________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૪૯
આ સમ્યગુદર્શન ગુણને પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત થયેલા ગુણને ટકાવવા જે આચરણ કરવામાં આવે છે, તેને દર્શનાચાર કહેવાય છે, અને તેના આઠ પ્રકારો નીચે મુજબ છે – '
૨. નિસંવિઝ - ભગવાનના વચનમાં ક્યાંય શંકા ન કરવી તે નિઃશંકિત” નામનો પહેલો દર્શનાચાર છે.
આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થોને વર્ણવતાં શાસ્ત્રવચનો સાંભળી, તે પદાર્થોને જાણવાની અને જોવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા જરૂર થવી જોઈએ, અને તે જિજ્ઞાસાને સંતોષવા પ્રયત્ન પણ કરવો જોઈએ; પણ તે પદાર્થો દેખાતા નથી, માટે હશે કે નહીં? શાસ્ત્રમાં કહ્યું છે તેવા હશે કે જુદા હશે? આવી કોઈપણ પ્રકારની શંકા ન કરવી, તે નિઃશંકિત” નામનો પ્રથમ દર્શનાચાર છે, અને શંકા કરવી એ દર્શનાચાર વિષયક અતિચાર છે. તેથી પ્રયત્નપૂર્વક શંકાને ટાળી નિ:શંકિત થવું જોઈએ.
શાસ્ત્રમાં કહ્યું છે કે “હું જાણું છું” – “હું જોઉ છું” વગેરે વાક્યપ્રયોગોમાં હું શબ્દથી આત્મા વાચ્ય બને છે. એટલે કે જાણવાની, જોવાની વગેરે સર્વ ક્રિયાઓનો કર્તા આત્મા છે. તે આત્મા અનંતજ્ઞાનાદિ સ્વરૂપ છે અને સુખ તેનો સ્વભાવ છે. વળી તે સહજ આનંદનો પિંડ છે, છતાં કર્મ સાથે સંબંધ થવાના કારણે આજે તેના ગુણો ઢંકાઈ ગયા છે, તેની શક્તિ આવરાઈ ગઈ છે, તેને અનેક પ્રકારનાં દુ:ખોનું ભાજન બનવું પડે છે. આત્માના શુદ્ધ સ્વભાવ અને વિભાવની વાસ્તવિકતા આવી હોવા છતાં અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન ન હોવાને કારણે છબસ્થ વ્યક્તિને આત્મા, કર્મ વગેરે પદાર્થો દેખાતા નથી કે અનુભવાતા પણ નથી. આથી તેને શંકા થઈ શકે છે કે આત્મા-પુણ્ય-પાપ આદિ દેખાતાં નથી, તો હશે કે નહીં ?
આવી શંકાઓનાં સુયોગ્ય સમાધાનો ન મળતાં હોય ત્યારે મન ક્યારેક એવું વિચારી બેસે છે કે આત્માદિ પદાર્થો નહિ હોય. શંકા આવા નકારાત્મક વલણ તરફ વધુ ઢળે તે પહેલાં મનને સમજાવવું જોઈએ કે “આત્મા, પુણ્ય આદિના અસ્તિત્વની વાતો કોઈ સામાન્ય વ્યક્તિએ નથી કરી; સર્વજ્ઞ વીતરાગે પોતાના કેવળજ્ઞાનથી જોઈને આ વાતો દર્શાવી છે. કેવળજ્ઞાન દ્વારા જેઓ પદાર્થને યથાર્થ જુએ છે, વળી જેઓ રાગ-દ્વેષથી સર્વથા પર છે, તે પ્રભુ અસત્ય શા માટે બોલે ? મારી બુદ્ધિની ઊણપતાને કારણે મને એમની વાતો ન સમજાય, મોહાધીનતાના કારણે મારા અનુભવમાં આ વસ્તુ ન આવે તેવું બને, પણ પ્રભુએ કહ્યું છે તે અસત્ય તો ન જ હોય”.