________________
સૂત્રસંવેદના-૨
પોતાનો જ જય ઈચ્છે છે. પોતાની ચિત્તભૂમિ ઉપર મોહ અને વીતરાગનાં વચનની વચ્ચે જે યુદ્ધ થાય છે તેમાં વીતરાગના વચનનો જય ઇચ્છે છે.
૧૬૬
ગુરુ - હે જગતના ગુરુ (આપનો વિજય થાઓ.)
તત્ત્વને યથાર્થ સ્વરૂપે જે કહે તે ગુરુ છે. ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો જ્યાં છે, તેને જગત કહેવાય છે. પંચાસ્તિકાય સ્વરૂપ જગત જે સ્વરૂપે રહેલું છે, તે સ્વરૂપે જગતને જોઈ, લોક આગળ તેનું યથાર્થ કથન જે કરે છે, તેને જગતના ગુરુ કહેવાય છે. ભગવાન કેવળજ્ઞાન. દ્વારા જગતના પદાર્થોને યથાર્થરૂપે જુએ છે અને જેવું જુએ છે, તેવું જ જગત આગળ વચનાતિશય દ્વારા કથન પણ કરે છે. એટલે પરમાત્માને જગતના ગુરુ કહ્યા છે.
૫૨માત્માને ગુરુ તરીકે સંબોધિત કરવાથી તેમના કેવળજ્ઞાન અને માર્ગદેશકતા નામના બે મહાન ગુણો સૂચિત થાય છે. પૂર્વ વાક્યથી જેમ રાગાદિ શત્રુથી વિજયની આશંસા વ્યક્ત કરી છે, તેમ’‘હે જગતના ગુરુ તમારો જય થાઓ,' એમ કહેવા દ્વારા પરમાત્માને પોતાના હૃદયમંદિરમાં પધરાવવાનો પ્રયત્ન કરાય છે અને તેમની પાસે અજ્ઞાનતા આદિ શત્રુઓ પર વિજય મેળવવાની આશંસા વ્યક્ત કરાઈ છે. અહીં ‘વિયરાય' શબ્દ પ્રભુના સ્વરૂપને દર્શાવે છે તો ‘જગગુરુ' શબ્દ પ્રભુ સાથેના સાધકના સંબંધને દર્શાવે છે.
ભવનિર્વેદ આદિ આઠ વસ્તુની માંગણી કરવી છે તે મુખ્યરૂપે આંતરિક ભાવો છે. અનાદિ કાળથી અવળી ચાલે ચાલતા આત્માનો તે પૌદ્ગલિક સુખ પ્રત્યેનો ઢાળ બદલાવી ત્યાંથી પાછો વાળી આત્માભિમુખ બનાવવો એ સહેલું કાર્ય નથી, આવું કાર્ય પોતાના સામર્થ્યથી થઈ શકે તેવું પણ નથી. આથી જ સાધક આવું કાર્ય પાર પાડવા અનંત શક્તિના સ્વામી પરમાત્માને ‘ભયવં’ કહી સંબોધે છે. ભક્તિના તારથી પ્રભુને ખેચી સાત રાજ લોક દૂર રહેલા પ્રભુને પોતાના હ્રદય સિંહાસન ઉપર સ્થાપન કરે છે. અને આ રીતે નિકટ આવેલા પ્રભુને વિનંતી કરે છે ‘હે ભગવાન આપ ગુણોના ભંડાર છો, કરૂણાના સાગર છો, અચિંત્ય શક્તિથી યુક્ત છો. તેથી હે પ્રભુ ! આપ મારા મનમંદિરમાં પધારો અને ભક્તિપૂર્ણ હૃદયે કરાતી મારી પ્રાર્થનાને આપ સાંભળો !
2. મૃતિ-વિશતિ તત્ત્વ જ્ઞતિ ગુરુઃ ।