકતા તથા વ્યાકુળતા, અને ગેરહાજરીમાં તેમની શોકાતુર અને ઉદાસીન મનઃસ્થિતિ વિષે વિચારવું જોઈએ. રાગાદિને આધીન બની બંધાયેલાં કર્મોના કારણે જીવોને ભવાંતરમાં પણ કેવી કેવી પીડાઓ સહન કરવી પડે છે, તેનું શાસ્ત્રવચનનું આલંબન લઈને ચિંતન કરવું જોઈએ. રાગાદિની પ્રતિપક્ષી ભાવનાઓ દ્વારા મનને ભાવિત કરી, રાગાદિ એક એક