________________
૨૪
પદર્શન જાત પ્રત્યે. એટલે બુદ્ધે ઉપદેશ આપ્યો કે નિત્ય આત્મા જેવી કોઈ વસ્તુ નથી; બધું અનિત્ય છે, ક્ષણિક છે. વળી, વ્યક્તિના વ્યક્તિત્વનું પૃથક્કરણ કરતાં તો રૂ૫, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાન સિવાય આત્મા જેવું કંઈ બાકી રહેતું નથી. આમ ભગવાન બુદ્ધ નિત્ય આત્માનો નિષેધ કરી કામના પાયાને જ તોડી નાખ્યો. જૈન દર્શને તેમ જ સાંખ્યદર્શને કામનાં મૂળ પ્રકૃતિ-પુરુષના, આત્મ-અનાત્મના અભેદજ્ઞાનમાં જોયાં. તેથી - તેમણે કામને નિર્મૂળ કરવા ભેદજ્ઞાન, વિવેકજ્ઞાનનો ઉપદેશ આપ્યો. ન્યાયવૈશેષિકોએ આ જ વાત બીજી રીતે કરી છે. તેમનો મત છે કે આત્મા સહિત જગતનું સ્વરૂપ બરાબર સમજીએ તો કામદહન થાય. એટલે તેમનું દર્શન મુખ્યત્વે લોકસ્વરૂપચિંતનનું દર્શન છે. આમ કામને નિર્મૂળ કરવા કેવી કેવી વિચારસરણી અપનાવી શકાય એ વિચારમાંથી બધાં દર્શનો ઉદ્ભવ્યાં છે અને વિકસ્યાં છે. આ એક વિચારણીય અને રમણીય પક્ષ છે.
દરેક વ્યક્તિએ પોતપોતાની પ્રકૃતિ અનુસાર આ વિચારસરણી પસંદ કરવાની છે અને સાથે સાથે સાધનામાર્ગ પણ અપનાવવાનો છે. એટલે દરેક દર્શનનો સંબંધ યોગમાર્ગ સાથે રહ્યો છે. યોગની પણ અનેક પરંપરાઓ છે. પરંતુ ત્રણ મુખ્ય છે - બૌદ્ધ, જૈન અને પાતંજલ. આ ત્રણેય પરંપરાઓમાં ઘણું સામ્ય છે. આ દૃષ્ટિએ અભિધર્મકોશભાષ્ય (બૌદ્ધ), તત્ત્વાર્થસૂત્રભાષ્ય (જૈન) અને યોગભાષ્ય (પાતંજલ) આ ભાષ્યત્રયીનો તુલનાત્મક અભ્યાસ ઘણો મહત્ત્વનો થઈ પડે તેમ છે.
ગ્રીક અને ભારતીય તત્ત્વચિંતનનો સંબંધ સામાન્ય રીતે તત્ત્વચિંતનની ગ્રીક અને ભારતીય પરંપરાઓને પ્રાચીન ગણવામાં આવે છે. તે બે પરંપરાઓની એકબીજા ઉપરની અસર વિશે વિદ્વાનોમાં મતભેદ છે. ગાર્ડે જેવા વિદ્વાનો ભારતીય પરંપરાની ગ્રીક પરંપરા ઉપર પ્રભાવ સ્વીકારે છે. મેક્સમૂલર" તે બંને પરંપરામાં જણાતી સમાનતાઓને એકબીજાની અસરનું પરિણામ ન માનતા માનવ ચિત્તમાં જુદે જુદે કાળે અને જુદે જુદે દેશે સમાન પ્રશ્નો અને સમાન ઉકેલો સ્વતંત્રપણે ઉદ્ભવવાની શક્યતા સ્વીકારે છે. તેમને મતે ગ્રીક અને ભારતીય તત્ત્વચિંતન સમાન્તર, પરસ્પરના પ્રભાવ વિના પ્રવૃત્ત થયાં છે. ડૉ. રાધાકૃષ્ણનું એ નિર્ણય ઉપર આવ્યા છે કે ગ્રીક તત્ત્વચિંતનની ઘણી આધ્યાત્મિક બાબતો તેમ જ સંયમપ્રધાન જીવનની બાબતો ઉપર ભારતીય તત્ત્વચિંતનની ચોક્કસ અસર છે. પરસ્પરના પ્રભાવ વિશેનો આ પ્રશ્ન સિકંદરના પહેલાંના સમયને અનુલક્ષીને છે. સિકંદરના આક્રમણ પછી બંને પરંપરાઓએ એકબીજાની અસરો ઝીલી છે.
ભારતીય દર્શનની લાક્ષણિકતાઓ અને તેની પરના આક્ષેપો : ભારતીય દર્શનનું લક્ષ્ય છે દુઃખમુક્તિ – મોક્ષ. આત્યંતિક અને એકત્તિક - દુઃખમુક્તિની ઇચ્છા જ દર્શન પ્રવૃત્તિનું મૂળ છે. કેવળ બુદ્ધિની કસરત કરવા માટેનું સાધન દર્શન નથી. આશ્ચર્યથી મુગ્ધ થયેલી બુદ્ધિ દર્શનમાં પ્રવૃત્ત નથી થતી પરંતુ દુઃખમુક્તિના પ્રયોજનથી પ્રેરાયેલી બુદ્ધિ દર્શનમાં પ્રવૃત્ત થાય છે.