________________
યોગદર્શન
૨૦૫
એકસૂત્રતા, અન્વય, એકતા યા અભેદ નથી, બંને અત્યંત ભિન્ન છે. જો ચિત્તને આવું નિરન્વય ક્ષણવિનાશી માનીએ તો ચિત્તવિક્ષેપ અને ચિત્તએકાગ્રતા જ અશક્ય બની જાય.. જો ચિત્ત નિરન્વય ક્ષણિક હોય તો ઉત્પન્ન થઈ તરત જ અત્યંત નષ્ટ થઈ જાય અને પરિણામે એક વિષયને છોડી બીજા વિષય ઉપર જવાનું તેને અશકય જ બની જાય એટલે તેને અન્-એકાગ્ર કેવી રીતે ગણી શકાય ? અને જો અન્-એકાગ્રતા યા વિક્ષેપ જ સંભવતો ન હોય તો એકાગ્રતાના ઉપાયોનો ઉપદેશ આપવાની જરૂર જ રહેતી નથી. જો ચિત્તને નિરન્વય ક્ષણિક માનનાર કહે કે સદૃશ ચિત્તક્ષણોની શૃંખલા એ જ ચિત્તની એકાગ્રતા છે અને વિસદૃશ ચિત્તક્ષણોની શૃંખલા એ જ ચિત્તવિક્ષેપ છે તો યોગદર્શનકાર તેને પૂછે છે કે આ એકાગ્રતા અને વિક્ષેપ કોના ધર્મ છે– ચિત્તક્ષણોની શૃંખલાના કે તે શૃંખલાના અંશભૂત ચિત્તક્ષણના ? એમને શૃંખલાના ધર્મ ગણી શકાય નહિ કારણ કે ચિત્તક્ષણોથી અતિરિક્ત ચિત્તક્ષણશૃંખલા નામની કોઈ સ્વતંત્ર વસ્તુ તો છે જ નહિ. એમને ચિત્તક્ષણશૃંખલાના અંશભૂત ચિત્તક્ષણના ધર્મ પણ ગણી શકાય નહિ કારણ કે તે સદૃશ ચિત્તક્ષણોની શૃંખલાનો અંશ હોય કે વિસદૃશ ચિત્તક્ષણોની શૃંખલાનો, પરંતુ તે ક્ષણિક હોવાથી એકાગ્ર જ હોવાનો અને પરિણામે વિક્ષિપ્ત ચિત્તનો અસંભવ થઈ જવાનો. વળી, જો ચિત્ત નિરન્વય ક્ષણિક હોય તો એક ક્ષણનું ચિત્ત અને બીજી ક્ષણનું ચિત્ત અત્યંત ભિન્ન બની જાય અને પરિણામે એક ચિત્તે અનુભવેલી વસ્તુને તેનાથી ભિન્ન બીજું ચિત્ત સ્મરી શકતું ન હોઈ સ્મૃતિ અશક્ય બની જાય. ઉપરાંત, એક ચિત્તે કરેલ કર્મનું ફળ બીજું ચિત્ત ભોગવી શકતું ન હોઈ ચિત્તને ક્ષણિક માનવામાં કર્મસિદ્ધાંત અશકચ બની જાય. અનુભવ કરનાર જ સ્મરણ કરે છે અને કર્મ કરનાર જ તેનું ફળ ભોગવે છે આ બેય નિયમો ચિત્તને ક્ષણિક માનતાં તૂટે છે. આમ ચિત્તને નિરન્વય ક્ષણિક માનતાં જીવનવ્યવહાર, નીતિ, આચાર, સાધના બધું અશક્ય બની જાય. એટલે, યોગદર્શન ચિત્તને નિરન્વય ક્ષણિક માનતું નથી પરંતુ પરિણામી માને છે. યોગમતમાં ચિત્તદ્રવ્ય કૈવલ્ય સુધી એક જ રહે છે, માત્ર તેના આકારો યા પરિણામો ક્ષણે ક્ષણે બદલાય છે. ધ્યેય વિષયનો ત્યાગ કરી ચિત્તનું બીજા વિષયોના આકારે પરિણમવું તે ચિત્તનો વિક્ષેપ છે અને તેનું ધ્યેયના આકારે પરિણમ્યા કરવું તે એકાગ્રતા છે. આમ યોગદર્શનસંમત ચિત્તપરિણામિતાના સિદ્ધાંતમાં ચિત્તવિક્ષેપ અને ચિત્તએકાગ્રતા સંભવે છે.
ચિત્ત પોતાને અને પોતાના વિષયને એક સાથે જાણે છે એમ માનવું બરાબર નથી કારણ કે એક જ ક્ષણે ચિત્તને પોતાનું અને પોતાના વિષયનું જ્ઞાન થઈ શકે જ નહિ. ચિત્ત માત્ર પોતાના વિષયને જ જાણે છે. તે પોતે પોતાને જાણતું જ નથી, કારણ કે તે દૃશ્ય છે. જે દૃશ્ય છે તે પુરુષસંવેદ્ય છે. અર્થાત્, ચિત્ત પોતે પોતાને જાણતું નથી પણ પુરુષ તેને જાણે છે. ચિત્તનું જ્ઞાન ચિત્તને પોતાને નથી પરંતુ પુરુષને છે. જ્ઞાતા અને જ્ઞેય એક જ ન હોઈ શકે કારણ કે કર્તા અને કર્મ કદી એક હોતાં નથી. ગમે તેટલી ધારવાળી તલવાર હોય પણ તે પોતે પોતાને કાપી ન શકે. વળી, ચિત્ત સદા અગ્રાહ્ય યા અજ્ઞાત