________________
સુગુરુ વંદન સૂત્ર
ગુણવાન ગુરુને પરતંત્ર બની તેમના સહારે ભવસાગર તરી શકાશે.
સમિચ્છોવયારાષ્ટ્ર - સર્વ મિથ્યા ઉપચારથી (જે આશાતના થઈ હોય તેનું હે ક્ષમાશ્રમણ ! હું પ્રતિક્રમણ કરું છું.)
૧૧૭
ઉપચારનો અર્થ ભક્તિ થાય છે, અને મિથ્યા ઉપચાર એટલે ખોટી રીતે કરાયેલી ભક્તિ અથવા વિપરીત આશયથી કરાયેલી ભક્તિ.
ભક્તિ ક૨ના૨ શિષ્ય ‘કઈ રીતે ભક્તિ કરીશ તો ગુરુભગવંતને અનુકૂળ રહેશે, તેમના મનને સંતોષ થશે' તેમ વિચારી ભક્તિ ક૨વી જોઈએ. તેના બદલે ગુરુની પ્રતિકૂળતાનું કે અસંતોષનું કારણ બને તેમ ભક્તિ કરવી, તે ખોટી રીતે કરાયેલી ભક્તિ છે. જેમ કે, વાયુ કે કફની પ્રકૃતિવાળા ગુરુને ઠંડો આહાર લાવી આપવો, તેમની શુશ્રુષા-સેવા પણ એવી રીતે કરવી કે તેમનો દુખાવો હળવો થવાના બદલે વધી જાય, વસ્ત્ર-પાત્ર કે સ્થાન પણ એવાં આપવાં જે તેમને અનુકૂળ ન હોય. આ રીતે ગુરુભગવંતની અનુકૂળતા કે પ્રતિકૂળતાનો વિચાર કર્યા વિના પોતાની ભાવનાને પ્રાધાન્ય આપવું તે મિથ્યા ઉપચાર છે.
ખોટી રીતે કરાતી ભક્તિ જેમ મિથ્યા ઉપચાર છે, તેમ ખોટા આશયથી કરાતી ભક્તિ પણ મિથ્યા ભક્તિ છે. જેમ કે, ગુરુની ભક્તિ આદિ સર્વ ક્રિયાઓ કર્મનાશનું કારણ બને તે રીતે કરવાની છે. શિષ્ય જો સંવેગાદિ ભાવથી ભક્તિ કરે તો જેમ જેમ તે ગુરુની ભક્તિ, વિનયાદિ કરતો જાય તેમ તેમ તે અકર્મસ્વરૂપ આત્મભાવની અભિમુખ બનતો જાય છે; પરંતુ જો સંવેગના બદલે માનકીર્તિની આશંસાથી, ગુરુને સારું લગાડવા માટે અથવા ‘ભક્તિ કરીશ તો પ્રસન્ન થયેલા ગુરુ મને સાચવી લેશે, અમુક અનુકૂળતાઓ કરી આપશે' એવા કોઈ પણ ઇહલૌકિક કે પારલૌકિક ભૌતિક આશયોથી પ્રેરાયેલો શિષ્ય ગુરુની ભક્તિ કરે, તો તે ભક્તિ ગુરુના ચિત્તને સંતોષ આપવામાં સફળ થતી નથી. આવી અનુચિત રીતે કરાયેલી વિવેકહીન ભક્તિ કર્મનાશને બદલે કર્મબંધનું કારણ બને છે. ગુરુ કદાચ શિષ્યના આંતરિક આશયોને ન સમજી શકવાના કારણે શિષ્યના બાહ્ય ઉપચારથી સંતોષ પણ પામે, આમ છતાં તે ભૌતિક આશયવાળી ભક્તિ મિથ્યાઉપચાર બને છે. આ સર્વ મિથ્યા ઉપચારરૂપ ભક્તિ ગુરુની આશાતના છે.
આ પદ બોલતાં દિવસ દરમ્યાન આવી કોઈ ખોટી ભક્તિ થઈ હોય તેને સ્મરણમાં લાવી, તેની નિંદા, ગર્હા કરી, ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સાવધ બનવાનું છે.