________________
અધ્યયન ૮
સૃષ્ટિ અને પ્રલય કણાદના વૈશેષિકસૂત્રમાં સૃષ્ટિ-પ્રલયની માન્યતાને સ્પષ્ટ નિર્દેશ નથી. પરંતુ પ્રશસ્તપાદભાષ્યમાં તે માન્યતાનો સ્વીકાર અને સમજૂતી છે. અહીં આપણે મુખ્યતઃ પ્રશસ્તપાદ અનુસાર ન્યાયશેષિકની સૃષ્ટિ અને પ્રલયની માન્યતાનું નિરૂપણ કરીશું.
જ્યારે બ્રહ્માના સૈ વર્ષ પૂરા થાય છે ત્યારે વર્તમાન બ્રહ્માના મોક્ષનો સમય આવે છે. તે વખતે મહેશ્વરને સૃષ્ટિના સંહારની ઈચછા થાય છે. મહેશ્વરની સંહારે છાનું પ્રયોજન એ છે કે સંસારથી ખિન્ન બનેલાં–થાકી ગયેલાં–પ્રાણીઓ પ્રલયરૂપી રાતે આરામ કરે. મહેશ્વરને સંહારેચ્છા થતાંની સાથે જ – અર્થાત સંહારેચ્છાસમકાલ - શરીર, ઇન્દ્રિય અને મહાભૂતના પ્રવર્તક (બધા આત્માઓના) અદષ્ટોની પોત પોતાનાં કાર્યો કરવાની શક્તિ કુંઠિત થઈ જાય છે. તેથી અનાગત અર્થાત નવાં શરીર, ઇન્દ્રિય અને મહાભૂત ઉત્પન્ન થતાં નથી. અદષ્ટની શક્તિ કુંઠિત થતાં જ, બીજી બાજુ, મહેશ્વરની સંહારેચ્છા અને આત્મા–અણુસંયોગો એક પ્રકારની ગતિ (શરીર અને ઇન્દ્રિયના આરંભક પરમાણુઓમાં) પેદા કરે છે. આ ગતિથી શરીર અને ઇન્દ્રિયના આરંભક પરમાણુઓમાં વિભાગ થાય છે. આ વિભાગથી શરીર અને ઇન્દ્રિયના આરંભક પરમાણુઓને પરસ્પરને સંગ નાશ પામે છે. તે પરમાણુઓ વચ્ચેનો સંયોગ નાશ પામતાં શરીર અને ઇન્દ્રિયને પરમાણુ પર્યત વિનાશ થાય છે. આમ શરીર અને ઇન્દ્રિયના આરંભક પરમાણુઓ વિખેરાઈ જઈ અલગ અલગ થઈ જાય છે. વળી, શરીર અને ઇન્દ્રિય સિવાયના જે અવયવીરૂપ કાર્ય છે તે બધાને પણ નીચે દર્શાવેલ ક્રમે વિનાશ થાય છે. પહેલાં પાર્થિવ કાર્યદ્રવ્યોનો નાશ થાય છે, પછી જલીય કાર્યદ્રવ્યનો નાશ થાય છે. પછી તૈજસ કાર્યક્રવ્યોની નાશ થાય છે અને છેવટે વાયવીય કાર્યદ્રવ્યોનો નાશ થાય છે. હવે શરીર, ઇન્દ્રિય કે વિષયરૂપ કઈ પણ કાર્યદ્રવ્ય બચતું નથી, માત્ર પરસ્પર અસંબદ્ધ પરમાણુઓ તેમ જ ધર્મ, અધર્મ અને સંસ્કારથી યુક્ત આત્માઓ જ બચે છે. આ અવસ્થાનું નામ પ્રલય યા સંહાર છે. પ્રલયકાળે કાળ, દિફ અને આકાશનું પણ અસ્તિત્વ હોય છે. પ્રલયકાળે પરમાણુઓમાં પરિસ્પંદરૂપ ગતિ હોય છે. આ ગતિ બે પરમાણુનો સંયોગ કરવા સમર્થ નથી.