________________
ષદર્શન
ભૂતચૈતન્યવાદી ચાર્વાકદર્શનને મતે ચૈતન્યવિશિષ્ટ દેહ જ આત્મા છે. દેહથી ભિન્ન સ્વતંત્ર આત્મતત્ત્વનું અસ્તિત્વ ચાર્વાકો સ્વીકારતા નથી. ચૈતન્ય તો દેહના ઉપાદાનભૂત ભૂતો અમુક રીતે અમુક પ્રમાણમાં ભેગાં મળવાથી ઉત્પન્ન થતો દેહનો ધર્મ છે. ચાર્વાકદર્શનના આ સિદ્ધાન્તનું ખંડન સાંખ્યસૂત્રમાં છે. ત્યાં કહ્યું છે કે ભૂતોને જુદા પાડી જોતાં તેમનામાં ચૈતન્ય જણાતું નથી.'' એટલે, ભૌતક દેહનો ચૈતન્ય ધર્મ સ્વાભાવિક નથી પરંતુ ઔપાધિક છે. અર્થાત્ તે તો દેહનિયન્તા ચિદાત્માના દેહાધિષ્ઠાનનું પરિણામ છે. જો દેહના ઉપાદાનભૂત પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય અવિદ્યમાન હોય તો તે ભૂતોના પરિણામરૂપ દેહમાં તેમના સંમિલનને કારણે ચૈતન્ય આવે છે એમ કહેવું બરાબર નથી. વળી, મરણ, મૂર્છા, સુષુપ્તિ વગેરેમાં દેહની અચેતનાવસ્થાનો આપણને પ્રત્યક્ષ અનુભવ છે. જો ચૈતન્ય દેહનો સ્વાભાવિક ધર્મ હોય તો ઉક્ત મરણ, સુષુપ્તિ, મૂર્છા વગેરે કદી પણ દેહને સંભવે જ નહિ. એનું કારણ એ છે કે જ્યાં સુધી દ્રવ્ય હોય ત્યાં સુધી તેનો સ્વભાવભૂત ધર્મ પણ અવશ્ય હોય જ એવો નિયમ છે. તેથી દેહ વિદ્યમાન હોય ત્યાં સુધી મરણ વગેરે થવું જ ન જોઈએ. પરંતુ પરિસ્થિતિ એવી નથી. એટલે ચૈતન્ય દેહનો સ્વાભાવિક ધર્મ નથી એ સ્વીકારવું જોઈએ. ચાર્વાકદર્શન કહે છે કે પ્રત્યેકમાં માદકતાશક્તિ ન હોવા છતાં જે ઉપાદાનોમાંથી માદક દારૂ ઉત્પન્ન થાય છે તે ઉપાદાનદ્રવ્યો ભેગાં મળતાં માદકતાશક્તિ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય ન હોવા છતાં મિલિત ભૂતોના પરિણામરૂપ દેહમાં ચૈતન્ય ઉત્પન્ન થઈ શકે છે. આના ઉત્તરમાં સાંખ્ય કહે છે કે પ્રત્યેક ઉપાદાનમાં જો ચૈતન્ય હોય તો જ તેમના મિલનરૂપ પદાર્થમાં તેનો ઉદ્ભવ થઈ શકે. પ્રત્યેક ઉપાદાનમાં ચૈતન્ય ન હોય તો તેમના મિલનરૂપ પદાર્થમાં પણ તે સંભવે નહિ. પ્રત્યેક ભૂતમાં તો ચૈતન્ય દેખાતું નથી.૧૩ ઉપરાંત, શાસ્ત્ર વગેરે દર્શાવે છે કે મઘનાં ઉપાદાનોમાં સૂક્ષ્મરૂપે માદકતાશક્તિ હોય છે જ. એટલે જ તેમના મિલનરૂપ માદક દ્રવ્યમાં માદકતાશક્તિનો આવિર્ભાવ થાય છે. પરંતુ દેહના ઉપાદાનભૂત પ્રત્યેક ભૂતમાં સૂક્ષ્મરૂપે ચૈતન્ય હોય છે એવું કોઈ પ્રમાણ દ્વારા સિદ્ધ થતું નથી.’ ચાર્વાકો એવી દલીલ કરે છે કે ઘટના મૂળ અવયવભૂત પરમાણુમાં જેમ પરિમાણ અને જલાહરણ વગેરે ક્રિયાઓ વિદ્યમાન નથી છતાં તેના કાર્યરૂપ ઘટમાં તો તે છે. એ જ રીતે દેહના ઘટક ભૂતોમાં ચૈતન્ય ન હોવા છતાં દેહમાં ચૈતન્ય હોઈ શકે છે. ૧૫ સાંખ્ય આનો વિરોધ કરે છે. તેને મતે તો કાર્ય કારણમાં ઉત્પત્તિ પહેલાં સત્ હોઈ પરિમાણ, વગેરે કાર્યધર્મીય કારણમાં સત્ છે જ. ચાર્વાકોએ આપેલ ઉદાહરણ સાંખ્યસંમત નથી. જે કારણમાં અનુભૂત હોય છે તે કાર્યમાં ઉદ્ભૂત થાય છે એટલું જ. એટલે દેહકાર્યમાં ચેતનધર્મ જો આવિર્ભૂત થતો હોય તો તે દેહના કારણરૂપ ભૂતોમાં અનુભૂતરૂપે રહેવો જ જોઈએ. પરંતુ પ્રત્યેક ભૂતમાં તે અનુભૂતરૂપેય નથી. વળી, જો ચૈતન્ય ભૂતધર્મ હોય તો રૂપ વગેરે ભૂતધર્મોની જેમ તે ઇન્દ્રિયોથી ગૃહીત ક્યારેય કેમ થતો નથી ?
૮૨