________________
વાણંમિ દંસણમિ સૂત્ર
૮૫
મોક્ષને અનુકૂળ સર્વસંવર ભાવ તથા મન-વચન-કાયાની ચંચળતાનો ત્યાગ કરી આત્મભાવમાં સંપૂર્ણ સ્થિર થવાનું કાર્ય પણ આ ધ્યાનથી જ શક્ય બને છે. આટલું જ નહિ, પરંતુ સર્વ ઋદ્ધિ, સમૃદ્ધિ કે તીર્થંકરપણાની પ્રાપ્તિ પણ સમાપત્તિરૂપ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. આથી સાધકે શુભધ્યાન માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ.
વિષય-કષાયને આધીન બનેલા જીવને અશુભ ધ્યાન સહજ છે, પરંતુ શુભ ધ્યાનમાં મનને સ્થિર કરવા ઘણો પ્રયત્ન કરવો પડે છે. તે માટે શક્તિ અનુસાર અનશન વગેરે તપ કરી મન અને ઇન્દ્રિયોને વારંવાર અશુભ ભાવમાં જતી અટકાવવી જોઈએ, શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રાભ્યાસ દ્વારા તત્ત્વભૂત પદાર્થ જાણવા જોઈએ, તેનું વારંવાર ચિંતન કરી હૃદયને તેનાથી ભાવિત કરવું જોઈએ અને તેના ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરવી જોઈએ. આ રીતે પ્રયત્ન થાય તો તે પદાર્થમાં મનની એકાગ્રતારૂપ શુભ ધ્યાન પ્રાપ્ત થઈ શકે.
ધર્મધ્યાન શુભ ધ્યાનમાં પ્રથમ ધર્મધ્યાન છે, તેના ચાર પ્રકાર છે :
૧ - આજ્ઞાવિચય: “પરમહિતકારક પ્રભુની આજ્ઞા શું છે ? તેના પાલનથી આત્માને કેવા લાભ થાય છે ? અપાલનથી કેવાં કેવાં નુકસાન થાય છે ? મારી શક્તિ અનુસાર મારાથી તેનું કેટલું પાલન થઈ શકે તેમ છે ?” તેના ઉપર ચિંતન અને ભાવના દ્વારા મનની જે એકાગ્રતા કેળવવી તે “આજ્ઞાવિચય' નામનું ધર્મધ્યાન છે.
૨ - અપાયરિચય : રાગ, દ્વેષ, ક્રોધાદિ કષાયો કેવા કેવા અહિતનું કારણ થઈ શકે ? તેના કારણે વર્તમાન અને ભવિષ્યમાં કેવી કેવી વિડંબણાઓ ઊભી થાય ? તેનું જ ધ્યાન તે “અપાયરિચય' ધર્મધ્યાન છે.
૩ - વિપાકવિચય : કષાયોને આધીન થઈ પ્રવૃત્તિ કરવાથી ભવિષ્યમાં નરક, તિર્યંચ આદિના ભવોમાં કેવાં કેવાં દુઃખો સહન કરવો પડશે ? તેનું જ ધ્યાન તે “વિપાકવિચર્ય ધર્મધ્યાન છે.
૪ - સંસ્થાનવિચય: ચૌદ રાજલોક, તેમાં રહેલા અનંતા જીવો, કર્મના કારણે તે તે સ્થાનમાં તેમને પ્રાપ્ત થયેલી અવસ્થાઓ: આનો વિચાર કરવામાં મનને એકાગ્ર કરવું, તે “સંસ્થાનવિચય' ધર્મધ્યાન છે.