________________
સુગુરુ વંદન સૂત્ર
સુગુરુ વંદન સૂત્ર
સૂત્ર પરિચય:
આ સૂત્ર દ્વારા સુગુરુને વંદન કરવામાં આવે છે, માટે તેનું નામ “સુગુરુવંદન સૂત્ર” છે. સુકાની એવા સદ્ગુરુ વિના, ભયંકર ભવસાગર પાર કરી શકાતો નથી. સુગુરુ વિના અજ્ઞાનના અંધકારને ભેદી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થઈ શકતો નથી, જ્ઞાન વિના ચારિત્રનું પાલન થઈ શકતું નથી અને ચારિત્રના પાલન વિના મોક્ષ મળતો નથી. આ કારણે જ મોક્ષાર્થી આત્માએ ગુરુનું શરણ સ્વીકારી, તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા વિધિપૂર્વક વંદનાદિ કરવાં જોઈએ.
આ સૂત્રમાં વિધિપૂર્વક વંદન માટેનાં છ સ્થાનો ખૂબ સુંદર રીતે બતાવ્યાં છે.
૧. વિનયી શિષ્ય સૌ પ્રથમ સુગુરુ સમક્ષ પોતાની વંદન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તે ઈચ્છાનિવેદન' નામનું પહેલું સ્થાન છે.
૨. શિષ્યની ઈચ્છા જાણ્યા બાદ, યોગ્ય અવસર હોય તો શિષ્યની નિર્જરાના અભિલાષી ગુરુભગવંત શિષ્યને વંદન કરવાની અનુજ્ઞા આપે છે, તે “અનુજ્ઞાપન” નામનું બીજું સ્થાન છે.
૩. ગુરુની અનુજ્ઞા પ્રાપ્ત થતાં શિષ્ય પોતાનું મસ્તક નમાવી ત્રણ વાર ગુરુના ચરણનો સ્પર્શ કરવા દ્વારા ગુરુનું બહુમાન કરે છે, તેમની મહાનતાનો સ્વીકાર કરે છે. અહીં ગુરુચરણનો સ્પર્શ કરી શિષ્ય દ્વારા ગુરુના શરીરની સુખાકારી સંબંધી પૃચ્છા કરવામાં આવે છે, તે “અવ્યાબાધપૃચ્છા' નામનું ત્રીજું સ્થાન છે.