________________
જયવીયરાય સૂત્ર
૧૬૯
કદી દેખાતાં પણ નથી, આથી ભૌતિક સુખસામગ્રીની પ્રાપ્તિમાં જ તેને આનંદ આવે છે અને તેની અપ્રાપ્તિમાં તેને દુઃખ થાય છે.
આ રીતે અનંતકાળથી પરિભ્રમણ કરતાં કર્મમલના નારા સાથે પુણ્યોદય પ્રગટે છે, ત્યારે કોઈક મહાપુરુષનો સુયોગ થાય છે. તેમના મુખે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરવા મળે છે. ત્યારે તેને આ સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે. “સંસારનાં પરાધીન સુખો કરતાં આત્માનું સ્વાધીન સુખ જ સાચું છે. ધનસંપત્તિ આદિનાં ભયયુક્ત સુખ કરતાં જ્ઞાનાદિ ગુણસંપત્તિનું નિર્ભય સુખ ઉત્તમ છે. રાગાદિજન્ય સ્ત્રીના સુખ કરતાં ઉપશમભાવનું આત્માનું સુખ વધુ આનંદદાયક છે'; આવું સમજાય છે.
વળી, આવાં ભૌતિક સુખમાં મૂંઝાઈને જ નરક-તિર્યંચ ગતિનાં અનંતાં દુઃખો વેઠવાં પડે છે. આજે મળેલાં આ સુખો પણ આત્મા માટે કદર્થના કરનારાં છે. તે કર્મ બંધાવી વળી પાછા અનેક ભવની પરંપરાનું સર્જન કરનારાં છે.” આવું સમજવાને કારણે તે સુખોથી છૂટવાની કંઈક ઈચ્છા પણ થાય છે.
આમ છતાં, અનાદિકાળના કુસંસ્કારો, વિષયોમાં જ સુખ માણવાની કુટેવ અને કષાયોને જ સુખના સાધનભૂત માનવાની વૃત્તિના કારણે સાધક પાછો તેમાં પ્રવૃત્ત થતાં ત્યાં આસક્ત થઈ જાય છે. આ સુખનો ત્યાગ કરવાની તેની ભાવના નાશ પામી જાય છે. સંસારના મોહમાંથી મુક્તિ મેળવવાની તેની ઈચ્છા નામશેષ થઈ જાય છે અને વળી પાછો તે દુઃખી થાય છે. પોતાની આ અવસ્થા જોઈ તેને લજ્જા આવે છે. પણ... આમાંથી બહાર આવવાની પોતાની શક્તિ તેને જણાતી નથી. તેથી જ આ પદ બોલતાં તે પ્રભુને પ્રાર્થના કરતાં કહે છે...
“હે નાથ ! મારા ઉપર કૃપા કરો અને વિષય-કષાયથી ભરેલાં આ સંસાર ઉપર મને અણગમો ઉત્પન્ન કરાવો. જેથી મોક્ષ અને તેના અનંતો સુખ માટે હું કાંઈક યત્ન કરી શકું. જ્યાં સુધી મારો આ સંસારનો રાગ ઘટશે નહિ, તેની આસક્તિ ઓછી થશે નહિ; ત્યાં સુધી મને ઘર્મમાં રસ પડશે નહિ, તેમાં રુચિ વઘશે નહિ અને મારાં કર્મનો અંત આવશે નહિ. તેથી હે પ્રભુ ! સૌ પ્રથમ આપ મને બીજું કાંઈ નહિ, પણ એક માત્ર ભવનો વૈરાગ્ય પ્રાપ્ત કરાવો. જેથી સાચા અર્થમાં હું ઘર્મની શરૂઆત કરી શકું !”