________________
ઈચ્છામિ ઠામિ સૂત્ર
૧૯
છે' તેમ કહેવાના બદલે ‘ત્યાં પણ ધર્મ છે અને અહીં પણ ધર્મ છે' તેમ કહેવું તે સંદર્ભથી શાસ્ત્રાનુસાર નહિ હોવાને કારણે ઉત્સુત્રરૂપ જ હતું. પરિણામે મરીચિનો અસંખ્યાત ભવ જેટલો સંસાર વધી ગયો.
આ રીતે મોહ-મમત્વ કે કષાયને આધીન થઈ અનેક પ્રકારે ઉત્સુત્રભાષણ થવાની સંભાવના છે. ઘણીવાર આવું પણ કહેવામાં આવે છે કે, શું ઘરમાં રહી ધર્મ નથી થતો ? આજે સાધુપણામાં શું છે? વગેરે વાતો પણ ઉત્સુત્રરૂપ બને છે, અને આવા પ્રકારનું ઉસૂત્ર યાવતું અનંત સંસારનું કારણ પણ બની શકે છે. માટે જ આનંદઘનજી મહારાજાએ અનંતનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે “પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિહ્યું.” ઉત્સુત્ર ભાષણ જેટલું આ દુનિયામાં બીજું કોઈ મોટું, પાપ નથી, કેમ કે સર્વજ્ઞકથિત શાસ્ત્રોના એકેક વચનમાં અનંતા જીવોને તારવાની તાકાત છે. તેના પ્રત્યેક પદમાં અનંતા જીવોનું હિત-શ્રેય સમાયેલું છે. આવા શાસ્ત્રના વચનનો અપલાપ કરવો, પોતાને ન બેસતાં શાસ્ત્રવચનોને ઉડાડી દેવાં,
આ આગમો સર્વજ્ઞકથિત નથી' એમ કહી શાસ્ત્રો પ્રત્યે અશ્રદ્ધા કરાવવી વગેરે ઉત્સુત્ર પ્રરૂપણારૂપ છે.
પ્રરૂપણાના વિષયમાં જેમ સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરવી તે ઉત્સુત્ર કહેવાય, તે જ રીતે ક્રિયાના વિષયમાં પણ સૂત્રાનુસાર ક્રિયા કરવામાં ન આવે તો અપેક્ષાએ તેને પણ ઉત્સુત્ર ક્રિયા કહી શકાય, અને આવી ઉત્સુત્ર ક્રિયા આત્મહિતમાં ચોક્કસ બાધક બની શકે.
જેમ કે ધર્માનુષ્ઠાનરૂપ કોઈપણ ક્રિયા શાસ્ત્રમાં જે વિધિથી જે લક્ષ્ય રાખી જયણાપૂર્વક કરવાની કહી છે, તે વિધિ મુજબ કરાય તો તે ક્રિયા શાસ્ત્રાનુસારી ક્રિયા કહેવાય, અને વિશેષ કારણે ઔત્સર્ગિક ક્રિયાનો આદર અને બહુમાન જાળવી અપવાદમાર્ગે ગીતાર્થ ગુરુભગવંતની આજ્ઞા મુજબ ક્રિયા થાય તો તે પણ શાસ્ત્રાનુસારી છે; પરંતુ સ્વેચ્છાથી કોઈ વિશેષ કારણ વિના ગમે ત્યારે ગમે તે રીતે ક્રિયા કરાય તો તે ક્રિયા શાસ્ત્રાનુસારી ન કહેવાય.
આવા પ્રકારનું ઉસૂત્ર કથન કે ક્રિયા અનંત સંસારનું કારણ પણ બની શકે છે. અનુપયોગથી કે અનાભોગથી ક્યારેક આવું પણ ઉત્સુત્ર ભાષણ સ્વજીવનમાં ક્યાંય થઈ ગયું હોય તો તેના પ્રત્યે અંતઃકરણથી અણગમો વ્યક્ત કરી જુગુપ્સાના પરિણામપૂર્વક આવા ઉત્સુત્ર ભાષણનું ગુરુભગવંત સમક્ષ આ શબ્દથી પ્રતિક્રમણ પૂર્વે અને પ્રતિક્રમણ દરમ્યાન પણ આલોચન અને પ્રાયશ્ચિત્ત કરવાનું છે.