________________
સાંખ્યદર્શન
૭૧ તે સોનામાં પરિણત થાય છે ત્યારે હાર હોતો નથી; સોનામાં જ તે સમાઈ જાય છે. આ વખતે સોના અને હાર વચ્ચે અભેદ બુદ્ધિ થાય છે. બધાં જ કાર્ય અને કારણમાં આ જ વ્યવસ્થા છે. કાર્ય માત્રને કારણ છે અને જે કારણ છે તે અવ્યક્ત છે. વળી, કારણ કાર્યની અપેક્ષાએ અધિક કાળ ટકે છે. નિખિલ વિશ્વનું મૂળ કારણ પરમ અવ્યક્ત છે અને તે નિત્ય છે. આ મૂળ કારણનું નામ જ પ્રકૃતિ છે. તે કદી પણ બીજાની વ્યક્તાવસ્થારૂપ થતી નથી. જલ આદિનાં કારણો અપૂ-તન્માત્ર વગેરેમાં જે “અવ્યક્ત' શબ્દનો પ્રયોગ થાય છે તે તો સાપેક્ષ છે. પ્રલયકાળ ભૂતો તન્માત્રામાં અવ્યક્તરૂપે લય પામે છે; તન્માત્ર વગેરે અહંકારમાં, અહંકાર મહતમાં અને મહતું પ્રકૃતિમાં વિલીન થાય છે. પ્રકૃતિનો કશામાં લય થતો નથી, કારણ કે તે તો બધાં જ કાર્યોની અવ્યક્તાવસ્થા છે. આમ પ્રકૃતિમાંથી જ સમગ્ર જગતની ઉત્પત્તિ અને પ્રકૃતિમાં જ સમગ્ર જગતનો લય થાય છે. એટલે, પ્રકૃતિનું અસ્તિત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ. (૨) કારણશક્તિમાંથી કાર્યની ઉત્પત્તિ થાય છે. અર્થાત્ અસમર્થ કારણ કાર્યને પેદા કરી શકતું નથી. કારણગતશક્તિ એ જ કાર્યની અવ્યક્તાવસ્થા છે. કારણમાં કાર્યની અવ્યક્તરૂપે વિદ્યમાનતા એ જ કારણની કાર્યજનકતારૂપ શક્તિ છે. સત્કાર્યવાદી સાંખ્યોને મતે તેનાથી ભિન્ન શક્તિ માનવાને માટે કોઈ પ્રમાણ નથી." તેલના ઉપાદાનકારણ તલથી રેતીનું પાર્થક્ય એ છે કે તલમાં તેલોત્પાદક શક્તિ છે જ્યારે રેતીમાં નથી. જે કારણશક્તિથી સચરાચર જગતની ઉત્પત્તિ છે તેને જ પ્રકૃતિ કહી છે.'' આમ પ્રકૃતિના અસ્તિત્વને માનવું જ પડે છે. (૩) ઘટ પરિચ્છિન્ન છે. તેનું અવ્યક્ત કારણ માટી છે. આ રીતે પરિચ્છિન્ન વસ્તુમાત્રના અવ્યક્ત કારણનું અસ્તિત્વ અનુમાનથી પુરવાર થાય છે. અર્થાત્ જે પરિચ્છિન્ન વસ્તુ હોય તેને અવ્યક્ત કારણ હોય જ. મહત્તત્ત્વ વિશ્વવ્યાપક નથી. તે પરિચ્છિન્ન છે. તેથી તેનુંય અવ્યક્ત કારણ હોવું જ જોઈએ અને તે જ તો પ્રકૃતિ છે. આ પ્રકૃતિ એકાન્તભાવે અવ્યક્ત છે અને વ્યાપક છે એટલે તેનું કોઈ કારણ નથી. વળી, પ્રકૃતિના બીજા અવ્યક્ત કારણની કલ્પના કરવા જતાં અનવસ્થાદોષ આવશે. (૪) મહત્તત્ત્વ સંખ્યામાં એક છે, અહંકાર એક છે, તન્માત્ર પાંચ છે, ઇન્દ્રિયો અગિયાર છે અને મહાભૂત પાંચ છે. માઠર કહે છે કે આ રીતનો પરિમિત વ્યક્તસમૂહ જોઈ અનુમાન કરી શકાય કે એમના મૂળ કારણરૂપે પ્રકૃતિ હોવી જોઈએ. તે પરિમિત વ્યક્તસમૂહને ઉત્પન્ન કરે છે. જો પ્રધાન યા પ્રકૃતિ ન હોત તો વ્યક્તસમૂહ પરિમાણવિહીન થઈ જાત.૧૪ (૫) બુદ્ધિનું લક્ષણ અધ્યવસાય અર્થાત્ નિશ્ચય છે, અહંકારનું લક્ષણ અભિમાન છે, ગન્ધતન્માત્રનું લક્ષણ સૂક્ષ્મ ગબ્ધ છે, પૃથ્વીનું લક્ષણ સ્થૂલ ગબ્ધ છે-આ રીતે વિભિન્ન વસ્તુઓનાં વિભિન્ન લક્ષણો છે. પરંતુ તેમ છતાં કાર્યપરમ્પરામાં એક સાધારણ ધર્મ વિદ્યમાન છે અને તે છે સુખદુઃખમહાત્મકતા. કાર્ય કારણગુણાત્મક હોય છે.૧૫ વસ્ત્ર તખ્તગુણવિશિષ્ટ હોય છે. મહત્તત્ત્વ વગેરે કાર્યો સુખદુઃખમોહસ્વરૂપ છે. તેથી તેમનું કારણ પણ તેવું હોવું જોઈએ. એટલે એ સ્વીકારવું જોઈએ કે ચરાચર વિશ્વનું એક પરમ અવ્યક્ત કારણ છે જે સુખદુઃખમોહસ્વરૂપ છે અને તેને જ તો પ્રકૃતિ કહેવામાં આવે છે.