________________
શ્રી સંસારદાવાનલ સ્તુતિ
જિજ્ઞાસા : અહીં સંસારને દાવાનલ તુલ્ય કહ્યો, પરંતુ પુણ્યોદયથી પ્રાપ્ત સુખ-સગવડતા ભર્યા સંસારને દાવાનલ તુલ્ય કઈ રીતે કહેવાય ?
૨૩૯
તૃપ્તિ : સુખ-સગવડતાથી ભરેલો પણ આ સંસા૨ વાસ્તવમાં દાવાનલ જેવો જ છે. કેમ કે, સૌને ગમતાં, મમતા કે લાગણી આદિના ભાવો વર્તમાનમાં પણ ભય, ચિંતા, વિહ્વળતા, આકુળતા આદિરૂપ દાહ ઉત્પન્ન કરે છે, તેથી આત્મા માટે તો તે પીડાકારક જ છે. દારૂના નશામાં શ૨ી૨ને થતી પીડા જેમ અનુભવાતી નથી, તેમ મોહના નશાને કા૨ણે જ જીવને દેહકૃત કે, રાગાદિકૃત પીડાઓ અનુભવાતી નથી. વળી આ બાહ્ય સગવડો કર્મ બંધાવી ભાવિમાં અગવડો ઊભી કરે છે. ભગવાનના વચનાનુસાર સાધના કરી જીવ જ્યારે મોહને મંદ કરે છે અને જ્યારે કષાયના ઉપશમનો આનંદ અનુભવે છે, ત્યારે જ સુખદ સંસાર પણ કેટલી કદર્થનાથી યુક્ત છે, તે વાત તેને સ્પષ્ટ સમજાય છે. તેથી સુખભર્યો કે દુઃખભર્યો સંસાર દાવાનલ સમાન જ છે.
સંમોદ-ધૂહી-દરને સમીર - મોહરૂપી ધૂળને ઉડાડવા માટે પવન જેવા (વી૨ પ૨માત્માને હું નમસ્કાર કરું છું.)
જે કર્મના ઉદયથી જીવ યોગ્ય-અયોગ્યનો, હિત-અહિતનો વિચાર ન કરી શકે તે મોહનીયકર્મ છે. આ કર્મ જ્યારે પ્રબળ માત્રામાં પ્રવર્તતુ હોય ત્યારે તેને સંમોહ કહેવાય છે. અહીં મોહને ધૂળની ઉપમા આપી છે અને વીર વીભુને તે ધૂળને દૂર કરનાર પવનની ઉપમા આપી છે.
‘હું આત્મા છું અને પુદ્ગલો મારાથી જુદા છે,' તેવું જ્ઞાન મોહનીય કર્મ થવા દેતું નથી. આથી જ જીવ પૌદ્ગલિક ચીજોને પોતાની માને છે, પુદ્ગલથી જ સુખ છે તેવું માની, તેમાં જ રચ્યોપચ્યો રહી અનેક પ્રકારના ક્લિષ્ટ કર્મરૂપ રજથી આત્માને ખરડે છે, માટે જ મોહને ધૂળની ઉપમા આપી છે.
અનંત સંસારમાં ભટકતાં ભટકતાં જીવ જ્યારે કોઈપણ રીતે ભગવાનના વચનનું - વાસ્તવિક તત્ત્વનું ચિંતન કરે છે ત્યારે તેને સંસા૨ની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. તેનામાં પોતાના શુદ્ધ સ્વરૂપની કાંઈક સમજ પ્રાપ્ત થાય છે. ભગવાનના સ્વરૂપની વિચારણા, તેમના ગુણવૈભવનું જ્ઞાન અને ગુણથી પ્રાપ્ત થતાં સુખની સમજ તેનામાં ધીમે ધીમે પરમાત્મા પ્રત્યેની પ્રીતિ પ્રગટાવે છે. પ્રીતિપૂર્વકની, ભાવપૂર્વકની ભક્તિ મોહનીયકર્મને નબળું પાડે છે. તેથી ‘પુદ્ગલમાં સુખ છે,’ તેવી માન્યતા નાશ પામે છે. ‘આત્મામાં જ સુખ છે અને તે સુખ ગુણથી પ્રાપ્ત થાય છે, તેવો બોધ થતાં જીવ ક્ષમાદિ ગુણ માટે અથાગ પ્રયત્ન કરે છે.