________________
અધ્યયન ૨
પરિણામવાદ
સાંખ્યાચાર્યોનો સિદ્ધાન્ત છે - સતઃ સખ્ખાયતે અર્થાત્ સમાંથી સત્ જન્મે છે. અસ્તિત્વ ધરાવતી વસ્તુમાંથી અસ્તિત્વ ધરાવતી વસ્તુ ઉત્પન્ન થાય છે. પોતાની ઉત્પત્તિ પહેલાં કાર્ય કારણમાં અસ્તિત્વ ધરાવે જ છે. બીજા શબ્દોમાં, કારણ પોતે જ કાર્યની અવ્યક્તાવસ્થા છે. પોતાની ઉત્પત્તિ પહેલાં કાર્ય કારણમાં અવ્યક્તભાવે યા સૂક્ષ્મરૂપે રહેલું હોઈ આપણે તેને ઇન્દ્રિયજ પ્રત્યક્ષથી જોઈ શકતા નથી, પરંતુ તેથી કાર્ય ત્યારે કારણમાં અસ્તિત્વ ધરાવતું નથી એમ ન કહેવાય. જે જેમાં ન હોય તે તેમાંથી ઉત્પન્ન થઈ શકે નહિ. જેનું અસ્તિત્વ રહેલાં અપ્રકટ કે અવ્યક્ત હતું તેનું અસ્તિત્વ પછી માત્ર વ્યક્ત કે પ્રકટ થાય છે એટલું જ. કાર્ય એ કારણનું પરિણામ છે, તે કોઈ તદ્દન નવું જ સર્જન, ઉત્પત્તિ કે આરંભ નથી. આમ સાંખ્યાચાર્યોની વિચારસરણી અનુસાર ઉત્પત્તિ અને વિનાશનો અર્થ ફક્ત આવિર્ભાવ અને તિરોભાવ જ છે. સાંખ્યો ઉત્પત્તિ પૂર્વે પણ કાર્ય કારણમાં અવ્યક્તરૂપે અસ્તિત્વ ધરાવે જ છે એવો મત ધરાવતા હોઈ તેમના આ સિદ્ધાંતને સત્કાર્યવાદ કહેવામાં આવે છે. આ સત્કાર્યવાદને પુરવાર કરવા સાંખ્યાચાર્યો નીચેની દલીલો આપે છે :
(૧) અસલરળાત્'—પોતાની ઉત્પત્તિ પૂર્વે કાર્ય પોતાના કારણમાં શક્તિરૂપેય વિદ્યમાન ન હોય તો તેને કોઈ ઉત્પન્ન કરી શકે નહિ. અસત્ ઘટ વગેરે કાર્યો સત્ મૃત્ વગેરેમાંથી ઉત્પન્ન થાય છે એવો મત બરાબર નથી.
જો એમ કહેવામાં આવે કે સત્ત્વ અને અસત્ત્વ એ બંનેય ઘટ વગેરે કાર્યના ધર્મો છે, જેમ કુંડલત્વ ધર્મવાળું સુવર્ણ સોનીના વ્યાપારથી કટકત્વ ધર્મવાળું બને છે તેમ અસત્ત્વ ધર્મવાળું કાર્ય (ઘટ વગેરે) પણ કારણવ્યાપાર પછી સત્વ ધર્મવાળું બને છે—તો તે યોગ્ય નથી. અહીં અસત્ત્વને કાર્યનો ધર્મ ગણ્યો છે અને ધર્મ ધર્મી (આશ્રય) વિના રહી શકે નહિ. એટલે, અસત્ત્વ ધર્મનો આશ્રય તેની ઉત્પત્તિ પહેલાં પણ માનવો આવશ્યક બને છે. આથી એ સિદ્ધ થાય છે કે ઉત્પત્તિ પહેલાં પણ કાર્ય કારણરૂપે વિદ્યમાન જ હોય છે. ૩
કોઈને શંકા ઉદ્ભવે કે ઘટ વગેરે કાર્ય પોતાની ઉત્પત્તિ પહેલાં જો વિદ્યમાન જ હોય તો એની ઉત્પત્તિને માટે કુંભાર વગેરેના વ્યાપારની જરૂર જ ક્યાં રહી ? આ શંકાનું નિરાકરણ એ છે કે કુંભાર વગેરેના વ્યાપારથી ઘટ વગેરે કાર્યની કેવળ અભિવ્યક્તિ થાય છે. કારકવ્યાપારના પહેલાં કારણરૂપમાં અનભિવ્યક્ત ઘટ પછીથી