________________
સાંખ્યદર્શન
૧૮૧
‘ઇન્દ્રિય દ્વારા બાહ્ય વસ્તુની સાથે બુદ્ધિનો સાક્ષાત્ અર્થાત્ મનિરપેક્ષ સંયોગ થાય છે. સંયોગની આ પ્રથમ ક્ષણે વસ્તુવિષયનું જ્ઞાન અનિર્દિષ્ટ આકારવાળું જન્મે છે, અને દ્વિતીય ક્ષણે એ જ્ઞાન સુસ્પષ્ટ અને સુનિર્દિષ્ટ આકારવાળું થાય છે. ભિક્ષુના મતે મનનો વ્યાપાર યા વૃત્તિ ઇચ્છા, સંશય અને કલ્પના છે. પ્રત્યક્ષજ્ઞાનમાં મનનો વ્યાપાર ગૌણ છે.’૨૪ પરંતુ એ ધ્યાનમાં લેવું જોઈએ કે ભિક્ષુએ ક્યાંય એવું નથી કહ્યું કે પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં પ્રથમ અનિર્દિષ્ટ આકારવાળું અર્થાત્ નિર્વિકલ્પક જ્ઞાન જન્મે છે અને પછી સુસ્પષ્ટ અને સુનિર્દિષ્ટ આકારવાળું અર્થાત્ સવિકલ્પક જ્ઞાન જન્મે છે. ઊલટું, સાંખ્યપ્રવચનભાષ્યના ઉપર આપેલા સંદર્ભમાં તો તે આ વાતનો વિરોધ કરતા જણાય છે. સાંખ્યસૂત્ર (૨.૩૨)ની વ્યાખ્યામાં ભિક્ષુ ઇન્દ્રિય, મન, અહંકાર અને બુદ્ધિની ચાર વૃત્તિઓના ક્રમયૌગપદ્યના પ્રશ્નને અપ્રસ્તુત ગણે છે.૨૫ પરંતુ તેમનો પોતાનો મત શો છે તે જણાવતા નથી. તેમ છતાં તે સૂત્ર પરનું સમગ્ર ભાષ્ય વાંચ્યા પછી એવી છાપ ઊઠે છે કે તે ચાર વૃત્તિઓના ક્રમને જ સ્વીકારતા હોય. પરંતુ પાંચ ઇન્દ્રિયોની પાંચ આલોચનવૃત્તિઓની બાબતમાં તો તે ક્રમ અને યૌગપદ્ય બંનેય સ્વીકારે છે. યુક્તિદીપિકાકાર ઇન્દ્રિયની આલોચનવૃત્તિને નિર્વિકલ્પકજ્ઞાનરૂપ ગણતા નથી. આલોચનવૃત્તિ એ સામાન્યજ્ઞાન છે એવી માન્યતાનો તેઓ વિરોધ કરે છે. આલોચનવૃત્તિને તેઓ જ્ઞાન તરીકે સ્વીકારવા ઇચ્છતા નથી. આલોચનવૃત્તિ વિષયને ધારણ કરે છે એટલું જ. આલોચનવૃત્તિ પછી તેને અનુરૂપ ‘આ ઘટ છે’‘આ પટ છે’એવા આકારનો નિશ્ચય બુદ્ધિમાં જન્મે છે; તે પ્રત્યય યા અધ્યવસાય છે. વધારામાં તે જણાવે છે કે આલોચનવૃત્તિ વિષયનો પ્રકાશ કરતી નથી જ્યારે અંતઃકરણવૃત્તિ વિષયગત તમોગુણનો અભિભવ કરી વિષયનો પ્રકાશ કરે છે. આમ યુક્તિદીપિકાકાર પ્રત્યક્ષની ઉત્પત્તિમાં ક્રમિક ભૂમિકાઓ સ્વીકારવા છતાં તેમાંની કોઈને નિર્વિકલ્પક કે સામાન્યજ્ઞાન તરીકે વર્ણવવા તે બિલકુલ તૈયાર નથી. વિન્ધ્યવાસીને મતે પ્રત્યક્ષનું લક્ષણ છે. શ્રોત્રાદ્દિવૃત્તિરવિત્ત્પિા. તેમના પ્રમાણે કોઈ વસ્તુ સાથે ઇન્દ્રિયનો સંબંધ થતાં ઇન્દ્રિય તે વિષયના આકારે પરિણમે છે; વિષયાકારે પરિણત તાદશ ઇન્દ્રિય જ પ્રત્યક્ષપ્રમાણ છે; ઇન્દ્રિયની આ વૃત્તિ નિર્વિકલ્પક છે. ગુણરત્ન પોતાની યગ્દર્શનસમુચ્ચયની ટીકામાં વિંધ્યવાસીના આ મતની વ્યાખ્યા કરે છે.૭ યોગભાષ્યકાર વ્યાસ જણાવે છે કે ઇન્દ્રિય દ્વારા સામાન્યવિશેષાત્મક વસ્તુ સાથે સંપર્કમાં આવવાથી તે વસ્તુના વિશેષને પ્રધાનપણે ગ્રહણ કરતી ચિત્તની જે વૃત્તિ થાય છે તે પ્રત્યક્ષપ્રમાણ છે.૨૮
૨૬
યુક્તિદીપિકામાં વાર્ષગણના મતનો ઉલ્લેખ છે. તે શ્રોત્ર વગેરેની વૃત્તિને પ્રત્યક્ષપ્રમાણ ગણે છે. યુક્તિદીપિકાકાર આ મતનું ખંડન કરે છે. આ લક્ષણ માનતાં સુખ, દુઃખ, વગેરે આંતર વિષયોનું જ્ઞાન યા યોગિજ્ઞાન પ્રત્યક્ષપ્રમાણમાં સમાવિષ્ટ નહિ થાય. સુખ વગેરે કદીય શ્રોત્ર વગેરેની વૃત્તિઓથી ગૃહીત થતાં નથી અને યોગિજ્ઞાન અતીન્દ્રિય છે. પરંતુ સુખ વગેરે પ્રત્યક્ષપ્રમાણગ્રાહ્ય છે અને યોગિજ્ઞાન પ્રત્યક્ષ છે એવું તો સાંખ્ય સહિત સૌ દર્શનકારો સ્વીકારે છે.૨૯