________________
૩૬
ષદર્શન
કરતું હોય એમ લાગે છે. સાંખ્યને વેદવિરુદ્ધ તન્ત્ર ગણાવતા શંકરાચાર્યના વિધાનને વિશાળ દૃષ્ટિથી મૂલવવું જોઈએ. સાંખ્યનો વેદવિરોધ, તેનો વૈદિક ક્રિયાકલાપ પ્રત્યેનો અણગમો, તેનો ઈશ્વરવિરોધ, તેનો બહુજીવવાદ, તેનો અહિંસા પર આત્યંતિક ભાર, વ્રત અને તપમાં તેની અવિચળ શ્રદ્ધા, તેનો (યોગદર્શનવર્ણિત) કર્મસિદ્ધાન્ત, જીવન્મુક્તની સર્વજ્ઞતાને લગતી તેની માન્યતા, તેનો પરિણામવાદ વગેરે બાબતો શંકરાચાર્યની વાતને પુષ્ટિ આપતી જણાય છે. અહીં એ નોંધવું જોઈએ કે બુદ્ધ એક વાર સાંખ્યાચાર્ય આલારકાલામ અને રુદ્રક રામપુત્રના શિષ્ય બન્યા હતા.' આ વસ્તુ સૂચક છે. અને તેટલી જ સૂચક એ વાત પણ છે કે જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર તેમના પૂર્વજન્મમાં સાંખ્યાચાર્ય મરીચિ હોવાનું જૈન પરંપરા જણાવે છે.૧૨ આ બધું સાંખ્યદર્શનની પ્રાચીનતાનો તેમ જ તેની અવૈદિક પરંપરા સાથેની ઘનિષ્ઠતાનો નિર્દેશ કરે છે.૧૩
સાંખ્યનો વ્યાપ
સાંખ્યનું વર્ણન ઉપનિષદોમાં, મહાભારતમાં, સ્મૃતિઓમાં, પુરાણોમાં, ભાગવતમાં અને બુદ્ધચરિતમાં મળે છે. વળી, આયુર્વેદ, પાતંજલયોગ અને શૈવ તન્ત્ર તો સાંખ્યના તત્ત્વજ્ઞાન ઉપર મંડાયેલાં છે. એટલે, ચરકસંહિતામાં, પાતંજલ યોગદર્શનમાં અને તન્ત્ર ગ્રંથોમાં સાંખ્યનું નિરૂપણ મળે છે. આમ જે કાળે કોઈ વ્યવસ્થિત દર્શન ન હતું તે કાળે સાંખ્યદર્શનનું વિશાળ સાહિત્ય હતું તેમ જ સાંખ્યદર્શને ચિંતન માટે એક વિશાળ ફલક પૂરું પાડ્યું હતું અને કેટલીક દર્શનેતર વિદ્યાશાખાઓમાં પણ તેની બોલબાલા હતી. સાંખ્યસાહિત્ય
મહાભારતમાં એવા ઉલ્લેખો છે જે સૂચવે છે કે મહાભારતકાળ પૂર્વે સાંખ્ય વ્યવસ્થિત બનેલું દર્શન હતું.૧૪ સાંખ્યદર્શનના વ્યવસ્થિત ગ્રંથ ષષ્ટિતન્ત્રનો ઉલ્લેખ અનેક પ્રાચીન સાંખ્યેતર ગ્રંથોમાં આવે છે. પરંતુ તે ઉપલબ્ધ નથી. ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકામાં તેનાં વિષય અને શૈલીનો નિર્દેશ છે.૧૫ અત્યારે ઉપલબ્ધ સાંખ્યદર્શનના ગ્રંથોમાં સૌથી જૂનો અને મહત્ત્વનો ગ્રંથ ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા છે. તેના ઉપર અનેક ટીકાઓ લખાઈ છે. તેમાંની મહત્ત્વની ટીકાઓ નીચે પ્રમાણે છે : (૧) માઠરની માઠરવૃત્તિ, (૨) ગૌડપાદનું ગૌડપાદભાષ્ય, (૩) બૌદ્ધ શંકરાર્યની જયમંગલા, (૪) રાજાની (?) યુક્તિદીપિકા, (૫) વાચસ્પતિમિશ્રની સાંખ્યતત્ત્વકૌમુદી, તત્ત્વવિચારના ઊંડાણની દૃષ્ટિએ છેલ્લી બે ટીકાઓ મહત્ત્વની છે. આ ઉપરાંત, સાંખ્યસૂત્ર અને તેના ઉપરનું વિજ્ઞાનભિક્ષુનું સાંખ્યપ્રવચનભાષ્ય પણ સાંખ્યદર્શનના મહત્ત્વના ગ્રંથો છે. પરંપરા પ્રમાણે સાંખ્યના પ્રણેતા કપિલ છે. કપિલના શિષ્ય આસુરિ હતા અને આસુરિના શિષ્ય હતા. પંચશિખ, પંચશિખના સાંખ્યગ્રંથમાંથી યોગભાષ્યમાં આઠ ઉદ્ધરણો ટાંકેલાં છે. પંચશિખને કેટલાક ષષ્ટિતન્ત્રના કર્તા માને છે. આ ઉપરાંત સાંખ્યાચાર્યો તરીકે વિંધ્યવાસી, વાર્ષગણ્ય, જૈગીખવ્ય વગેરે પણ પ્રસિદ્ધ છે.
સાંખ્યદર્શન મૂળ બે જ તત્ત્વો માને છે– પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ પ્રતિક્ષણ પરિણામી છે અને પુરુષ ફૂટસ્થંનિત્ય છે. પુરુષ એક જ નથી પણ અસંખ્ય છે. પ્રકૃતિ