________________
ષદર્શન
વળી, ન્યાય અને વૈશેષિક દર્શનો પોતપોતાનાં મંતવ્યો મુખ્યપણે પ્રત્યક્ષ અને અનુમાનપ્રમાણથી ચર્ચે છે અને સ્થાપે છે. તેઓ શાસ્ત્રવિશેષનું પ્રામાણ્ય માનતા હોય તોય પોતાનાં મંતવ્યોની સ્થાપનામાં શાસ્ત્રોનો આધાર લેતા નથી. ભગવાન બુદ્ધનું નખશિખ બુદ્ધિવાદીપણું ખૂબ પ્રસિદ્ધ છે. તેઓ હમેશાં પોતાની માન્યતાઓને બુદ્ધિના મજબૂત પાયા ઉપર જ માંડતા. કહેવાય છે કે તેમણે એક વાર કાલામોને નીચે પ્રમાણે જણાવ્યું હતું : ‘હે કાલામો ! મેં આ તમને કહ્યું, પરંતુ તમે તેનો સ્વીકાર તે કેવળ અનુશ્રુત છે માટે ન કરશો, કેવળ પરંપરાગત છે માટે ન કરશો, કેવળ તમારા ધર્મગ્રંથ પિટકને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ નયને ખાતર ન કરશો, કેવળ વિતર્કને ખાતર ન કરશો, કેવળ મિથ્યાષ્ટિ પ્રત્યે ક્ષમા દાખવવા ન કરશો, તમને અનુકૂળ છે માટે ન કરશો, કેવળ તેનો કહેનારો શ્રમણ તમારો પૂજ્ય છે માટે ન કરશો, કિન્તુ તમે જો તેને કલ્યાણકર અને નિર્દોષ સમજતા હો અને તેને ગ્રહણ કરવાથી કલ્યાણ અને કુશલ થશે એમ તમને ખરેખર ખાતરી હોય તો જ તમે તેને સ્વીકારજો.'૧૪ બુદ્ધે પોતાના અનુયાયીઓને પણ દૃઢપણે કહેલું કે : ‘‘ડાહ્યા માણસો સોનાને કાપી, તપાવી, ઘસી તેની પરીક્ષા કરીને જ તેને ગ્રહણ કરે છે. તેવી જ રીતે હે ભિક્ષુઓ ! તમે મારાં વચનોને પરીક્ષા કર્યા પછી જ સ્વીકારજો; મારા તરફના આદરને કારણે જ મારાં વચનોને સ્વીકારશો નહિ.''૧૦૫ જૈન આચાર્ય હરિભદ્રસૂરિનાં આ વચનો પણ આ સંદર્ભમાં નોંધવા જેવાં છે : ‘મને મહાવીર પ્રત્યે પક્ષપાત નથી કે કપિલ અને બીજા પ્રત્યે દ્વેષ નથી; પરંતુ જેની વાત તર્કસંગત હોય તેની વાત સ્વીકારવી જોઈએ.’૧૬ વાચસ્પતિ મિશ્ર કહે છે કે ભૂતાર્થપક્ષપાત એ બુદ્ધિનો સ્વભાવ છે.૧૦૭ વળી, શ્રીધર પણ જણાવે છે કે યથાર્થ જ્ઞાન કરવું એ તો બધી જ બુદ્ધિનો કુલધર્મ છે.૧૦ મીમાંસા અને વેદાંત શાસ્ત્રને આધારે પોતાના મતને સ્થાપે છે એ વાત ખરી પરંતુ ત્યાં તર્કબદ્ધ રજૂઆત કરવામાં આવે છે. ભારતીય દર્શનમાં મૌલિકતા છે જ. તે સિવાય આટલા બધા દાર્શનિક સંપ્રદાયો ક્યાંથી સંભવે ? અલબત્ત, એક સંપ્રદાય તરફી પોતાનું વલણ એક વારે દાર્શનિકનું બનતાં તે તેનાં શાસ્ત્રોનો ઉપયોગ કરે અને તે સંપ્રદાયની દાર્શનિક પરંપરાના વર્તુળમાં વિચારે એ સ્વાભાવિક છે. પણ ત્યાંય સ્વતંત્ર મત ધરાવવાને અવકાશ હોય છે જ. ઉદાહરણાર્થ મીમાંસાદર્શન લો. તેમાં કુમારિલ, પ્રભાકર, મુરારિ અને ભટ્ટ નારાયણ કેટલીક બાબતોમાં સ્વતંત્ર વિચારો ધરાવતા હતા. ભારતીય દર્શનમાં મૌલિકતા નથી એવો આક્ષેપ કરનારાઓ બાદરાયણનાં વેદાન્તસૂત્રો ઉપરના ટીકાસાહિત્યને લક્ષમાં રાખીને તે આક્ષેપ કરે છે. તેમનું કહેવું છે કે વેદાન્તના ભિન્ન ભિન્ન સંપ્રદાયો વેદાન્તસૂત્રોની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીને સ્થપાય છે, સ્વતંત્ર મૌલિક ગ્રંથો રચીને નહિ. પરંતુ તેમણે એ ભૂલવું ન જોઈએ કે વેદાન્તસૂત્રો એ તો તે તે દર્શનકારને મન પોતાની મૌલિકતાના પ્રચાર માટેનું પ્રસિદ્ધ વાહન માત્ર છે,. પોતાની મૌલિકતા ટાંગવાની ખીંટી માત્ર છે. તેમણે વેદાન્તસૂત્રની પ્રતિષ્ઠા(goodwill)નો પોતાનો માલ વેચવા માટે ઉપયોગ કર્યો છે. જો વેદાન્તના સંપ્રદાયોમાં મૌલિકતા ન હોય તો તેઓ આટલા બધા એકબીજાથી ભિન્ન કેમ હોય ?
૨૮