________________
અધ્યયન ૧૦ સંપ્રજ્ઞાત યોગ
યોગ બે પ્રકારનો છે – સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત યોગનું કારણ અપર વૈરાગ્ય છે અને અસંપ્રજ્ઞાત યોગનું કારણ પર વૈરાગ્ય છે એ વાત આપણે જોઈ ગયા છીએ. ચિત્તની એકાગ્ર અવસ્થામાં સંપ્રજ્ઞાત યોગ સંભવે છે. તે સદ્ભુત અર્થને પ્રકાશિત કરે છે, ક્લેશોને ક્ષીણ કરે છે, કર્મબંધનો ઢીલા કરે છે, સર્વ ચિત્તવૃત્તિના નિરોધરૂપ અસંપ્રજ્ઞાત યોગને અભિમુખ કરે છે. યોગવાર્તિકકારે આ પ્રમાણે ‘સંપ્રજ્ઞાત’ પદની વ્યુત્પત્તિ આપી છે. ‘સંપ્રજ્ઞાયતે સાક્ષાયિતે ધ્યેયમસ્મિન્ નિોવિશેષરૂપે યોને તિ સમ્પ્રજ્ઞાતો યોગ કૃતિ । જે ચિત્તવૃત્તિનિરોધરૂપ વિશેષ યોગમાં ધ્યેયને સમ્યગ્ રૂપે જાણી લેવામાં આવે છે, ધ્યેયનો સાક્ષાત્કાર કરવામાં આવે છે, ધ્યેયના ધ્યાયમાન અને અધ્યાયમાન બધા જ વિશેષોનું ભાન હોય છે તેને સંપ્રજ્ઞાત યોગ કહેવામાં આવે છે. વિવેકખ્યાતિયુક્ત ચિત્તકાગ્રતા સંપ્રજ્ઞાત યોગ છે. અહીં એક વાત ધ્યાનમાં રાખીએ કે વિવેકખ્યાતિની પણ મંદતા-તીવ્રતા પ્રમાણે અનેક અવસ્થાઓ સંભવે છે.
સંપ્રજ્ઞાત યોગની ચાર ભૂમિકાઓ છે – વિતર્કાનુગત, વિચારાનુગત, આનન્દાનુગત અને અસ્મિતાનુગત.
વિતર્કાનુગત–વિતર્કનો અર્થ છે ચિત્તનો સ્થૂલ આભોગ.' આભોગ એટલે ભાવના, પ્રજ્ઞા યા તદાકારતા. આભોગની સ્થૂળતાનું કારણ છે વિષયની સ્થૂળતા.' જે સંપ્રજ્ઞાત યોગમાં ચિત્ત સ્થૂળ વિષયની ભાવના કરે છે તેને વિતર્કાનુગત સંપ્રજ્ઞાત યોગ કહેવામાં આવે છે. સ્થૂળ વિષયોમાં ભૂત-ભૌતિક પદાર્થોનો સમાવેશ થાય છે. આ ભૂમિકામાં સ્થૂળ વિષયના અશેષ વિશેષોનો સાધકને સાક્ષાત્કાર થાય છે. એ વાતનો ખ્યાલ રહે કે ઇન્દ્રિયપ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણેય સાથે મળીનેય સ્થૂળ વિષયના અશેષ વિશેષોનું જ્ઞાન કરાવવા સમર્થ નથી.
વિચારાનુગત–વિચારનો અર્થ છે ચિત્તનો સૂક્ષ્મ આભોગ. આભોગની સૂક્ષ્મતાનું કારણ છે વિષયની સૂક્ષ્મતા. જે સંપ્રજ્ઞાત યોગમાં ચિત્ત સૂક્ષ્મ વિષયની ભાવના કરે છે તેને વિચારાનુગત સંપ્રજ્ઞાત યોગ કહેવામાં આવે છે. વિતર્કાનુગત સંપ્રજ્ઞાત યોગ સિદ્ધ થયા પછી તે જ વિષયમાં કારણરૂપે રહેલા તથા ઉત્તરોત્તર સૂક્ષ્મ એવા પંચતન્માત્ર, અહંકાર, મહત્ અને પ્રકૃતિ સુધીના પદાર્થોને યોગી ધ્યેયરૂપે ક્રમશઃ લે છે. સ્કૂલ વિષયનો સાક્ષાત્કાર કર્યા વિના સૂક્ષ્મ વિષયનો સાક્ષાત્કાર થઈ શકે નહિ. સૂક્ષ્મ વિષયની ભાવનાનો પરિપાક થતાં તે સૂક્ષ્મ વિષયના અશેષ વિશેષોનો સાધકને સાક્ષાત્કાર થાય છે.