________________
૧૩૪
સૂત્રસંવેદના-૩ .
બનીને આપણે કેવી કેવી કુપ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. આ વસ્તુનો ખ્યાલ આવશે તો જ પાપનાં કારણો ઉપર ધૃણા થશે, તિરસ્કારભાવ જાગશે અને તેનાથી પાછા ફરવાનું મન થશે.
આવી તૈયારી સાથે આ સૂત્રનાં પ્રત્યેક પદ બોલાશે તો તે પદો હૃદયસ્પર્શી બનશે અને તેનાથી એક શુભભાવનાનો સ્ત્રોત ઉદ્ભવશે, અંતરમાં પશ્ચાત્તાપનો અગ્નિ પ્રગટશે અને એ પશ્ચાત્તાપ જ મલિન વૃત્તિઓનો નાશ કરવાનું કાર્ય કરશે.
આથી સૂત્ર કે સૂત્રના અર્થ માત્ર જાણી લેવા કરતાં તેને હૃદયસ્પર્શી બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. એટલું જ નહીં, પરંતુ સૂત્રનું ઉચ્ચારણ પણ એ રીતે કરવું જોઈએ કે પાપવૃત્તિ કે પ્રવૃત્તિ કરવા પ્રેરાતાં મન અને ઇન્દ્રિયો પાછાં વળે.
આ સૂત્રમાં જે અઢાર પાપસ્થાનોનો નિર્દેશ કર્યો છે, તેમાં સૌ પ્રથમ હિંસા બતાવી છે; કેમ કે સર્વ પાપોમાં હિંસાનું પાપ મોખરે છે. વળી સર્વ કોઈ પાપો અપેક્ષાએ દ્રવ્યહિંસા કે ભાવહિંસામાં સમાવેશ પામે છે. જૈનદર્શન તો સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરવાનું કહે છે. પરંતુ લૌકિક ધર્મ પણ હિંસાને અધર્મ અને અહિંસાને પરમ ધર્મ માને છે. વળી એક અપેક્ષાએ વિચારીએ તો સર્વ પાપ હિંસારૂપ છે. હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપો સ્વપ્રાણોની અને પરપ્રાણોની હિંસાનું કારણ બને છે.
ત્યારપછી અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ નામનાં પાપસ્થાનો જણાવ્યાં છે; કેમ કે આ ચાર પાપને પણ સર્વ ધર્મશાસ્ત્રો પાપ તરીકે સ્વીકારે છે.
ત્યાર પછી ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ - આ છ અંતરંગ શત્રુઓને પાપસ્થાનક તરીકે જણાવ્યાં છે, ક્ષમા, નમ્રતા, માદવ, સરળતા, સંતોષ આદિ આત્માના સુખકારક ગુણોનો નાશ કરનારા આ છએ શત્રુઓથી આત્મા પોતે તો દુઃખી થાય છે, અને પોતાની સાથે રહેનાર માટે પણ તે દુઃખનું કારણ બને છે.
ત્યારબાદ આ ક્રોધાદિના વિકારરૂપ કજિયો, કોઈના ઉપર મૂકવામાં આવતું ખોટું કલંક, ચાડી-ચુગલી, ઈષ્ટવસ્તુ મળતાં થતી રતિ, અનિષ્ટમાં થતી અરતિ, બીજાની સાચી ખોટી વાતો કરવી (નિંદા) અને માયાપૂર્વકના મૃષાભાષણને પાપનાં કારણો તરીકે જણાવ્યાં છે.
છેલ્લે ઉપરનાં સત્તર પાપોને પાપરૂપ નહિ માનવા દેનાર, દેવ-ગુરુ અને ધર્મ ઉપર અશ્રદ્ધા ઊભી કરાવનાર અને ધર્મમાર્ગમાં અત્યંત વિપ્નભૂત સૌથી મોટા પાપ તરીકે “મિથ્યાત્વશલ્યનો નિર્દેશ કરાયો છે. જગતના જીવો તો આ અઢારમા