________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૨૭
જીવવાનું સદા છે અને જરૂરિયાતનું નામ માત્ર નથી, એવું મોક્ષનું સુખ જ સુખરૂપ લાગે છે. આ સુખમાં સહાયક થનારા સુદેવ, સુગુરુ અને સુધર્મ જ સ્વીકારવા યોગ્ય લાગે છે, અને આત્માનું અહિત કરનાર કુદેવ, કુગુરુ અને કુધર્મ છોડવા જેવા લાગે છે.
સમ્યગ્દર્શનની હાજરીમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન સમ્યજ્ઞાન કહેવાય છે. સમ્યગદર્શનથી યુક્ત ચારિત્ર જ મોક્ષનું કારણ બને છે. આથી જ મોક્ષાર્થી આત્માએ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનને ટકાવવા અને તેને વધુ નિર્મળ કરવા “નાણંમિ સૂત્રમાં બતાવેલા સમ્યગ્દર્શનના આઠ આચારોનું સુયોગ્ય પાલન કરવું જોઈએ. આ ચારોનું પાલન ન કરવું તે દર્શનવિષયક આશાતના છે. તથા વંદિતુ' સૂત્રની પાંચમી ગાથામાં દર્શાવેલ મિથ્યાત્વના સ્થાનમાં જવું-આવવું, ઊભા રહેવું વગેરે અતિચારો તથા છઠ્ઠી ગાથામાં દર્શાવેલા શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, કુલિંગીઓની પ્રશંસા અને પરિચય આ પાંચેય અતિચારોનું - દોષોનું આસેવન કરવું તે સમ્યગુદર્શનના વિષયમાં અતિચાર છે.
આ ઉપરાંત પ્રભુપ્રતિમાની, જિનમંદિરની, સ્થાપનાચાર્યની કે સમ્યગ્દષ્ટિ શ્રાવક-શ્રાવિકાની આશાતના કરવી; દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય આદિની ઉપેક્ષા કરવી, શક્તિ છતાં તેના રક્ષણના ઉપાયો ન કરવા, સાધર્દિકની સાર-સંભાળ ન લેવી, આ દરેક દર્શનાચારના અતિચાર છે. '
આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન આવા જે જે અતિચારોનું સેવન થયું હોય, કર્યું હોય, તેને સ્મરણમાં લાવી, તેનું પુનરાવર્તન ન થાય તેવો સંકલ્પ કરી, ગુરુભગવંત સમક્ષ તેની આલોચના કરી આત્મશુદ્ધિ માટે યત્ન કરવાનો છે.
વરિત્તારિત્ત - ચારિત્ર-અચારિત્રમાં અર્થાત્ દેશવિરતિરૂપ ચારિત્રના વિષયમાં,
દેશચારિત્ર: તત્ત્વની શ્રદ્ધાવાળા શ્રાવકો મનથી તો સંસારથી વિરક્ત હોય છે, પણ સર્વસંયમની ઈચ્છાવાળા પણ હોય છે; આમ છતાં કર્મને આધીન તેઓ પાપપ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ કરી શકતા નથી. શક્તિ અનુસાર તેઓ સ્થૂલથી પાપપ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. સામાન્ય રીતે જેટલા અંશમાં તેઓ પાપપ્રવૃત્તિઓનો ત્યાગ કરી શકતા નથી તેટલા અંશમાં તેમની અવિરતિ કહેવાય છે. માટે તેમનું ચારિત્ર ચારિત્ર-અચારિત્ર અર્થાત્ દેશચારિત્ર કે દેશવિરતિ કહેવાય છે.