________________
સાંખ્યદર્શન
૮૫
જેમ જંડ સત્ત્વના પ્રકાશથી ભિન્ન શ્રેણીનો પ્રકાશ પુરુષનો સ્વભાવ છે તેમ જડ સત્ત્વના સુખથી ભિન્ન શ્રેણીનું સુખ યા આનંદ પુરુષનો સ્વભાવ કેમ ન હોઈ શકે એવો પ્રશ્ન ઊઠે છે. પરંતુ સાંખ્યાચાર્યો આવા આનન્દની કલ્પનાને ભ્રાન્તિ અને પ્રપંચના જ ગણે છે.
ધર્મ, અધર્મ વગેરે પણ પુરુષના ધર્મો નથી. સાંખ્યમતમાં ધર્મ, અધર્મ વગેરે અન્તઃકરણના ધર્મો છે.૨૭ પુરુષમાં સાક્ષાત્ સંબંધથી ધર્મ, અધર્મ વગેરે રહેતા નથી. ધર્મ, અધર્મ વગેરેને અન્તઃકરણના ધર્મો તરીકે સ્વીકારતાં પ્રલયકાળે જ્યારે અંતઃકરણનો અભાવ હોય છે ત્યારે ધર્મ, અધર્મ વગેરે શેમાં રહેશે ? આવી આપત્તિના ઉત્તરમાં સાંખ્યાચાર્યોને કહેવું પડે છે કે તે વખતે પણ અન્તઃકરણનો અત્યન્ત વિનાશ થતો નથી; તે સૂક્ષ્મદેહમાં રહે જ છે. આમ પ્રલયકાળે સૂક્ષ્મદેહનો સદ્ભાવ સાંખ્યોને સ્વીકારવો પડ્યો છે. અને આ સ્વીકૃતિ પ્રલયની કલ્પનાના મૂળમાં જ ઘા કરે છે, કારણ કે પ્રવાહવિચ્છેદ સિવાય પ્રલય બીજું કશું નથી, અને પ્રવાહવિચ્છેદ ન થતો હોય તો પ્રલય ક્યાં રહ્યો ?
૨૮
પુરુષ કર્તા નથી. એનો અર્થ એ કે તે નિષ્ક્રિય છે. ક્રિયા ત્રણ પ્રકારની ગણાવી શકાય-પરિણમનરૂપ, ગતિરૂપ અને અધિષ્ઠાનરૂપ (પ્રેરણારૂપ). પુરુષ નિષ્ક્રિય છે એનો અર્થ એ કે તેનામાં પરિણમનરૂપ, ગતિરૂપ કે અધિષ્ઠાનરૂપ ક્રિયા નથી. તેનામાં પરિણમનરૂપ ક્રિયા નથી. તેમ છતાં તે પરિણમનરૂપ ક્રિયાયુક્ત લાગે છે. તેનું કારણ એ છે કે તેનું પ્રતિબિંબ સાન્નિધ્યને લઈને પરિણામી બુદ્ધિમાં પડે છે, પરિણામે બુદ્ધિગત પરિણામીપણાનો આરોપ પુરુષમાં કરવામાં આવે છે. અચલ ચંદ્રનું પ્રતિબિંબ ચંચલ પાણીમાં પડેલું જોઈને જેણે સ્થિર ચંદ્રબિંબ કદી જોયું નથી તે ચંદ્રને પણ ચંચલ માની લે તેના જેવું આ છે.૨૯ આપણે જોઈ ગયા કે આત્મામાં ગતિક્રિયા પણ આરોપિત જ છે. પ્રેરકત્વરૂપ કર્તૃત્વને અધિષ્ઠાતૃત્વ કહેવામાં આવે છે. આ અધિષ્ઠાતૃત્વ પણ પુરુષમાં આરોપિત યા ભ્રાન્ત છે એવું અનિરુદ્ધ વગેરે કેટલાક સાંખ્યાચાર્યો જણાવે છે. મુખ્ય અધિષ્ઠાતૃત્વ તો પુરુષનાં પ્રકાશથી ઉજ્જ્વળ બનેલા અન્તઃકરણમાં છે અને સાન્નિધ્યને લઈને તેનો આરોપ પુરુષમાં થાય છે. પરંતુ પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરતી વેળાએ તો સાંખ્યાચાર્યો જણાવે છે કે જેમ જગતમાં ૨થ વગેરે જડ પદાર્થોના તેમનાથી ભિન્ન સારથિ વગેરે અધિષ્ઠાતા હોય છે તેમ પ્રકૃતિ વગેરે જડ તત્ત્વોના પણ તેમનાથી ભિન્ન અધિષ્ઠાતા હોવા જોઈએ. આ તો પુરુષમાં અધિષ્ઠાતૃત્વ મુખ્ય હોય તેવી વાત થઈ. આ સ્થાને અનિરુદ્ધ પણ જણાવે છે કે ચેતન જ અધિષ્ઠાતા છે, પ્રકૃતિ તો જડ છે. ‘પુરુષથી અધિષ્ઠિત પ્રધાન પ્રવૃત્તિ કરે છે' એ મતને માઠર સ્વીકારતા જણાય છે. વળી, તે જણાવે છે કે કર્તૃત્વ બે પ્રકારનું છે-એક છે પરિણતિરૂપ ક્રિયા કરનારનું કર્તૃત્વ અને બીજું છે પ્રયોત્વરૂપ યા અધિષ્ઠાતૃત્વરૂપ કર્તૃત્વ. તે સ્પષ્ટપણે જણાવે છે કે સાંખ્યકારિકા ૧૯માં અમાવ' પદથી પ્રથમ પ્રકારના કર્તૃત્વનો નિષેધ કરવામાં આવ્યો છે જ્યારે બીજા પ્રકારનું અધિષ્ઠાતૃમૂલક કર્તૃત્વ તો પુરુષમાં છે જ.' પુરુષમાં
૩૧
33