________________
૯૨
સૂત્રસંવેદના-૩
અનુમોદના કે ભાવની વૃદ્ધિ થઈ શકતી નથી. તેથી શક્તિ ઉપરાંત કરાયેલ ધર્મકાર્ય સાનુબંધ મોક્ષનું કારણ બની શકતાં નથી. આથી શક્તિ ઉપરાંત કરાયેલ દાન, શીલ, તપ કે અન્ય કોઈપણ ધર્મક્રિયાનો સમાવેશ વીર્યાચારમાં થતો નથી; પરંતુ સ્વશક્તિનો વિચાર કરી, શક્તિથી ઓછું પણ નહિ અને શક્તિથી વધારે પણ નહિ, તે રીતે કરવામાં આવતી શાસ્ત્રાનુસારી ધર્મક્રિયા વીર્યાચારરૂપ બને છે.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે -
“પ્રભુની કેવી દીર્ઘદૃષ્ટિ છે, વિવેકની કેવી પરાકાષ્ટા છે ! ક્યાંય શક્તિ ગોપવવાની વાત નથી, તેમ શક્તિ ઉપરાંત જવાની વાત પણ નથી કે સ્વૈચ્છાનુસાર વર્તવાની વાત પણ નથી કેમ કે આ સર્વ ભાવો કાષાયિક પરિણામો છે. આવા વિવેકવિહોણા, કાષાયિક કે સ્વચ્છન્દી ભાવોથી કરાયેલા ધર્મ દ્વારા ક્યારેય આત્મકલ્યાણ સાધી શકાતું નથી. પ્રભુની કેવી કરુણા છે કે આ સર્વથી મને બચાવવા તેમણે મને સાવધાન કર્યો ! આ ગાથા દ્વારા તેમણે મને જણાવ્યું કે કોઈપણ ધર્માનુષ્ઠાન કરતાં પહેલાં વિચારજે કે લોભાદિને આધીન થઈ શક્તિથી ઓછો ધર્મ તો નથી કરતો ને ? જેટલો ધર્મ થયો છે તે પ્રભુની આજ્ઞા મુજબ થયો હોય તો તેનું અનુમોદન કરજે, અને જો આવો ન થયો હોય તો ગુરુભગવંત પાસે દુ:ખાર્દ્ર હૃદયે તેની આલોચના, નિંદા, ગર્હ કરી, આત્માને શુદ્ધ કરવા પ્રયત્ન કરજે, અને ઉત્તરોત્તર યથાશક્તિ ધર્માનુષ્ઠાન કરવાનો સંકલ્પ કરજે.”
વીર્યાચારના આ વર્ણન સાથે જૈનશાસનમાં દર્શાવેલા પાંચે આચારોનું સંક્ષિપ્ત વર્ણન પૂર્ણ થયું. આ આચારોને સમજી જેઓ પોતાના સમગ્ર જીવનને આચારમય બનાવે છે, તેઓને સુખનો માર્ગ શીઘ્ર મળી જાય છે. જેઓ વળી આચારથી ચૂકે છે તેઓ દુ:ખની ગર્તામાં પડે છે. તેથી આત્મિક સુખને ઇચ્છતા સાધકે આ સૂત્રરૂપ આયનામાં જાતને જોઈ આચારમાર્ગમાં સ્થિર થવા સતત યત્ન કરવો જોઈએ.