________________
પ્રવેશક
ગૃહીત સામાન્યલક્ષણ પરંપરાથી સ્વલક્ષણ સાથે સંબદ્ધ હોવાથી જ્ઞાતાની પ્રવૃત્તિ સફળ થાય છે. આમ અનુમાન જે વસ્તુ સ્વલક્ષણરૂપ છે તેને યથાર્થરૂપે ગ્રહણ ન કરતું હોવાથી ભ્રાન્ત છે પરન્તુ તે અવિસંવાદી હોવાથી પ્રમાણ છે.૩૬
૧૧
(૯) સાંખ્યદર્શન૭
સાંખ્ય મૂળ બે તત્ત્વોમાં માને છે – પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ જડ છે. તે ત્રિગુણાત્મક છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણો દ્રવ્યરૂપ છે. તે ગુણો પ્રકૃતિના આરંભક યા ઉત્પાદક નથી પણ સ્વભાવરૂપ છે. આ ગુણો અનુક્રમે સુખાત્મક, દુ:ખાત્મક અને મોહાત્મક છે. વળી, સત્ત્વના ધર્મો પ્રકાશ અને લઘુતા છે, રજસ્ ક્રિયાશીલ છે અને તમસ્ અવરોધક અને ગુરુતાયુક્ત છે. પ્રકૃતિ પ્રતિ ક્ષણ પરિણામી છે. તે એક છે અને નિત્ય છે. સમગ્ર સૃષ્ટિ પ્રકૃતિના પરિણામરૂપ છે. પ્રકૃતિમાંથી જ બુદ્ધિ (મહત્), અહંકાર, પાંચ તન્માત્રો, અગિયાર ઇન્દ્રિયો અને પાંચ ભૂતોની સૃષ્ટિ થાય છે. આ બધાં તત્ત્વો પ્રકૃતિમાંથી આવિર્ભાવ પામે છે, તદ્દન નવાં ઉત્પન્ન થતાં નથી અર્થાત્ ઉત્પત્તિ પહેલાં પણ તેમનું અવ્યક્ત અસ્તિત્વ તેમનાં કારણમાં હોય છે જ. આમ સાંખ્યો સત્કાર્યવાદી છે.
પુરુષ ચેતન છે. તે અપરિણામી છે. એટલે પરિણામી બુદ્ધિ યા જ્ઞાન તેનું સ્વરૂપ નથી. તે અસંહત છે. તે ત્રિગુણાતીત છે. તે સુખ, દુ:ખ અને મોહથી રહિત છે. તે એક નથી પણ અનેક છે.
અવિદ્યાને કારણે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ છે. અને આ અવિદ્યાજન્ય સંયોગને પરિણામે પ્રકૃતિમાંથી બુદ્ધિ વગેરેની સૃષ્ટિ થાય છે. પછી બુદ્ધિનું પુરુષમાં અને પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. આને કારણે પુરુષ પરિણામી ન હોવા છતાં પરિણામી લાગે છે, તે સુખ-દુઃખ-મોહવાળો ન હોવા છતાં તેવો લાગે છે, તે જ્ઞાનવાળો ન હોવા છતાં જ્ઞાનવાળો લાગે છે; ટૂંકમાં તે કર્તા, ભોક્તા, જ્ઞાની ન હોવા છતાં કર્તા, ભોક્તા, જ્ઞાની જણાય છે; જ્યારે પ્રકૃતિ અચેતન હોવા છતાં ચેતન જેવી જણાય છે. જ્યારે અવિઘા દૂર થાય છે ત્યારે તેને કારણે થયેલો સંયોગ દૂર થાય છે. પરિણામે 'પ્રકૃતિમાંથી બુદ્ધિ વગેરેની સૃષ્ટિ અટકી જાય છે, એટલે પુરુષ અને બુદ્ધિનું એકબીજામાં પ્રતિબંબ પડવાનો પ્રશ્ન જ રહેતો નથી, પુરુષ સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય છે, આ જ મુક્તિ છે.
સાંખ્યમાં અવિદ્યા એ પ્રકૃતિ-પુરુષનો અવિવેક છે જ્યારે વિદ્યા એ તેમનો વિવેક છે. આ વિવેક જ મોક્ષનો ઉપાય છે.
સાંખ્યો એક જન્મમાંથી બીજા જન્મમાં સંસ્કારોના વાહકરૂપ સૂક્ષ્મશરીરને સ્વીકારે છે. તે સર્ગથી માંડી પ્રલય સુધી પ્રવાહરૂપે એક જ છે. તેના પ્રવાહનો વિચ્છેદ સર્ગ દરમ્યાન થતો નથી. તેનાં ઘટકો મહથી માંડી પાંચ તન્માત્રો સુધીનાં તત્ત્વો છે. “સાંખ્યદર્શનની પ્રક્રિયામાં ઈશ્વરને સ્થાન નથી.