________________
અધ્યયન ૩ ચિત્તભૂમિઓ
ચિત્તની અવસ્થાને ચિત્તભૂમિ કહેવામાં આવે છે. ચિત્તભૂમિઓ પાંચ છે – ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ.
ચિત્ત સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ દ્રવ્યોનું બનેલું છે. પરંતુ બધાં ચિત્તોમાં એ દ્રવ્યો એકસરખા પ્રમાણમાં રહેલાં નથી. અદૃષ્ટ યા કર્મને લઈને જુદાં જુદાં ચિત્તોમાં તે જુદી જુદી માત્રામાં હોય છે. આ માત્રાભેદને કારણે ચિત્તની ક્ષિપ્ત વગેરે પાંચ અવસ્થાઓ થાય છે.
૨
ક્ષિપ્ત – ચિત્તમાં રજોગુણ પ્રબળ બને છે ત્યારે ચિત્ત બહુ જ ચંચળ બની જાય છે, સાંસારિક વિષયોમાં ભટકવા કરે છે, એક વિષય ઉપરથી બીજા વિષય ઉપર કૂદકા મારે છે અને સ્થિર રહી શકતું જ નથી. ચિત્તની આ અવસ્થાને ક્ષિપ્ત કહેવામાં આવે છે. આ અવસ્થા યોગને અનુકૂળ નથી કારણ કે એમાં ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ હોતો નથી. દાખલા તરીકે, આ અવસ્થા ધનના મદથી છકેલા લોકોમાં જોવામાં આવે છે.
મૂઢ – તમોગુણ પ્રબળ બને છે ત્યારે ચિત્તની કૃત્યાત્યનો વિચાર કરવાની શક્તિ કુંઠિત બની જાય છે, તેને અવળું જ્ઞાન કે નિદ્રારૂપ જ્ઞાન હોય છે અને તે વિષયાનુરાગ તથા મોહથી ઘેરાયેલું હોય છે. ચિત્તની આ મૂઢ અવસ્થા છે. આમ આ અવસ્થામાં ચિત્ત અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય ધર્મોથી યુક્ત હોય છે. દાખલા તરીકે, માદક દ્રવ્ય ખાઈ,પી ઉન્મત્ત બનેલી વ્યક્તિના ચિત્તની આવી અવસ્થા હોય છે. મૂઢતા એ સ્થિરતા નથી. મૂઢતામાં ચિત્તનો જ્ઞાનસ્વભાવ તમોગુણના પ્રભાવે ઉદ્ભવતા મોહથી દબાઈ જાય છે. સ્થિરતામાં તમોગુણનું આવરણ ઓછું હોવાથી અને સત્ત્વગુણની પ્રબળતા હોવાથી ચિત્તનો જ્ઞાનસ્વભાવ ખૂબ પ્રગટ થાય છે. અને રજોગુણ પણ ગૌણ થઈ ગયો હોવાથી ચિત્તની ચંચળતા દૂર થઈ જાય છે.
વિક્ષિપ્ત – સત્ત્વગુણના આધિક્સથી તમોગુણનું આવરણ આ અવસ્થામાં ક્ષીણ થઈ ગયું હોય છે અને રજોગુણ પણ ગૌણ બની ગયો હોય છે. આ કારણે ચિત્તને અનેક વિષયોનું જ્ઞાન હોય છે તેમજ તે એક વિષય ઉપર થોડોક વખત સ્થિર પણ થઈ શકે છે. ક્ષિપ્ત અવસ્થાથી આ અવસ્થામાં આ જ વિશેષતા છે. એટલે આ અવસ્થાને ‘વિક્ષિપ્ત’ નામ આપ્યું છે. આ અવસ્થામાં ચિત્તને આંશિક સ્થિરતા હોય છે. પરંતુ આ અવસ્થાનો યોગમાં સમાવેશ થતો નથી કારણ કે અહીં ચિત્તની સ્થિરતાનો તરત જ વિક્ષેપથી ભંગ
થાય છે, તેમ જ અવિદ્યાજન્ય ક્લેશોને દૂર કરવા આ અવસ્થાવાળું ચિત્ત પણ અસમર્થ હોય છે.