________________
૨૦૮
સૂત્રસંવેદના-૨
ક્રિયા કરીને કર્મોના મલથી મલિન આત્માને નિર્મળ કરવાની ભાવના જાગૃત થઈ છે ? વીતરાગના આલંબને રાગાદિ દોષોને દૂર કરવાની ઈચ્છા છે ? જો આ ભાવ અંદરમાં છે તો જ વાસ્તવિક શ્રદ્ધાનો પરિામ છે, તો જ મારો કાયોત્સર્ગ સફળ છે ! અંદરમાં આ ભાવ નહિ આવે તો કાયોત્સર્ગ સફળ નહિ બને ! માટે શ્રદ્દાના પરિણામને પ્રગટાવવા હું પ્રયત્ન કરું.”
કાયોત્સર્ગ એ માત્ર શ્રદ્ધાપૂર્વક સામાન્યથી સૂત્રો બોલી જવાની ક્રિયા નથી, પરંતુ મનમાં બોલાતા શબ્દના મર્મને પકડી, તેમાં લીન થવા માટેની એક વિશિષ્ટ ક્રિયા છે. માટે તેમાં એકલી શ્રદ્ધા નહિ પણ મેધાની પણ જરૂર છે. આથી જ હવે કાયોત્સર્ગની સફળતાનું બીજું સાધન ‘મેધા' કેવી હોવી જોઈએ તે બતાવે છે.
-
મેન્નાઇ - મેધાથી (વધતી જતી મેધાથી હું,કાયોત્સર્ગ કરું છું.)
મેધાનો અર્થ છે શાસ્ત્રને સમજી શકાય તેવી કુશળ બુદ્ધિ. સૂત્રોના તાત્પર્યને સમજવાનો તીવ્ર અને સૂક્ષ્મ માનસિક યત્ન. કાયોત્સર્ગ આવી મેધાથી કરવાનો છે, પણ જડતાથી નથી કરવાનો. સમ્યગ્ શ્રદ્ધામાંથી પ્રગટેલી નિર્મળ બુદ્ધિ આત્માનું અહિત કરે તેવાં અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્રની ઉપેક્ષા કરાવી આત્મહિતકર ધર્મશાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવે છે. રોગની ગંભીરતા સમજાતાં દર્દીને જેમ દવાની અનિવાર્યતા જણાય છે, તેમ જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી નિર્મળ બુદ્ધિના કારણે સાધકને આત્માનું હિત કરે, સાચા સુખનો માર્ગ બતાવે તેવા ભગવાનના વચનરૂપ શાસ્ત્રને સમજવાની ઝંખના જાગે છે. તેની શાસ્ત્રોને સમજવાની ઝંખના પણ શબ્દ માત્રમાં સીમિત ન થતાં, શાસ્ત્રના એક-એક શબ્દોના સૂક્ષ્મ ભાવો તથા શબ્દની પાછળ સંતાયેલાં ઊંડાં તત્ત્વોના સંશોધન માટે પ્રયત્ન કરાવે છે. નિર્મળ બુદ્ધિથી પ્રગટેલી આંતરસૂઝના કારણે જ તે સાધક, શાસ્ત્રજ્ઞ અને ગીતાર્થ એવા સદ્ગુરુને શોધે છે. સદ્ગુરુનો યોગ થયા પછી સમ્યક્ પ્રકારે તેમની ઉપાસના કરે છે. તેમની કૃપાનું પાત્ર બની વિધિવત્ શાસ્ત્રનો અભ્યાસ કરી શાસ્ત્રોમાં રહેલા સૂક્ષ્મ ભાવોને સ્પર્શવા પ્રયત્ન કરે છે.