________________
અરિહંતચેઈયાણં સૂત્ર
૨૦૭
બલાત્કારથી નહીં, પરંતુ સ્વયં ચૈત્યવંદન કરવાની જે ઈચ્છા પ્રગટે છે, તે શ્રદ્ધા છે. આ શ્રદ્ધા મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી પ્રગટ થાય છે. મોહનીય કર્મની પક્કડ જેમ જેમ ઢીલી પડે છે, તેમ તેમ ચિત્તમાંથી રાગાદિની મલિનતા દૂર થાય છે. બુદ્ધિ નિર્મળ બને છે અને પરમાત્માના ગુણોનું યથાર્થ જ્ઞાન થાય છે. પરમાત્મા પ્રત્યેના જ્ઞાનપૂર્વકના બહુમાનથી “આવા વિશિષ્ટ ગુણસંપન્ન સ્વામી મને મળ્યા છે” તેવો ચિત્તમાં આસ્લાદ થાય છે, મન પ્રફુલ્લિત બને છે, શરીર રોમાંચિત થાય છે, આ રીતે અંતરંગ બહુમાનપૂર્વક ભગવાનની ભક્તિ કરવાની જે ભાવના તે જ શ્રદ્ધા છે.
શ્રદ્ધાના પરિણામ પૂર્વક જ્યારે ચૈત્યવંદનની ક્રિયાનો પ્રારંભ થાય, ત્યારે ચૈત્યવંદનનાં સૂત્રોના એક એક શબ્દો જેમ જેમ બોલાતા જાય તેમ તેમ હૈયું અરિહંતના ભાવથી ભાવિત થતું જાય અને અંતે જ્યારે વાસ્તવિક ચૈત્યવંદન સ્વરૂપ કાયોત્સર્ગ કરવામાં આવે અને પ્રભુ સાથે એકરૂપ થઈ જવાય ત્યારે સમજાય કે ચૈત્યવંદનની આ ક્રિયા કેટલી સુંદર છે ! કેવી ઉત્તમ છે ! સંસારની સુખસભર ક્રિયામાં કેવા રાગાદિના સંક્લેશો છે અને ધર્મની નાની ક્રિયામાં પણ ઉપશમભાવનો કેવો આનંદ છે સુખરૂપ આ સંવેદનાઓના કારણે શ્રદ્ધાનો પરિણામ વૃદ્ધિમાન થાય છે અને પુનઃ પુનઃ આ ક્રિયા કરવાનો અભિલાષા જાગે છે. આ જ વધતી જતી શ્રદ્ધા છે અને આવા શ્રદ્ધાના પરિણામપૂર્વક કાયોત્સર્ગ થાય તો જ તે મોક્ષના અંતિમ ફળ સુધી પહોંચાડી શકે છે.
સામાન્યથી ચૈત્યવંદન કરવાની ઈચ્છા તો ઘણીવાર ઘણા જીવોને થાય છે. પણ ઊંડાણથી વિચારીએ તો ખ્યાલ આવે કે, આ ઈચ્છાની પાછળ ઘણીવાર તો કોઈક મોહજન્ય સુખની અભિલાષા અથવા ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞા જ કારણ તરીકે પ્રવર્તતી હોય છે. આવી ઈચ્છાથી કરાયેલ કાયોત્સર્ગ શ્રદ્ધાના પરિણામ વિનાનો હોવાથી તે શ્રેષ્ઠ કોટિના બોધિ આદિ ફળને આપી શકતો નથી. આ પદ બોલતાં સાધક વિચારે કે –
“પરમાત્મા પ્રત્યેનું બહુમાન અંતરમાં પ્રગટ્યું છે ? આ જળને સ્વચ્છ કરે છે, તેમ આ શ્રદ્ધારૂપી રત્ન પણ ચિત્તમાં રહેલા સંશયાદિ દોષોને દૂર કરી ચિત્તને સ્વચ્છ બનાવે છે. સંશયાદિ દોષ નાશ પામતાં ભગવાને બતાવેલા મોક્ષમાર્ગ ઉપર અત્યંત આદર થાય છે. હૃદય આ માર્ગથી ભાવિત થાય છે, તેથી જ ચૈત્યવંદનાદિ શુભ ક્રિયાનો અભિલાષ થાય છે.