________________
૫૦
પદર્શન તેની આજુબાજુથી દૂર કરે છે અને પરિણામે છોડનાં મૂળ સ્વયં સરળતાથી પૃથ્વી અને જળના રસને ચૂસી શકે છે તેવી જ રીતે ધર્મ યા સુકૃત પ્રકૃતિના વ્યાપારમાં બાધક અશુદ્ધિઓને દૂર કરે છે અને પરિણામે પ્રકૃતિમાં બંધ રહેલી શક્તિના પ્રવાહને વહેવામાં મદદ કરે છે. ટૂંકમાં, પ્રકૃતિ જ એક માત્ર કર્તા છે. ક્રિયા યા વ્યાપાર પ્રકૃતિને સ્વાભાવિક છે. નિમિત્તકારણો તેને વ્યાપાર આપતાં નથી. નિમિત્તકારણ પ્રકૃતિની ક્રિયા કે વ્યાપારનું ઉત્પાદક યા પ્રવર્તક કારણ નથી. તે તો પ્રકૃતિ જે ક્રિયા કે વ્યાપાર કરવાને સ્વભાવત શક્ત છે તે ક્રિયા કે વ્યાપારના માર્ગમાં આવતા અવરોધો જ દૂર કરે છે. જ્યારે અવરોધો દૂર થાય છે ત્યારે પ્રકૃતિના ગર્ભમાં લાંબા સમયથી બદ્ધ રહેલી શક્તિઓ આપોઆપ સ્વયંસ્ફરણાથી જ યા સ્વભાવથી જ વહેવા માંડે છે."
કાર્ય-કારણ યા પરિણામવાદ વિશે ઘણું કહેવાઈ ગયું. પરંતુ એક અગત્યના મુદ્દાની વાત કરવી જરૂરી છે. તેનો વિચાર કરીએ. જો કે જરૂરી સહભાવીઓ સાથે કારણો મોજૂદ હોવા છતાં કાર્યો હંમેશાં બધે જ વ્યક્ત થતાં નથી. તેનું કારણ દેશ, કાળ, આકાર અને નિમિત્તનાં બંધનો છે. કેસરના છોડ કાશ્મીર સિવાય બીજે ક્યાંય થતા નથી – બીજાં બધાં કારણો બીજે પ્રાપ્ત હોવા છતાંય. આ થયું દેશું બંધન. તેવી જ રીતે ડાંગરના ધને જો ઉનાળામાં રોપીએ તો ડાંગરછોડ ડાંગરનો પાક આપતા નથી કારણ કે ડાંગરનું ધરું ચોમાસામાં જ ચોંટે છે અને વિકસે છે, ઉનાળામાં નહિં. આ થયું કાળનું બંધન. હરિણી મનુષ્યને જન્મ આપતી નથી કારણ મનુષ્યાકાર તેનામાં વિકસતો નથી. આ થયું આકારનું બંધન. દુષ્ટ મનુષ્ય સુખ અનુભવી શકતો નથી કારણ કે સુખાનુભવના નિમિત્તભૂત ધર્મનો તેનામાં અભાવ છે. આ થયું નિમિત્તનું બંધન
વિવર્તવાદ એ ખરેખર સત્કાર્યવાદનો એક પ્રકાર નથી જ. વિવર્તવાદમાં કાર્યો સત્ નથી પણ મિથ્યા છે, અવિદ્યાની નીપજ છે, બધાં જ કાર્યોનું ઉપાદાનકરણ અવિદ્યા છે જ્યારે બ્રહ્મ તો તેનું અધિષ્ઠાનકારણ માત્ર છે. ભદન્ત ધર્મત્રાતના ભાવાન્યથાત્વવાદ, ઘોષકના લક્ષણા થાત્વવાદ અને વસુમિત્રના અવસ્થાન્યથાત્વવાદને સાંખ્યના ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ સાથે ખૂબ જ મળતાપણું છે. આ ત્રણેય સર્વાસ્તિવાદી બૌદ્ધ આચાર્યો હતો. જેમ સાંખ્યો ભૂત, ભવિષ્યતું અને વર્તમાન ત્રણેય પ્રકારના ધર્મોને સત્ ગણે છે તેમ સર્વાસ્તિવાદી બોદ્ધો પણ ત્રણેય પ્રકારના ધર્મોને સત્ ગણે છે. સાંખ્યના પ્રતિક્ષણપરિણામવાદમાં પ્રતિક્ષણ પરિણામોમાંથી અનુસૂત પ્રકૃતિ દ્રવ્યને દૂર કરવામાં આવતાં બૌદ્ધોનો ક્ષણભંગવાદ બની રહે છે. સાંખ્યયોગ પરિણામવાદ એક વિશિષ્ટ પ્રકારનો નિયતિવાદ જ છે. બધા આકારો અને બધી અવસ્થાઓ નિયત છે અને તેમનો ક્રમ પણ નિયત છે. અનાગત અને અતીત અવસ્થાઓ પણ અસ્તિત્વ ધરાવે છે અને તેઓ તેમના નિયતક્રમ સાથે પૂર્ણયોગીને પ્રત્યક્ષ પણ થાય છે. વળી એટલી હદ સુધી કહેવામાં આવે છે કે કેટલીક અનાગત અવસ્થાઓ હંમેશ માટે અનામત જ રહેવાની છે. એ પણ નિયત છે. જે અનાગત અવસ્થાઓ વર્તમાન યા વ્યક્ત થવાની છે તે થવાની જ છે અને તેય નિયત ક્રમમાં. આ જ આજીવકનો નિયતિવાદ છે. દરેકની બધી અવસ્થાઓ નિયત છે અને નિયત ક્રમમાં