________________
અધ્યયન ૨ ચિત્ત
આપણે જોયું કે પતંજલિ યોગનો અર્થ ‘ચિત્તવૃત્તિનો નિરોધ' કરે છે. એટલે ચિત્ત, ચિત્તવૃત્તિ અને ચિત્તવૃત્તિનો નિરોધ કરવાના ઉપાયોનો જ યોગદર્શન મુખ્યપણે વિચાર કરે છે. આ દૃષ્ટિએ યોગદર્શન એ વિશિષ્ટ પ્રકારનું ચિત્તશાસ્ત્ર છે.
ચિત્ત સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણે દ્રવ્યોનું બનેલું છે.' ચિત્ત પૂર્વોક્ત ત્રણ દ્રવ્યોનું બનેલું હોવા છતાં તેમાં સત્ત્વદ્રવ્ય પ્રધાન કારણ છે. તેથી તેને ચિત્તસત્ત્વ કે બુદ્ધિસત્ત્વ પણ કહેવામાં આવે છે. તેને ‘અન્તઃકરણ’ને નામે પણ ઓળખવામાં આવે છે. ચિત્ત ત્રિગુણાત્મક હોવાથી તે સુખદુઃખમોહાત્મક છે તેમ જ પ્રખ્યા-પ્રવૃત્તિસ્થિતિરૂપ છે. પ્રખ્યાનો અર્થ છે જ્ઞાન યા પ્રકાશ. આ સત્ત્વ, રજસ્ અને તમસ્ દ્રવ્યો પોતાનામાંથી એક પ્રધાન અને બાકીના બે ગૌણ બની ચિત્તની અનુક્રમે શાંત, ઘોર અને મૂઢ અવસ્થાઓ ઉપજાવે છે.
ચિત્ત સંકોચવિકાસશીલ છે. જેવડા શરીરમાં હોય તેવડું થઈને તે રહે છે. કીડીનું ચિત્ત કીડીના શરીર જેવડું અને હાથીનું ચિત્ત હાથીના શરીર જેવડું. આમ તે મધ્યમપરિમાણ યા શરીરપરિમાણ છે. આવો કેટલાક યોગાચાર્યોનો મત છે. પરંતુ એથી ઊલટું કેટલાક યોગાચાર્યે ચિત્તને વિભુ યા સર્વવ્યાપક માની તેની વૃત્તિને અર્થાત્ પ્રવૃત્તિને યા વ્યાપારને સંકોચવિકાસશીલ માને છે.
આપણું ચિત્ત તેના બધા જ વિષયોને જાણતું નથી, તે કેટલાકને જાણે છે અને કેટલાકને નથી જાણતું. આનું કારણ એ છે કે ચિત્તને પોતાના વિષયને જાણવા વિષયાકારે પરિણમવું પડે છે. ચિત્ત જે વિષયના આકારે પરિણમે છે તેને જ તે જાણે છે, બીજાને જાણતું નથી. જો વિષયને જાણવા ચિત્તને માત્ર વિષયનું પ્રતિબિંબ જ ઝીલવાનું હોત તો સ્વપ્નમાં ચિત્તને હાથીનું જ્ઞાન ન થાત કારણ કે બિંબ વિના પ્રતિબિંબ સંભવતું નથી. પરંતુ ચિત્તને સ્વપ્નમાં હાથીનું જ્ઞાન થાય છે. આ બતાવે છે કે ચિત્ત હાથીના આકારે પરિણમી હાથીનું જ્ઞાન કરે છે, હાથીને જાણે છે; ચિત્તને હાથીના આકારે પરિણમવા ચિત્ત સમક્ષ હાથીનું ઉપસ્થિત હોવું અત્યંત આવશ્યક નથી. આમ ચિત્ત પરિણમનશીલ પુરવાર થાય છે.
ચિત્ત પરિણમનશીલ છે એનો અર્થ એવો નથી કે તે નિરન્વય ક્ષણિક છે. ચિત્ત નિરન્વય ક્ષણિક છે એનો અર્થ એ થાય કે પહેલી ક્ષણના ચિત્તનો અત્યંત નાશ થાય છે અને બીજી ક્ષણે તદ્દન નવું જ ચિત્ત ઉત્પન્ન થાય છે, અને તે બેમાં કોઈ જાતની