________________
સાંખ્યદર્શન
પુરુષના ધર્મો પુરુષ અપરિણામી છે, ફૂટસ્થનિત્ય છે. તે કોઈનું કાર્યેય નથી કે કારણેય નથી. તેનું અમરિણામીપણું નીચે પ્રમાણે સાબિત કરી શકાય. બુદ્ધિનો વિષય છે બાહ્ય પદાર્થ અને પુરુષનો વિષય છે બાહ્ય પદાર્થના આકારવાળી બુદ્ધિ, બુદ્ધિ જ્યારે બાહ્ય પદાર્થને જાણે છે ત્યારે તે તે પદાર્થના આકારે પરિણમે છે. પુરુષ જ્યારે બાહ્ય પદાર્થના બુદ્ધિગત આકારને જાણે છે ત્યારે તે તે બુદ્ધયાકારરૂપે પરિણમતો નથી પણ તેને પ્રકાશિત કરે છે. પુરુષના ચેતનાપ્રકાશથી બુદ્ધિ હંમેશાં પ્રકાશિત જ હોય છે, એટલે બુદ્ધિમાં જ્યારે જે કોઈ આકાર ઊઠે છે ત્યારે તે પુરુષના પ્રકાશથી પ્રકાશિત જ હોય છે, અર્થાત્ કોઈ બુક્યાકાર પુરુષના પ્રકાશથી વંચિત હોતો નથી જ. આમ બધી જ બુદ્ધિવૃત્તિઓ પુરુષને તે તે કાળે જ્ઞાત જ હોય છે. જો બુદ્ધિવૃત્તિરૂપે પરિણમવું બુદ્ધિવૃત્તિને જાણવા પુરુષને જરૂરી હોય તો કેટલીક બુદ્ધિવૃત્તિઓ પુરુષને અજ્ઞાત રહેત. જો પુરુષને પણ બુદ્ધિવૃત્તિરૂપે પરિણમતો માનીએ તો જે બુદ્ધિવૃત્તિરૂપે તે પરિણમત તે તેને જ્ઞાત થાત અને બાકીની તેને અજ્ઞાત રહેત." અજ્ઞાત ચિત્તવૃત્તિની સત્તા સ્વીકારતાં હું સુખી છું કે નહિ’ ‘હું દુઃખી છું કે નહિ” “ઇચ્છા કરું છું કે નહિ', વગેરે અનેક પ્રકારના સંશયો થતા રહે. પરંતુ આવા સંશયો તો કોઈને થતા નથી. વળી, જો ચિત્તવૃત્તિનું અજ્ઞાત રહેવું સંભવતું હોય તો પછી અહીં અમુક પદાર્થ નથી એમ નહિ કહેવાય, અર્થાત્ કોઈ પણ પદાર્થના અભાવનો નિશ્ચય નહિ થાય. અહીં અમુક પદાર્થ નથી એમ જે આપણે કહીએ છીએ તેનું કારણ એ છે કે તે પદાર્થ પ્રત્યક્ષ થવાને યોગ્ય હોવા છતાં આપણને તેનું જ્ઞાન તે પ્રદેશમાં થતું નથી. જો બુદ્ધિવૃત્તિ અજ્ઞાત રહેતી હોય તો એવું પણ બને કે પદાર્થ ત્યાં હોય અને આપણી બુદ્ધિ તદાકાર પરિણામને પામેલી હોય છતાં તે વૃત્તિ અજ્ઞાત રહેવાથી તે પદાર્થનું જ્ઞાન આપણને થતું ન હોય. આમ અમુક વસ્તુ અમુક સ્થળે નથી એવો અભાવનિશ્ચય કદાપિ થશે નહિ. પણ તેમ તો છે જ નહિ. એટલે, બુદ્ધિની અર્થાકાર પરિણમેલી વૃત્તિ તેમ જ સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષરૂપ વૃત્તિઓ પુરુષને સદા જ્ઞાત જ હોય છે એમ માનવું જોઈએ. અને બધી બુદ્ધિવૃત્તિઓને જ્ઞાત ત્યારે જ માની શકાય કે જ્યારે આપણે પુરુષને તે તે વૃન્યાકારે પરિણમતો ન માનીએ પરંતુ તે તે વૃત્તિઓને પોતાના પ્રકાશથી પ્રકાશિત કરતો માનીએ. ભિક્ષુએ યોગવાર્તિકમાં પુરુષને અપરિણામી પુરવાર કરવા નીચે મુજબ કહ્યું છે. ઘટાકારરૂપે પરિણમવા માટે સામે ઘટનું હોવું જરૂરી નથી. સ્વપ્રમાં બુદ્ધિને ઘટજ્ઞાન થાય છે પરંતુ તે કાળે ઘટ તો હોતો નથી. આ દર્શાવે છે કે બુદ્ધિને કોઈ પણ વસ્તુનું જ્ઞાન ત્યારે જ થાય છે જ્યારે તે તે વસ્તુના આકારે પરિણમે છે. બીજી બાજુ, બુદ્ધિવૃત્તિના અભાવમાં કદી બુદ્ધિવૃત્તિનું જ્ઞાન થતું નથી. બુદ્ધિવૃત્તિનું જ્ઞાન જ્યારે પુરુષને થાય છે ત્યારે તે પુરુષ સમક્ષ અવશ્ય વિદ્યમાન હોય છે. આ સૂચવે છે કે પુરુષ બુદ્ધિગત વિષયાકારે પરિણમતો નથી પરંતુ તેનું પ્રતિબિંબ માત્ર ઝીલે છે. બિંબ વિના તો કદી પ્રતિબિંબ પડે જ નહિ. પ્રતિબિંબને લઈને પુરુષમાં અવસ્થાભેદ કે પરિણામપણું આવી જવાનો ભય ભિક્ષુ ધરાવતા નથી.'