________________
૫૦
સૂત્રસંવેદના-૩
આવું વિચારી જિનવચનને યથાર્થરૂપે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. યોગ્ય સ્થાને જિજ્ઞાસાવૃત્તિથી પ્રશ્નો પૂછીને સમાધાનો મેળવવાં જોઈએ. પણ જેના આધારે સુખની સાધનાનું મંડાણ કરવાનું છે, તેવા જિનવચનમાં ક્યારેય શંકા ન જ કરવી જોઈએ. આ જ નિઃશંકિત' નામનો પ્રથમ દર્શનાચાર છે. જિનવચનમાં શંકા કરવી, કે સમજ નથી પડતી તેમ માની, શાસ્ત્ર સમજવાની ઉપેક્ષા કરવી તે દર્શનાચારવિષયક “શંકા' નામનો અતિચાર છે.
ટૂંકમાં, આત્મહિતની ઈચ્છાથી સાચા ધર્મને શોધવો, સમજવો અને શંકારહિત બની જીવનમાં તેને દઢતાપૂર્વક સાચવી રાખવો એ પ્રથમ દર્શનાચાર છે.
હવે તે સ્વીકારેલ ધર્મની વફાદારીરૂપે બીજો આચાર બતાવે છે -
૨. નિદવિ - કાંક્ષા રહિત થઈને – અન્ય ધર્મની ઈચ્છા રાખ્યા વગર સત્ય ધર્મને પકડી રાખવો તે “નિષ્કાંક્ષિત' નામનો બીજો દર્શનાચાર છે. '
જૈન ધર્મના આચારો, વિચારો તથા પદાર્થો અદ્વિતીય કોટિના છે. અતિ ઉત્તમ એવા આ ધર્મને પ્રાપ્ત કર્યા પછી અન્ય ધર્મમાં ગમે તેવા ચમત્કારો દેખાય કે બાહ્ય ઝાકઝમાળતા દેખાય તો પણ તેનાથી અંજાવું નહિ. “આ ધર્મ પણ સારો છે, તત્કાળ ફળ આપનારો છે, તેમ માની તે ધર્મ કરવાની ઈચ્છા ન કરવી, પણ જિનનો ધર્મ જ સત્ય છે, તે જ આત્મહિતને કરનાર છે તેમ માનવું, તે “નિષ્કાંક્ષિત' નામનો બીજો દર્શનાચાર છે.
ઘણીવાર સૂક્ષ્મ સમજના અભાવના કારણે અન્ય ધર્મની થોડી તાર્કિક વાતો સાંભળી, કોઈક ચમત્કારો જોઈ, કે કોઈ કષ્ટ વિના સાનુકૂળતાથી થતા ધર્મને જોઈ મુગ્ધ જીવો તે તરફ ઢળી પડે છે. આ ઉપરાંત ભૌતિક સુખના રસિયા જીવો જ્યાં પણ ભૌતિક કામનાઓ પૂરી થતી દેખાય ત્યાં દોડી જતા હોય છે. ધન, સંપત્તિ માટે, પુત્ર-પરિવાર માટે જે તે દેવો પાસે જાય છે, અને આત્મા માટે મહાઅનર્થકારી એવા પણ ધર્મને સ્વીકારી લે છે. આવા જીવો સમ્યગ્દર્શન પામી શકતા નથી અને પામ્યા હોય તો ટકાવી પણ શકતા નથી. વળી તેઓ પ્રાપ્ત સમ્યગ્દર્શનને ગુમાવી ભવિષ્યમાં પણ તેની પ્રાપ્તિ દુર્લભ બનાવે છે. આથી અન્ય દર્શન સ્વીકારવાની ઈચ્છાને દર્શનાચારવિષયક “કાંક્ષા' નામનો અતિચાર કહેવામાં આવ્યો છે.
સમ્યગ્દર્શન પામવા કે પામેલું ટકાવવા વીતરાગ સિવાયના કોઈની તાર્કિક પણ