________________
સાંખ્યદર્શન
૬૫
અનુમાન થાય છે. અર્થાત્, પ્રકાશરૂપ કાર્યકાળમાં પ્રવૃત્તિરૂપ તથા સ્થિતિરૂપ કાર્યો નથી જણાતાં, પ્રવૃત્તિરૂપ કાર્યકાળમાં પ્રકાશરૂપ તથા સ્થિતિરૂપ કાર્યો નથી જણાતાં અને સ્થિતિરૂપ કાર્યકાળમાં પ્રવૃત્તિરૂપ અને પ્રકાશરૂપ કાર્યો નથી જણાતાં; એટલે અનુમાન કરીએ છીએ કે ગુણપ્રધાનભાવકાળમાં આ ગુણોની કાર્યજનનશક્તિઓ પૃથક્ પૃથક્ જ રહે છે.
ગુણ-પ્રધાનભાવ ધારણ કરી સાથે મળી કાર્ય કરતા હોવાથી ગુણો તુલ્યજાતીય શક્તિવાળા અને અતુલ્યજાતીય શક્તિવાળા એવા બે વિભાગોમાં વહેંચાઈ જાય છે.૨૫ જે વખતે પ્રકાશરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે તે વખતે સત્ત્વગુણ તુલ્યજાતીયશક્તિવાળો અને રજોગુણ તેમ જ તમોગુણ અતુલ્યજાતીયશક્તિવાળા કહેવાય છે. આમ તુલ્યજાતીય શક્તિવાળો ગુણ ઉપાદાનકારણ છે અને અતુલ્યજાતીય શક્તિવાળા ગુણો સહકારિકા૨ણો છે. આમ એક કાર્યની ઉત્પત્તિમાં એક ગુણ ઉપાદાનકારણ તરીકે અને બાકીના બે ગુણો સહકારિકારણ તરીકે હોય છે. આને લઈને ત્રણે ગુણો સાથે મળી એક કાર્ય સંપાદન કરી શકે છે. આનાથી ‘ભિન્ન ભિન્ન શક્તિવાળા વિરોધી ત્રણ ગુણો સાથે મળી એક કાર્ય કેવી રીતે કરી શકે ?' —આ શંકાનું સમાધાન થઈ જાય છે. ભિન્ન ભિન્ન શક્તિવાળા હોવા છતાં ત્રણેય એક કાર્યના ઉપાદાનકારણો ન બની શકે પરંતુ એક ઉપાદાનકારણ અને બાકીના બે સહકારિકારણો તો બની જ શકે. એક કાર્ય પ્રતિ ત્રણેયની ઉપાદાનતામાં વિરોધ હોઈ શકે પરંતુ એકની ઉપાદાનતા અને બાકીના બેની સહકારિતામાં કોઈ વિરોધ સંભવે નહિ.
૨
સત્ત્વાદિ ત્રણ ગુણોના ધર્મો વિરોધી હોવા છતાં તેમના તે ધર્મો (ભાગો) એકબીજાથી રંજિત રહે છે, જે એક ગુણનો ધર્મ અધિક હોય તે બાકીના બેના ધર્મોથી રંજિત થાય છે. સત્ત્વનો પ્રકાશધર્મ અધિક હોય છે ત્યારે રાજસ ધર્મ પ્રવૃત્તિ અને તામસ ધર્મ ગુરુત્વથી તે રંજિત રહે છે. રજોગુણનો પ્રવૃત્તિધર્મ અધિક હોય છે ત્યારે સાત્ત્વિક ધર્મ પ્રકાશ તથા તામસ ધર્મ ગુરુત્વથી તે રંજિત રહે છે. અને તમોગુણનો ગુરુત્વધર્મ અધિક હોય છે ત્યારે સાત્ત્વિક ધર્મ પ્રકાશ અને રાજસધર્મ પ્રવૃત્તિથી તે રંજિત રહે છે. આમ એક ગુણનો ધર્મ પ્રબળ યા અધિક હોય છે ત્યારે તે ધર્મ બાકીના બે ગુણોના અલ્પ યા દુર્બળ ધર્મોથી રંજિત હોય છે.
ભિન્ન ભિન્ન શક્તિવાળા ગુણો ગુણ-પ્રધાનભાવે સાથે મળી એક કાર્ય કરે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે તે શા માટે સાથે મળી કાર્યોત્પત્તિ કરે છે ? સમર્થ હોય એટલે કાર્ય કરે જ એવું નથી. અને જો એમ માનીએ કે સમર્થ હોય તે કાર્ય કરે જ તો તો પછી ગુણો કાર્યો ઉત્પન્ન કર્યા જ કરશે અને કદી વિરમશે જ નહિ. આના ઉત્તરમાં કહ્યું છે કે પુરુષના ભોગ અને અપવર્ગરૂપ પુરુષાર્થો સાધી આપવા જ તે ગુણો કાર્ય કરે છે.૨૭ એટલે, જ્યારે આ પ્રયોજન - અપવર્ગ - સિદ્ધ થાય છે ત્યારે ગુણો કાર્યોત્પત્તિમાંથી વિરમે છે. ગુણો પોતાના સાન્નિધ્યમાત્રથી જ પુરુષનો ઉપકાર કરે છે.
સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ ગુણોમાંથી પ્રત્યેક ગુણની સંખ્યા અનન્ત છે.૨૯