________________
યોગદર્શન
૨૭૫ છે કે જો તેમ માનીએ તો ભોગ ઘટે નહીં. ભોગ તો જ ઘટે જો બુદ્ધિ અને પુરુષમાં અભેદભ્રમ હોય. “
રાગ-સુખ અને સુખનાં સાધનોની ઇચ્છા થા તૃષ્ણાને રાગ કહેવામાં આવે છે. લોભનો સમાવેશ રાગમાં જ થાય છે. સુખ અને સુખના સાધનોની તૃષ્ણા કેવી રીતે જાગે છે? પહેલાં સુખનો અનુભવ કર્યો હોય છે. તેના સંસ્કારો ચિત્તમાં હોય છે. કોઈ નિમિત્ત મળતાં એ સંસ્કારો જાગૃત થાય છે અને પરિણામે પૂર્વે અનુભવેલા સુખની સ્મૃતિ થાય છે. પૂર્વાનુભૂત સુખની સ્મૃતિ તેવા સુખને માટેની તૃષ્ણાને જન્મ આપે છે. તેવા સુખને માટેની તૃષ્ણા પોતાની સાથે તેવા સુખનાં સાધનોની તૃષ્ણાને લીધા વિના જન્મતી નથી. આમ જ્યાં સુધી વિવેકખ્યાતિનો ઉદય થયો નથી હોતો ત્યાં સુધી ભોગ તૃષ્ણાને અને તૃષ્ણા ભોગને જન્મ આપ્યા કરે છે.
દ્વેષ-દુઃખ અને દુઃખનાં સાધનો પ્રત્યેની ધૃણા, ક્રોધ તે દ્વેષ છે. દુઃખ અને દુઃખનાં સાધનો પ્રત્યે ધૃણા કેવી રીતે જન્મે છે? પહેલાં દુઃખનો અનુભવ કર્યો હોય છે. તેના સંસ્કારો ચિત્તમાં હોય છે. કોઈ નિમિત્ત મળતાં એ સંસ્કારો જાગે છે અને પરિણામે પૂર્વે અનુભવેલા દુઃખની સ્મૃતિ થાય છે. પૂર્વાનુભૂત દુઃખની સ્મૃતિ તેવા દુઃખ પ્રત્યે ધૃણા પેદા કરે છે અને તેવા દુઃખને જન્મ આપનાર સાધનો પ્રત્યે પણ ધૃણા પેદા કરે છે. જ્યાં સુધી વિવેકખ્યાતિનો ઉદય થયો નથી હોતો ત્યાં સુધી દુઃખાનુભવ દ્વેષને જન્મ આપે છે.”
અભિનિવેશ-અભિનિવેશ મૃત્યુનો ભય છે. મૃત્યુનો ભય કીડાથી માંડી પંડિત સુધી સૌને હોય છે. બધાંને જીવવાની જ ઇચ્છા હોય છે, કોઈ મરવા ઇચ્છતું નથી કારણ કે બધાને મૃત્યુનો ડર છે. મૃત્યુનો ભય કેમ લાગે છે? મૃત્યુનું દુઃખ પૂર્વજન્મોમાં અનેક વાર અનુભવેલું છે એટલે વર્તમાન જન્મમાં મૃત્યુના દુઃખના સ્મરણથી મૃત્યુનો ભય લાગે છે.'
પ્રત્યેક ક્લેશની પાંચ અવસ્થાઓ છે. આ પાંચ અવસ્થાઓ તે-(૧) પ્રસુપ્તાવસ્થા, (૨) તનુઅવસ્થા, (૩) વિચ્છિન્ન અવસ્થા, (૪) ઉદારઅવસ્થા અને (૫) દગ્ધબીજ અવસ્થા.૨
પ્રસુપ્તાવસ્થા–ક્લેશનું શક્તિરૂપે (અવ્યક્તરૂપે, સૂક્ષ્મરૂપે, સંસ્કારરૂપે) અભિવ્યક્ત થવાના સામર્થ્ય સહિત ચિત્તમાં રહેવું તે તેની પ્રસુપ્તાવસ્થા છે. આ અવસ્થાવાળો ફ્લેશ પોતાનો યોગ્ય વિષય મળતાં વ્યક્ત થાય છે.'
તનુઅવસ્થા-ક્લેશની મંદતા એ તેની તનુઅવસ્થા છે. તે તે ક્લેશના વિરોધીની ભાવના કરવાથી તે તે ક્લેશ પાતળો પડે છે, શિથિલ બને છે. અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ અને અભિનિવેશના વિરોધી ક્રમથી સમ્યકજ્ઞાન, ભેદજ્ઞાન, માધ્યશ્ય તથા શરીરીને મરણની અટલતા છે.' અહીં શ્રુતિ-ઉપદેશ દ્વારા પ્રાપ્ત અપરોક્ષ સમ્યકજ્ઞાન, ભેદજ્ઞાન, વગેરેની ભાવના કરવાની છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનથી પણ ક્લેશ પાતળા પડે છે.૧૫ તનુઅવસ્થા એ ઉદાર અર્થાત્ વ્યક્તાવસ્થા નથી તે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે ક્લેશની તનુઅવસ્થા તે ક્લેશના સંસ્કારોની મંદતા છે, શિથિલતા છે.