________________
અધ્યયન ૪
ગુણત્રય
સાંખ્યદર્શનને મતે પ્રધાન યા પ્રકૃતિમાંથી જગતની પરિણતિ છે. પ્રધાન ત્રિગુણાત્મક છે. પ્રધાનનું નિરૂપણ કરતાં પહેલાં ગુણત્રય વિશે વિચાર કરી લઈએ.
સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણે ગુણો છે. આ ગુણો દ્રવ્યરૂપ છે, કારણ કે તેઓ પરસ્પર અને પુરુષ સાથે સંયોગ-વિભાગ પામે છે.' વળી, તેમનામાં લઘુત્વ, ચલત્વ, ગુરુત્વ વગેરે ધર્મો છે એ હકીકત પણ તેમને દ્રવ્યરૂપ સિદ્ધ કરે છે. તે વૈશેષિકદર્શનવર્ણિત ગુણ નથી. વૈશેષિકોને મતે ગુણ દ્રવ્યાશ્રિત છે, દ્રવ્ય સમવેત છે જ્યારે સત્ત્વ આદિ ગુણો સ્વયં દ્રવ્યસ્થાનીય છે. તો પછી તેમને ‘ગુણ' કેમ કહ્યાં છે ? ગુણનો એક અર્થ છે ગૌણ, પરાર્થ યા પરોપકારક, સત્ત્વ આદિ પરોપકારક હોઈ તેમને ‘ગુણ’ કહ્યાં છે. સત્ત્વ આદિ પ્રધાનોપકારકરૂપે પ્રસિદ્ધ છે. પ્રધાન સત્ત્વ આદિની સમષ્ટિરૂપ છે. વ્યષ્ટિના પરિણામ વિના સમષ્ટિનો પરિણામ સંભવતો નથી. સત્ત્વ આદિના પરિણામના ફલસ્વરૂપે જ પ્રધાનનું સૃષ્ટિકાર્યમાં સામર્થ્ય જન્મે છે. અન્યથા પ્રધાનમાંથી જગતની ઉત્પત્તિ થાય નહિ. વળી, સત્ત્વ આદિ પુરુષોપકારક પણ છે. તે પુરુષના ભોગ અને અપવર્ગરૂપી પુરુષાર્થો સાધી આપે છે. આમ સત્ત્વ આદિ પરાર્થે વર્તતા હોઈ તેમને ‘ગુણ’ કહ્યાં છે. ગુણનો બીજો અર્થ થાય છે દોરડાના અંશભૂત દોરડી. પુરુષરૂપ પશુને • સંસારના ભોગમાં બાંધી રાખવા મહદાદિરૂપ દોરડાના (પાશના) ઉપાદાનભૂત હોવાથી સત્ત્વ આદિને ‘ગુણ એવું નામ આપ્યું છે.
સત્ત્વ આદિ ગુણો નિત્ય પરિણમનશીલ છે. તે પરસ્પર ગૌણમુખ્યભાવ ધારણ કરી વિભિન્ન સન્નિવેશવિશેષોરૂપે પ્રગટ થાય છે અને આ સન્નિવેશવિશેષો જ જગદ્વૈચિત્ર્ય છે. જગતની ભિન્ન ભિન્ન વસ્તુઓ સત્ત્વાદિગુણસમૂહથી ભિન્ન નથી જ. સાંખ્યદર્શનમાં કાર્ય અને ઉપાદાનકારણનો અભેદ સ્વીકારાયો છે એ તો આપણે જોઈ ગયા.
સત્ત્વ આદિ ગુણો અતીન્દ્રિય છે. પરમર્ષિ કપિલ સમક્ષ પણ ગુણોનાં કાર્યો જ પ્રત્યક્ષ હતાં, સ્વયં ગુણો પ્રત્યક્ષ ન હતાં; કારણ કે શક્તિરૂપ અવસ્થિત ગુણો અસંવેઘ છે. તે પ્રત્યક્ષગ્રાહ્ય ન હોવા છતાં તેમનાં કાર્ય કે પરિણામ દ્વારા તેમનું અનુમાન થઈ શકે છે. જગતના બધા જ વિષયો સુખદુઃખમોહાત્મક છે અને કાર્યો છે. એટલે એ વિષયોનાં મૂળ કારણદ્રવ્યો હોવાં જોઈએ અને એ કારણદ્રવ્યો સુખાત્મક, દુઃખાત્મક અને મોહાત્મક હોવાં જોઈએ. આનું કારણ એ છે કે કારણ વિના કાર્ય થતું નથી અને કારણમાં જે ધર્મ હોય તે જ કાર્યમાં ઉત્પન્ન થાય છે (જાળમુળ ાર્યનુાન આરમત્તે). જે સુખાત્મક મૂળ કારણદ્રવ્ય છે તે સત્ત્વગુણ, જે દુઃખાત્મક મૂળ કારણદ્રવ્ય છે તે રજોગુણ