________________
સાંખ્યદર્શન છે જ. બુદ્ધિ તેની પ્રેરણાથી જ પરિણમનરૂપ ક્રિયા કરે છે. એટલે એ પરિણમનરૂપ ક્રિયાનું ફળ તે ભોગવે છે. રાજા સૈન્યની યુદ્ધક્રિયાનો પ્રેરક છે, એટલે યુદ્ધનાં ફળ જયપરાજયને તે ભોગવે છે. આ તો આપણા અનુભવની વાત છે. આમ કૃતપ્રણાશ અને અકૃતાત્માગમ દોષોનો પણ નિરાસ થઈ જાય છે.
વ્યક્ત અને અવ્યક્ત પદાર્થોના ધર્મો વિશે આપણે વાત કરી છે. મહત્ વગેરે વ્યક્ત પદાર્થોથી અને અવ્યક્ત પ્રકૃતિથી પુરુષનું પાર્થક્ય છે. વ્યક્તિ તત્ત્વો અને અવ્યક્ત પ્રકૃતિ ત્રિગુણાત્મક છે પરંતુ પુરુષ તો ત્રિગુણાત્મક નથી. વ્યક્ત તત્ત્વો અને અવ્યક્ત પ્રકૃતિ અવિવેકી છે, જ્યારે પુરુષ વિવેકી છે. વ્યક્ત તત્ત્વોને અને અવ્યક્ત પ્રકૃતિને ગુણોથી જુદાં પાડી શકાતાં નથી કારણ કે ગુણો તો તેમનો સ્વભાવ છે. એટલે વ્યક્ત તત્ત્વો અને અવ્યક્ત પ્રકૃતિને અવિવેકી કહ્યાં છે. બીજી બાજુ, પુરુષની સાથે બીજા કોઈનો અભેદ સંબંધ નથી. પુરુષ કેવલ છે. એટલે તેને વિવેકી કહ્યો છે. અવિવેકનો બીજો અર્થ સંભૂયકારિતા અર્થાત્ સાથે મળી કામ કરવું તે. વ્યક્તિ તત્ત્વો અને અવ્યક્ત પ્રકૃતિ આ અર્થમાં પણ અવિવેકી છે જ્યારે પુરુષ વિવેકી છે. વ્યક્ત પદાર્થો અને અવ્યક્ત પ્રકૃતિ અચેતન, પરિણમનશીલ, અન્યના ભોગનો વિષય અને સાધારણ છે. તેથી ઊલટું, પુરુષ ચેતન, અપરિણામી, અવિષય અર્થાત્ ભોક્તા અને અસાધારણ છે. વ્યક્ત તત્ત્વોની સાથે પુરુષનું સાદૃશ્ય એ છે કે તે બન્નેય સંખ્યામાં અનેક છે. વળી, અવ્યક્ત પ્રકૃતિ સાથે પણ પુરુષનું કેટલીક બાબતોમાં સાદૃશ્ય છે. અવ્યક્ત પ્રકૃતિ અને પુરુષ બન્નેય અનુત્પન્ન હોઈ તેમનું કોઈ કારણ નથી અને એ અર્થમાં બન્નેય નિત્ય છે. બન્નેય વ્યાપક છે. વ્યાપક હોવાથી બન્નેય સ્થાનાન્તરગતિરૂપ ક્રિયાથી રહિત છે. બન્નેય પ્રભવિષ્ણુ છે અર્થાત્ કારણાન્તરમાં અનાશ્રિત છે. બન્નેયનું કોઈ કારણ ન હોવાથી બન્નેયને સ્વતન્ત્ર ગણ્યાં છે. સ્વતન્ત્રનો બીજો પણ અર્થ થાય છે. જે બીજાને માટે અસ્તિત્વ ન ધરાવતું હોય તે સ્વતંત્ર. આ અર્થમાં પુરુષને જ સ્વતંત્ર ગણાવી શકાય, અવ્યક્ત પ્રકૃતિને નહિ જ. અવ્યક્ત પ્રકૃતિનું અસ્તિત્વ પુરુષને માટે છે. એટલે જ યોગભાષ્યકારને કહેવું પડ્યું છે કે પ્રકૃતિ સ્વતંત્ર હોવા છતાં તેનું અસ્તિત્વ પરાર્થે હોવાથી તે પરતંત્ર પણ છે. બન્નેય અનુત્પત્તિધર્મયુક્ત હોવાથી તેમને અલિંગ કહ્યા છે. કાર્ય એ કારણનું લિંગ (જ્ઞાપકહેતુ) છે. પુરુષ અને અવ્યક્ત પ્રકૃતિને કારણે જ નથી, એટલે તે કોનાં લિંગ બને ? લિંગનો બીજો પણ અર્થ છે. જેનો સ્વકારણમાં લય થાય તે લિંગ. આ અર્થમાંય બને અલિંગ જ ઠરે છે. પુરુષ અને અવ્યક્ત પ્રકૃતિ બંનેયને નિરવયવ વર્ણવ્યાં છે. પરંતુ પરમાર્થથી તો પુરુષ જ નિરવયવ છે, કારણ કે તે અસંહત છે. અવ્યક્ત પ્રકૃતિ તો ત્રણ ગુણોનો સંઘાત છે. એટલે તેને પરમાર્થથી નિરવયવ કહી શકાય નહિ. તેના અવયવો તેના આરંભક નથી એટલા અર્થમાં જ તેને નિરવયવ કહી છે. પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના ભેદનો નિર્દેશ થઈ ગયો છે. તે બે વચ્ચે એક મહત્ત્વનો ભેદ એ છે કે પુરુષ સંખ્યામાં બહુ છે જ્યારે અવ્યક્ત પ્રકૃતિ સંખ્યામાં એક છે.''