________________
પદર્શન પોતપોતાનાં કાર્યો કરે છે એ દૃષ્ટિએ પણ ત્રણને ત્રણ સ્વતંત્ર તત્ત્વો ન ગણતાં તેમના સમુદાયને એક તત્ત્વ ગણવું ઉચિત લાગે છે. ગુણો પ્રકૃતિનો સ્વભાવ છે. ગુણો અને પ્રકૃતિ વચ્ચે અભેદ છે. ગુણો જ પ્રકૃતિ છે, ગુણોથી અતિરિક્ત પ્રકૃતિ નથી. અહીં કોઈને પ્રશ્ન ઉદ્ભવે કે જો આમ જ હોત તો “પ્રકૃતિના ગુણોએવા શબ્દપ્રયોગોની ઉક્ત માન્યતા સાથે સંગતિ કેવી રીતે થશે? આના ઉત્તરમાં જણાવવામાં આવે છે કે વૃક્ષોના સમુદાયથી પૃથક વન જેવો કોઈ પદાર્થ નથી, વૃક્ષ સમુદાયને જ વન કહેવામાં આવે છે, તેમ છતાં “વનનાં વૃક્ષો એ પ્રકારનો ભેદવ્યવહાર લોકો કરે છે; આ રીતે સત્ત્વ વગેરે ગુણોથી અતિરિક્ત પ્રકૃતિ ન હોવા છતાં “પ્રકૃતિના સત્ત્વ વગેરે ગુણો છે' એવો ભેદવ્યવહાર શાસ્ત્રકારોએ કર્યો છે. અહીં બીજી શંકા એ થાય છે કે જો સત્ત્વ વગેરે ગુણો પ્રકૃતિનું સ્વરૂપ છે તો તેમને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતા કેમ વર્ણવ્યા છે? આનું સમાધાન એ છે કે પ્રકૃતિના સ્વરૂપભૂત સામ્યવસ્થાપન ગુણોની અહીં વાત નથી પરંતુ સત્ત્વ આદિની સામ્યવસ્થાવાળી મૂળ પ્રકૃતિમાંથી ઉત્પન્ન વૈષમ્યાવસ્થાપન સત્ત્વ વગેરે ગુણોની વાત અહીં કરી છે. આ વૈષમ્યાવસ્થાપન સત્ત્વ વગેરે ગુણો મહત્તત્ત્વનું કારણ બને છે. એમની ઉત્પત્તિનો પ્રસ્તુતમાં ઉલ્લેખ છે. જેમાંથી મહત્તત્ત્વની ઉત્પત્તિ થાય છે તે આ વૈષમ્યાવસ્થાપન ગુણોના સમુદાયને કેટલાક સાંખ્યકારો તત્ત્વાન્તર પણ ગણે છે.
પ્રકૃતિ અતિસૂક્ષ્મ હોઈ આપણા પ્રત્યક્ષનો વિષય તે બનતી નથી. આમ પ્રકૃતિની પ્રત્યક્ષઅગોચરતામાં તેની અતિસૂક્ષ્મતા કારણભૂત છે અને નહિ કે તેની અવિદ્યમાનતા. અહીં સૂક્ષ્મતાનો અર્થ અણુત્વ નથી, કારણ કે પ્રકૃતિ તો વ્યાપક છે. એટલે અહીં સૂક્ષ્મતાથી આપણે સમજવાની છે તેની દુર્લક્ષતા યા અલખતા. કાર્યની અપેક્ષાએ કારણપદાર્થ સૂક્ષ્મ અને વ્યાપક હોય છે. કાર્ય કારણમાં અવ્યક્તાકારે રહે છે. ભૌતિક કાર્યની અપેક્ષાએ તેમનું ઉપાદાન સ્થૂલ ભૂત વ્યાપક અને સૂક્ષ્મ છે. સ્થૂલભૂતની અપેક્ષાએ સૂક્ષ્મ ભૂત કે તન્માત્ર અને ઇન્દ્રિયસમૂહ વ્યાપક અને સૂક્ષ્મ છે. ઇન્દ્રિય અને તન્માત્રની અપેક્ષાએ અહંતત્ત્વ વ્યાપક અને સૂક્ષ્મ છે. અહંકારની અપેક્ષાએ બુદ્ધિ યા મહત્તત્ત્વ અને મહત્તત્ત્વની અપેક્ષાએ મૂલપ્રકૃતિ વ્યાપક અને સૂક્ષ્મ છે. મૂલ પ્રકૃતિની વ્યાપકતાની ઉપમા નથી, તેની સૂક્ષ્મતાનું કોઈ દૃષ્ટાન્ત નથી. પ્રકૃતિની વ્યાપકતાને શાસ્ત્રકારો પૂર્ણ, સર્વભૂતસંયોગી વગેરે નામે ઓળખે છે. પ્રકૃતિ એકાન્તભાવે અવ્યક્ત છે, પરંતુ પ્રકૃતિમાંથી ઉત્પન્ન મહત્ વગેરે તત્ત્વો વ્યક્ત છે.
પ્રકૃતિના અસ્તિત્વને પુરવાર કરવા સાંખો નીચેની દલીલો આપે છે : (૧). કારણના અને કાર્યના રૂપમાં તત્ત્વોનો વિભાગ થાય છે. અવ્યક્તાવસ્થા એ કારણ અને વ્યક્તાવસ્થા એ કાર્ય એવો કારણ અને કાર્યનો ભેદ છે. આને આધારે બધાં કાર્યોનું પરમ અવ્યક્ત કારણ સિદ્ધ થાય છે. ઉત્પત્તિ પૂર્વે કાર્ય કારણમાં હોય જ છે. કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે અને તેમાં જ તેનો વિલય થાય છે. સોનામાંથી હાર ઘડવામાં આવે છે ત્યારે તેને બહાર કહી વ્યવહાર કરીએ છીએ અને સોનાને હારનું સોનું કહીએ છીએ. આ વખતે સોના અને હાર વચ્ચે ભેદબુદ્ધિ થાય છે. પરંતુ હારને ગાળી નાખતાં જ્યારે