________________
૧૭૭
-
સાંખ્યદર્શન બરાબર નથી, કારણ કે પ્રતિબિંબ તુચ્છ છે. ચેતન પુરુષનું પ્રતિબિંબ કંઈ ચેતનામય નથી. એટલે ચેતન પુરુષના પ્રતિબિંબ દ્વારા બુદ્ધિવૃત્તિ ચૈતન્યલાભ કરી શકે નહિ. બીજી બાજુ, ચેતન પુરુષમાં વિષયાકારે પરિણત બુદ્ધિવૃત્તિનું પ્રતિબિંબ પડવાને પરિણામે પુરુષની ચેતના સાથે તેનો યથાર્થ સંબંધ ઘટે છે - આમ માનવું યોગ્ય છે. વાચસ્પતિને મતે પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડવાને પરિણામે બુદ્ધિ જ જ્ઞાતા છે કારણ કે ઇચ્છા વગેરે જેમાં રહે છે તેમાં જ જ્ઞાન રહે છે અને એ તો અનુભવસિદ્ધ છે કે ઇચ્છા વગેરે બુદ્ધિમાં રહે છે, એટલે જ્ઞાન પણ બુદ્ધિમાં જ રહે છે. વળી, વાચસ્પતિ જણાવે છે કે પોતાની માન્યતામાં જ્ઞાન એકમાં અને પ્રવૃત્તિ બીજામાં એ દોષ આવતો નથી. વાચસ્પતિની આ વાત પણ ભિક્ષુ સ્વીકારવા માગતા નથી. તે કહે છે કે બુદ્ધિનું જ્ઞાતૃત્વ સ્વીકાર કરવા જતાં સાંખ્યસિદ્ધાન્ત સાથે વિરોધ થાય છે. સાંખ્યસૂત્ર (૧.૧૦૪)માં કહ્યું છે કે ચેતન પુરુષમાં બુદ્ધિવૃત્તિનું અવસાન અર્થાત્ પ્રતિબિંબપાત થાય છે અને આ પ્રતિબિંબપાત એ જ ભોગ છે. વળી, બુદ્ધિમાં જ ભોગ (અર્થાત્ બુદ્ધિગત પુરુષપ્રતિબિંબમાં ભોગ) સ્વીકારવા જતાં પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરનાર પ્રમાણનો અભાવ થઈ જશે, કારણ કે ભોગને જ પુરુષાસ્તિત્વનો સાધક હેતુ ગણ્યો છે. પ્રથમ બિંબ હોય તો જ પ્રતિબિંબ પડે એટલે પ્રતિબિંબ દ્વારા બિંબરૂપ પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે એમ કહી શકાય નહિ, કારણ કે આ તર્કમાં અન્યોન્યાશ્રયદોષ રહેલો છે. બિંબનું સ્વતન્ત્ર અસ્તિત્વ સિદ્ધ થાય તો જ બુદ્ધિસ્થ ચેતનપ્રતિબિંબ સિદ્ધ થાય અને બુદ્ધિસ્થ ચેતનપ્રતિબિંબ સિદ્ધ થાય તો જ બિંબરૂપ પુરુષ સિદ્ધ થાય. આમ બિંબસિદ્ધિ દ્વારા પ્રતિબિંબસિદ્ધિ અને પ્રતિબિંબસિદ્ધિ દ્વારા બિંબસિદ્ધિ—આ રીતે બિંબ અને પ્રતિબિંબ પરસ્પરના આશ્રયીભૂત બને છે. આ છે અન્યોન્યાશ્રયદોષ. ભિક્ષુ કહે છે કે પોતે તો શાર્તા તરીકે સિદ્ધ પુરુષનું જ્ઞેયત્વ અન્ય પ્રકારે સંભવતું ન હોઈ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ સ્વીકાર્યું છે અને એટલે પોતાની આ માન્યતામાં અન્યોન્યાશ્રયદોષ આવતો નથી. આત્મદર્શનમાં પુરષસાક્ષાત્કાર માટે બુદ્ધિમાં પુરુષના પ્રતિબિંબની કલ્પના કરવી આવશ્યક છે. એ કલ્પના ન કરીએ તો કર્મકર્તૃવિરોધનો દોષ આવે. એક જ વસ્તુ એક વખતે કર્મ અને કર્તા સંભવી ન શકે. બીજું, બુદ્ધિવૃત્તિના સાક્ષી તરીકે બિંબરૂપ ચેતન પુરુષનું અસ્તિત્વ સિદ્ધ થાય છે એમ જો કહેવામાં આવે તો, ભિક્ષુ જણાવે છે કે, કહેવું જોઈએ કે સાક્ષીરૂપ પુરુષને જ જ્ઞાતારૂપેય સ્વીકારવો ઉચિત ગણાય. વળી; બુદ્ધિ અને પુરુષ બન્નેનો તો જ્ઞાતારૂપે સ્વીકાર કરી શકાય નહિ, કારણ કે એમાં કલ્પનાગૌરવ છે. એટલે બુદ્ધિને નહિ પણ પુરુષને જ્ઞાતા તરીકે સ્વીકારવો જોઈએ. બુદ્ધિવૃત્તિજ્ઞાન અને ઘટજ્ઞાન સમાન અધિકરણમાં જ અનુભવાઈ શકે. અને આ સમાન અધિકરણ તરીકે પુરુષને જ સ્વીકારવો જોઈએ. ઉપરાંત, સાંખ્યદર્શનમાં ભોક્તારૂપે પુરુષનું પૃથક્ અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. બુદ્ધિને ભોક્તારૂપે સ્વીકારતાં એ સિદ્ધાન્તનો વ્યાઘાત થશે. ભિક્ષુ કહે છે કે પોતાના સિદ્ધાન્તમાં ‘એકને જ્ઞાન અને બીજાને પ્રવૃત્તિ' એ દોષ દેખાય પણ સાંખ્યદર્શનમાં જ્ઞાન અને પ્રવૃત્તિનું વૈયધિકરણ પ્રમાણિત છે. એક વ્યક્તિ અનાજ પેદા કરે છે પણ બીજી વ્યક્તિ તેનો ભોગ કરે છે એ તો અનુભવસિદ્ધ વાત છે.