________________
પ્રવેશક
૨૭
મુક્તિનો સંભવ પણ ક્યાં રહ્યો ? આ શંકા બરાબર નથી. તે કર્મસિદ્ધાંતની અધૂરી સમજમાંથી ઊભી થયેલી છે. કર્મ અનુસાર પુરુષને ભિન્ન ભિન્ન શક્તિવાળાં મન, શરીર અને બાહ્ય સાધનો પ્રાપ્ત થાય છે તેમ જ તે ભિન્ન ભિન્ન વાતાવરણ અને પરિસ્થિતિમાં મુકાય છે એટલું જ, પરંતુ પ્રાપ્ત સાધનોનો ઉપયોગ કેમ કરવો અને અમુક વાતાવરણ અને પરિસ્થિતિમાં કેવો પ્રત્યાઘાત આપવો તે તેના હાથની વાત છે એવું કર્મસિદ્ધાંત માને છે. વળી, પુરુષ પોતાના પ્રયત્નથી પૂર્વકર્મોની અસરોને હળવી કે નષ્ટ કરી શકે છે એવું પણ કર્મસિદ્ધાંતમાં સ્વીકારાયું છે. પુરુષ ઉપર કર્મનું નહિ પણ કર્મ ઉપર પુરુષનું આધિપત્ય છે—અલબત્ત પુરુષને તેનું ભાન થવું જોઈએ, તેનું ચિત્ત ચમકવું જોઈએ. અહીં એક મહત્ત્વની વાત ધ્યાનમાં એ રાખવાની છે કે જો કે બધાં જ ભારતીય દર્શનો કર્મસિદ્ધાંતને માનીને ચાલે છે તેમ છતાં કર્મસિદ્ધાંતનું નિરૂપણ-વિશ્લેષણ તો કેવળ જૈન, બૌદ્ધ અને પાતંજલ યોગમાં જ મળે છે. વળી, જૈન આગમોમાં મળતું કર્મનું પ્રાચીનમાં પ્રાચીનરૂપ અને એનો વિસ્તાર એવું સૂચવે છે કે આ કર્મસિદ્ધાંત આગંતુક આર્યોની પરંપરાનો નથી પરંતુ તળ ભારતની આર્યેતર પરંપરાનો છે.૧૦૩ કર્મસિદ્ધાંતની સાથે પુનર્જન્મનો અને જીવબહુત્વ-પુરુષબહુત્વનો સિદ્ધાંત અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે.
ભારતીય દાર્શનિકો ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેઓ આંખ બંધ કરીને આગમમાં જે કહ્યું હોય છે તે સ્વીકારી લે છે, આગમવચનથી સ્વતંત્ર રીતે વિચારતા નથી. આ કારણે ભારતીય દર્શનમાં મૌલિકતા નથી તેમ જ તર્કને પણ સ્થાન નથી.
આ આક્ષેપ યોગ્ય નથી. પહેલાં આપણે જોયું છે કે તત્ત્વદર્શનને માટે શ્રવણ, મનન અને નિદિધ્યાસન ત્રણેય આવશ્યક છે. એ ત્રણમાં મનનનું સ્થાન કોઈ પણ રીતે સંકુચિત નથી. શ્રુતિ તથા ચિંતકોનો એ આદેશ છે કે યુક્તિઓ દ્વારા જ્યાં સુધી કોઈ ઉપદેશ, આગમ કે આપ્તવાક્યના સંબંધમાં પૂરેપૂરો વિચાર કરી નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ કથનનો સ્વીકાર ન કરવો જોઈએ. રાગ, દ્વેષ, આવેશ યા કદાગ્રહ છોડીને તર્કના નિયમો અનુસાર એના પર પૂરો વિચાર કરવો જોઈએ. અલબત્ત, એક વાત છે કે પાશ્ચાત્ય દાર્શનિકોની જેમ ભારતીય દાર્શનિકો કેવળ તર્ક પર નિર્ભર નથી રહેતા. જે પ્રદેશમાં તર્ક કંઈ કરી શકે તેમ નથી તે પ્રદેશમાં તર્કને પ્રયોજવો યોગ્ય નથી. તર્કને પોતાનું ક્ષેત્ર છે, તેને પોતાની મર્યાદા છે. ભારતીય દર્શન તર્કવિરોધી નથી પરંતુ તર્કનો ઉપયોગ તર્કથી ઉપર ઊઠવામાં કરવાનો છે એ વાત ભારતીય દર્શન કહે છે. તર્ક એ ધ્યેયે પહોંચવા માટેનું સાધન છે, એક ભૂમિકા છે. તે સાધનનું કામ પતે એટલે તેને છોડવાનું છે; તે ભૂમિકાથી આગળ જવાનું છે. પરંતુ આનો અર્થ એ નથી કે ભારતીય દર્શનોમાં તાર્કિકતા નથી. ભારતીય દર્શનની તાર્કિકતા અજોડ છે, તેની સૂક્ષ્મતા ધારદાર છે, તેનું ખેડાણ વિસ્તૃત છે. બૌદ્ધ દાર્શનિકો દિફ્નાગ, ધર્મકીર્તિ અને જ્ઞાનશ્રીમિત્રના ગ્રન્થો, જૈનદાર્શનિકો અકલંક અને વિઘાનંદના ગ્રન્થો, ન્યાય-વૈશેષિક દાર્શનિકો જયંત ભટ્ટ અને ઉદયનાચાર્યના ગ્રન્થો, મીમાંસામાં કુમારિલ ભટ્ટ અને પ્રભાકરના ગ્રન્થો ભારતીય તાર્કિકતાના પુરાવાઓ છે.