________________
૧૭૦.
પદર્શન વિવેકસાક્ષાત્કાર - આ બે પ્રકૃતિનાં કાર્યો છે. વિવેકખ્યાતિસંપન્ન વ્યક્તિના વિષયમાં પ્રકૃતિનાં આ બે કાર્યો સંપન્ન થઈ ગયાં હોઈ પ્રકૃતિને તે વ્યક્તિની બાબતમાં કંઈ કરવાનું રહેતું નથી. પ્રયોજનાન્તરના અભાવમાં પ્રકૃતિ પુનઃ તે વ્યક્તિને માટે સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થતી નથી. આ વિવેકસંપન્ન પુરુષવ્યક્તિ પણ બુદ્ધિગત સુખ, દુઃખ વગેરેને પોતાના ઉપર આરોપી બદ્ધ થતો નથી. તત્ત્વજ્ઞાન થતાં ધર્મ, અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય, અવૈરાગ્ય, ઐશ્વર્ય અને અનૈશ્ચર્ય—આ સાતેય ભાવોની નિવૃત્તિ થાય છે, કારણ કે આ સાતેય અતત્ત્વજ્ઞાનનું પરિણામ છે. તત્ત્વજ્ઞાનના ઉદયે અતત્ત્વજ્ઞાનની નિવૃત્તિ થાય છે અને પરિણામે ધર્મ, અધર્મ વગેરેની નિવૃત્તિ થાય છે. તેથી પુરુષને ફરીથી બંધનમાં પડવાનો સંભવ રહેતો નથી. આ અવસ્થામાં પુરુષ નિષ્ક્રિય અને સ્વસ્થ બનીને પ્રકૃતિને ઉદાસીનભાવે જ જુએ છે. તેથી વિવેકખ્યાતિ ઉત્પન્ન થયા પછી પ્રકૃતિ અને પુરુષનો સંયોગ હોવા છતાં સૃષ્ટિનું પ્રયોજન - ભોગ અને ભેદજ્ઞાન - સિદ્ધ થઈ ગયું હોવાથી અને બીજું કોઈ સૃષ્ટિનું પ્રયોજન ન હોવાથી વિવેકસંપન્ન પુરુષના સંયોગથી. પ્રકૃતિ સૃષ્ટિકાર્યમાં પ્રવૃત્ત થતી નથી. તેથી તત્ત્વજ્ઞાનનો ઉદય થયા પછી પુરુષની મુક્તિમાં કોઈ પ્રતિબંધક યા બાધક બની શકતું નથી.' | કુંભારનો વ્યાપાર બંધ થયા પછી પણ જેવી રીતે સંસ્કારને અર્થાત્ વેગને કારણે કુંભારનો ચાકડો કેટલાક વખત સુધી ફર્યા કરે છે તેવી રીતે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ વિવેકસંપન્ન વ્યક્તિના શરીરનો પાત થતો નથી. તત્ત્વજ્ઞાનને કારણે ધર્મ-અધર્મ પોતાના ફળને ઉત્પન્ન કરવા અસમર્થ બની જાય છે. તેથી તત્ત્વજ્ઞાનીને જન્માન્તરમાં શરીર ધારણ કરવાની કોઈ શક્યતા રહેતી નથી. પરંતુ પૂર્વજન્મકૃત જે ધર્મ-અધર્મ વર્તમાન દેહમાં પોતાનું ફળ આપવા પ્રવૃત્ત થયા છે અને જેમની ફલદાનક્રિયા હજુ પૂરી થઈ નથી તે ધર્મ-અધર્મનો નાશ કરવો વર્તમાન શરીરમાં ઉત્પન્ન થયેલ તત્ત્વજ્ઞાનથી શક્ય નથી. તેથી તત્ત્વજ્ઞાનીને તે ફલદાનક્રિયા પૂરી થઈ જાય ત્યાં સુધી શરીર ધારણ કરી રાખવું આવશ્યક છે. આવી રીતે જેટલો વખત શરીર ધારણ કરી રાખવું પડે તેટલા વખતને જીવનમુક્તિની અવસ્થા કહેવાય છે. ફળ દેવા પ્રવૃત્ત થયેલાં પુણ્ય-પાપના ભોગ દ્વારા જ તેમનો ક્ષય થાય છે એવી વાત બ્રહ્મસૂત્રમાં પણ કહી છે. યોગભાષ્યમાં પણ જીવન્મુક્તનો ઉલ્લેખ છે. ભાષ્યકાર કહે છે કે વિવેકસંપન્ન વ્યક્તિના અવિદ્યા વગેરે કલેશો સંપૂર્ણરૂપે નિર્મૂળ થઈ જાય છે અને ધર્મ-અધર્મ દગ્ધબીજભાવ પ્રાપ્ત કરે છે. એ જ્ઞાની પુરુષ જ્યાં સુધી શરીર ધારણ કરતો કલેશકર્મમુક્ત જીવે છે ત્યાં સુધી તે જીવન્મુક્ત કહેવાય છે.” - જીવન્મુક્ત અવસ્થા સ્વીકારવાનું એક પ્રયોજન છે. જે પુરુષોએ વિદેહકૈવલ્ય પ્રાપ્ત કર્યું છે તે બધાને શરીર હોતું નથી એટલે તે ઉપદેશ દઈ શકતા નથી. અને જે અવિવેકી છે તે પોતે જ અજ્ઞાની છે એટલે તેઓ બીજાને ઉપદેશ આપવાને લાયક નથી. જીવન્મુક્ત પુરુષ જ ઉપદેણ બની શકે છે. એટલે જીવન્મુક્તાવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ૩૩