________________
નમોહ્યુ ણં સૂત્ર
ભયંકર કોટીના સંસારસાગરથી તારે તેને તીર્થ23 કહેવાય છે અને તીર્થની સ્થાપના કરવાના સ્વભાવવાળાને તીર્થંકર કહેવાય છે.
તીર્થની સ્થાપના કરવાને કારણે જ તીર્થંકરો તીર્થંકર કહેવાય છે. તીર્થની સ્થાપના એ પરમાત્માના જીવનનો ઊંચામાં ઊંચો પરોપકાર છે. એક મહાન સત્કાર્ય છે. પરમાત્માની આ જ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ પ્રવૃત્તિ છે.
૬૭
શ્રેષ્ઠ સમ્યગ્દર્શન ગુણથી યુક્ત અરિહંતપ્રભુનો આત્મા પૂર્વના ત્રીજા ભવમાં જ્યારે કર્માધીન જીવોની વિવિધ કદર્થનાઓ જુવે છે, ત્યારે કદર્શિત જીવોને જોઈ તેમના હૈયામાં તીવ્ર કરુણાનો ભાવ પ્રગટે છે. જગતના જીવોને દુ:ખથી મુક્ત કરવાની ભાવના જાગે છે. પણ... તેઓ સમજે છે કે, જૈનશાસન સિવાય આ જગતમાં જીવોને દુઃખથી મુક્ત કરી શકે તેવું અન્ય કોઈ નથી, અર્થાત્ જો મારામાં શક્તિ આવે તો દુનિયાના દરેક જીવોનો સંસારનો રસ વિષય કષાયનો રસ નિચોવી તેમને જૈનશાસનના રસી સમ્યગ્ જ્ઞાન, દર્શન ચારિત્રના રસી બનાવી દઉં. તેથી વિચારે છે કે, ‘જો હોવે મુજ શક્તિ ઈસી, વિ જીવ કરું શાસન રસી.’ બસ, આ જ ભાવનાથી તેઓ તીર્થંકરનામકર્મની નિકાચના કરે છે.
=
=
અંતિમ ભવમાં જ્યારે પરમાત્મા સાધના દ્વારા ઘનઘાતિ કર્મને ખપાવે છે. ત્યારે સમસ્ત જગતને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાનાદિ ગુણો પ્રગટે છે. એની સાથે જ, પૂર્વના ત્રીજા ભવમાં સર્વ જીવોને શાસનરસિક ક૨વાની ભાવનાથી નિકાચિત કરેલ તીર્થંકરનામકર્મનો વિપાકોદય ચાલુ થાય છે. આમ તો મોહનીય કર્મનો નાશ થવાને કારણે તેમને તીર્થ પ્રવર્તાવવાની કોઈ ઈચ્છા હોતી નથી, તોપણ જેમ સૂર્ય સ્વભાવથી જ આખી દુનિયાને પ્રકાશિત કરે છે, તેમ પરમાત્મા પણ તીર્થંકરનામકર્મના ઉદયથી ઉત્કૃષ્ટ પરોપકારની પ્રવૃત્તિ સહજભાવે કરે છે. એ પરોપકાર દ્વારા જ તેઓનું તીર્થંકરનામકર્મ ખપે છે.
પરમાત્મા તીર્થને પ્રવર્તાવે છે, એટલે પરમાત્મા ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે છે અને પ્રવચનનું પ્રદાન કરે છે. તેના દ્વારા જગતના જીવોને જડ અને ચેતનદ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ સમજાવે છે, માત્ર સ્વરૂપ જ સમજાવે છે તેમ નહિ, પરંતુ જીવદ્રવ્યને કોઈપણ પ્રકારે પીડા ન થાય અને જડદ્રવ્યની કોઈ પણ પ્રકારે હાનિ ન થાય તેવા પ્રકારની સંયમિત જીવનપદ્ધતિ જણાવે છે. આ પ્રવચન સાંભળીને અનેક ભવ્યાત્માઓ સાન અને સન્ક્રિયા(ચારિત્ર)ને સ્વીકારે છે અને તેના દ્વારા ભીષણ એવા ભવસાગરથી તરી જાય છે. પરમાત્માનું પ્રવચન ભયંકર એવા સંસારસાગરથી તારનારું છે, માટે તેને તીર્થ કહેવાય છે.
23. તીર્થ શબ્દની વિશેષ વ્યાખ્યા સૂત્રસંવેદના ભા. ૧ - લોગસ્સ સૂત્રમાંથી જુઓ.