________________
૨૧૬
સૂત્રસંવેદના-૨
ચૈત્યવંદન સંબંધી આવી અનુપ્રેક્ષાથી વિશેષ પ્રકારના નિર્લેપભાવવાળા ચિત્તનો સંપ્રત્યય થાય છે એટલે કે નિર્લેપ ચિત્તની અનુભૂતિ-પ્રતીતિ થાય છે. આવી અનુભૂતિ ક્ષપકશ્રેણી મંડાવી શકે તેવો નિર્લેપભાવ પણ પ્રગટ કરી શકે છે. આથી જ કહ્યું છે કે અનુપ્રેક્ષાના બળથી જીવને ભવિષ્યમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુલભતાથી થાય છે.
કોઈ પણ પદાર્થની અનુપ્રેક્ષા માટે સૌ પ્રથમ તે પદાર્થનો પરિચય મેળવવો જોઈએ. તે માટે યોગ્ય ગુરુ પાસે વિનયપૂર્વક તેની વાચના લઈ, તેમાં ઊઠેલા સંદેહના નિવારણ માટે પૃચ્છના કરવી જોઈએ. પછી તે પદાર્થને સ્થિર કરવા પુનઃ પુનઃ તેનું પરાવર્તન કરવું જોઈએ. પરાવર્તનથી પરિચિત થયેલા પદાર્થના ઊંડાણ સુધી પહોંચવા, તેનાં રહસ્યોને આત્મસાત્ કરવા, ચિંતનીય પદાર્થમાં લીન બનવા, પરાવર્તન પછી અનુપ્રેક્ષા કરવામાં આવે છે.
પરિચિત પદાર્થની પુનઃ પુનઃ અનુપ્રેક્ષા કરવાથી તે પદાર્થ વધુ અભ્યસ્ત થાય છે. નવા નવા અનેક અર્થ ઝૂરે છે. ચિત્ત સહજતાથી તેમાં એકાગ્ર બને છે. અન્ય વિકલ્પો શાંત પડે છે. આથી આત્મા શુભ ધ્યાનમાં લીન બને છે. શુભ ધ્યાન દ્વારા દોષોનું ઉન્મેલન અને ગુણોનું પ્રગટીકરણ થાય છે. તેનાથી સાધકને આત્મભાવની કાંઈક અનુભૂતિ થાય છે. જેના પરિણામે તેનામાં શુદ્ધ આત્મ સ્વરૂપને પામવાની ઇચ્છારૂપ સંવેગ પ્રગટે છે. વિશેષ અનુÈક્ષાથી સંવેગ દઢ થાય છે. આમ કરતા કરતાં સાધક કેવળજ્ઞાનની અત્યંત નિકટ જઈ શકે છે. તેથી કહ્યું છે કે, કેવળજ્ઞાનને ખૂબ નજીક લાવવાનો કીમિયો આ અનુપ્રેક્ષા છે.
શાસ્ત્રકારોએ આ અનુપ્રેક્ષાને રત્નશોધક અગ્નિ જેવી કહી છે. જેમ ઘણા સમયથી ખાણમાં પડેલું મેલું રત્ન અગ્નિમાં નાંખતાં શુદ્ધ થઈ જાય છે, તે જ રીતે અનુપ્રેક્ષારૂપ અગ્નિ પ્રજ્વલિત થતાં કર્મ કચરાથી મલિન થયેલો, રાગાદિ દોષોથી દૂષિત થયેલો આત્મા પણ શુદ્ધ-શુદ્ધતર થઈ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે.
અનુપ્રેક્ષા અમૃત છે. અનુપ્રેક્ષાથી કેવા કેવા લાભો થાય છે તે તો અનુપ્રેક્ષા કરનારા આત્માઓ જ સમજી શકે છે. પરંતુ શાસ્ત્ર કહે છે, જે સાચા અર્થમાં એક પણ પદની અનુપ્રેક્ષા કરતાં આવડી જાય તો શાસ્ત્રના એક એક પદોમાં કષાયોને કાઢી, વિષયોની વાસનાને વિદારી આત્મજ્ઞાન કરાવવાનીઅનુભવજ્ઞાન સુધી પહોંચાડવાની તાકાત છે.