________________
શ્રી પુફખરવરદી સૂત્ર
૨૬૭
વા-વાવ-વિસાહ-સુદાવહસ - કલ્યાણરૂપ (આરોગ્ય સ્વરૂપ) એવા પુષ્કળ અને વિશાળ સુખને આપનાર.
કલ્ય એટલે આરોગ્ય. શ્રુતજ્ઞાન સંપૂર્ણ અને વિશાળ એવા આરોગ્યરૂપ સુખને પ્રાપ્ત કરાવે છે.
ચિકિત્સક શરીરના રોગનું નિદાન કરી આરોગ્યપ્રદ ઔષધના આસેવનની રીત બતાવે છે. આ ઔષધનું આસેવન કરી જેમ શરીરના રોગથી પીડાતા જીવો રોગથી મુક્ત બની આરોગ્યના સુખને અનુભવી શકે છે, તેમ શ્રુતજ્ઞાન સૌ પ્રથમ આત્માને લાગુ પડેલા અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ, કર્મ વગેરે અનંતા રોગોનું ભાન કરાવે છે. ત્યારપછી તે તે રોગને નાબૂદ કરવાના ઔષધ તુલ્ય અનેક શુભાનુષ્ઠાનો, શુભભાવનાઓ, શુભધ્યાન, ક્ષપકશ્રેણિ, યોગનિરોધ આદિ અનેક માર્ગો બતાવે છે. “
શ્રુતજ્ઞાન દ્વારા બતાવેલાં ઔષધ તુલ્ય શુભાનુષ્ઠાનથી સાધક અશુભ ક્રિયાના અભ્યાસને તોડે છે, શુભભાવથી અશુભભાવના સંસ્કારનો નાશ કરે છે. ધર્મધ્યાન દ્વારા આર્ત અને રૌદ્રધ્યાનથી મલિન થયેલા આત્માને નિર્મળ કરે છે. શુક્લધ્યાનના માર્ગે આગળ વધી શપકશ્રેણિ માંડે છે. તેનાથી અજ્ઞાન અને મોહરૂપી રોગનું મૂળથી ઉમૂલન થાય છે, ત્યારે આત્મામાં અનંતજ્ઞાનનો પ્રકાશ થાય છે, અનંત વીર્ય પ્રગટે છે, અનંત ચારિત્ર પ્રાપ્ત થાય છે. ત્યારપછી યોગનિરોધ આદિની પ્રક્રિયા દ્વારા બાકી રહેલાં કર્મનો વિનાશ કરી, આત્મા પોતાના પૂર્ણ આનંદ અને આરોગ્યને પ્રાપ્ત કરે છે. ત્યારે તે પોતાના સ્વાભાવિક સુખમય-આનંદમય સ્વરૂપની અનુભૂતિ કરે છે. આ રીતે શ્રુતજ્ઞાન પૂર્ણ અને વિશાળ એટલે અનંત સુખને પ્રાપ્ત કરાવનાર છે.
સુવૈદ્ય બતાવેલું ઔષધ લેવાથી રોગ ચાલ્યો જ જાય એવો નિયમ નથી, પુણ્ય હોય તો જાય, પુણ્ય ન હોય તો ન પણ જાય, ક્યારેક તો વળી તે ઔષધ બીજી પીડાઓ પણ ઊભી કરે છે, જ્યારે શ્રુતજ્ઞાનરૂપી ઔષધથી ભાવરોગ અવશ્ય નાશ પામે છે. જો કર્મ ભારે હોય તો ક્યારે રોગમુક્તિમાં વિલંબ થાય પણ વહેલા મોડા ફળ તો મળે જ. વળી, આ ઔષધની કોઈ આડઅસર પણ નથી હોતી. તેથી ભાવ-આરોગ્યના અર્થીએ તો શ્રુતજ્ઞાન જ્યાં આંગળી ચિંધે એ દિશા પકડી આગળ વધવું જોઈએ.