________________
સાત લાખ
૧૨૧
સૂત્ર પરિચય :
આ સૂત્રમાં ચોર્યાશી લાખ જીવાયોનિમાં ઉત્પન્ન થયેલા જીવોને ખમાવવામાં આવ્યા છે, માટે તેને ‘જીવક્ષમાપના સૂત્ર’ પણ કહેવાય છે.
જીવોને ઉત્પન્ન થવાનાં સ્થાનોને ‘જીવાયોનિ' કહેવાય છે. આ જગતમાં આવી યોનિઓ અસંખ્ય છે, તોપણ જેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સરખા હોય તે તમામ યોનિઓનો એક પ્રકારમાં સમાવેશ થાય છે. તે રીતે ગણતાં યોનિની સંખ્યા ૮૪ લાખ થાય છે, તેવું ‘સમવાયાંગ' વગેરે આગમોમાં અને ‘પ્રવચનસારોદ્વાર’ આદિ ગ્રંથોમાં કહેલું છે.
આ સૂત્રમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોની ૮૪ લાખ પ્રકારની યોનિઓ ગણાવી છે. આ ૮૪ લાખ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થયેલા સર્વ જીવોને સુખ પ્રિય હોય છે. આમ છતાં આપણે આપણા સ્વાર્થ કે સુખ ખાતર તે જીવોનો વધ કરીએ છીએ, દુ:ખ પહોંચાડીએ છીએ. આ રીતે કોઈ જીવનો વધ કરવાથી, કે દુ:ખ પહોંચાડવાથી તે જીવ સાથે આપણને વૈરનો અનુબંધ પડે છે. આવા વૈરના અનુબંધોને તોડવા, સર્વ જીવો સાથે મૈત્રીભાવને ટકાવવા અને કોઈને દુ:ખ આપી બંધાયેલાં કર્મો અને તેવા કુસંસ્કારોથી છૂટવા માટે, સાધકે ૮૪ લાખ પ્રકારની યોનિમાં ઉત્પન્ન થયેલા અનંતા જીવોને હણ્યા હોય, બીજા પાસે હણાવ્યા હોય કે હણનારની અનુમોદના કરી હોય તો તે સર્વ નિંદનીય કૃત્યનું ‘મિચ્છા મિ દુક્કડં' આપવાનું છે.