________________
૧૪૩
સાંખ્યદર્શન ઉત્તર એ છે કે કરણો પુરુષના સાન્નિધ્યમાં અચેતન હોવા છતાં ચેતનયુક્ત હોય તેવાં બની જાય છે.
વાચસ્પતિને મતે પ્રત્યક્ષની બાબતમાં બાહ્મેન્દ્રિય, મન, અહંકાર અને બુદ્ધિ આ ચારની વૃત્તિઓ યુગપત્ અથવા ક્રમથી થાય છે. અપ્રત્યક્ષની બાબતમાં પણ મન, અહંકાર અને બુદ્ધિની વૃત્તિઓ યુગપત્ અથવા ક્રમથી થાય છે; પરંતુ તેમની પૂર્વે કોઈ ને કોઈ સમયે પ્રત્યક્ષ થયું હોવું જોઈએ. ગાઢ અંધકારમાં વીજળીનો ચમકારો થતાં વટેમાર્ગુ સર્પ જુએ છે. આવે પ્રસંગે આલોચનવૃત્તિ, સંકલ્પવૃત્તિ, અભિમાનવૃત્તિ અને અધ્યવસાયવૃત્તિ યુગપત્ ઉત્પન્ન થાય છે. ચક્ષુનો સર્પ સાથે સંયોગ થતાં જ તે દૂર હટી જાય છે. બીજી બાજુ, મુસાફર આછા પ્રકાશમાં દૂર જુએ છે કે કંઈક છે (આલોચનવૃત્તિ); પછી ધ્યાનથી જોતાં તેને જણાય છે કે એ ચોર છે (સંકલ્પવૃત્તિ); પછી તેને જણાય છે કે તે એની તરફ જ આવી રહ્યો છે (અભિમાનવૃત્તિ); પછી તે નિશ્ચિય કરે છે કે તેણે ત્યાંથી ઝડપથી ભાગી જવું જોઈએ (અધ્યવસાયવૃત્તિ); પછી તે ત્યાંથી ભાગી જાય છે. અહીં કરણોની પ્રવૃત્તિ ક્રમથી થાય છે. અપ્રત્યક્ષની બાબતમાં સ્મૃતિ, અનુમિતિ, કે શાબ્દબોધ અને તેમનું કાર્ય પલાયન કે અવસ્થાન એક સાથે થઈ શકે છે, અને કોઈક વાર ધીમે ધીમે સ્મૃતિ વગેરેનો ઉન્મેષ થતાં કાર્ય જન્મે છે. પરંતુ સ્મૃતિ હોય, અનુમાન હોય કે શાબ્દબોધ હોય – તેમના મૂળમાં પ્રત્યક્ષ તો હોય જ છે.પર યુક્તિદીપિકાકારનો મત આ બાબતે ભિન્ન છે: તે શ્રોત્ર વગેરે બાહ્યકરણની અને અન્તઃકરણની વૃત્તિઓ યુગપત્ સંભવે છે એવા મતના વિરોધી છે. તે આલોચનવૃત્તિ, સંકલ્પવૃત્તિ, અભિમાનવૃત્તિ અને અધ્યવસાયવૃત્તિને ક્રમિક જ ગણે છે, કારણ કે જ્ઞાનેન્દ્રિયની સહાય વિના અન્તઃક૨ણ કોઈ વસ્તુને ગ્રહણ કરી શકતું નથી. જો જ્ઞાનેન્દ્રિયની સહાય વિના અન્તઃકરણને વસ્તુ ગ્રહણ કરતું માનવામાં આવે તો કર્ણ વગેરે બાહ્મેન્દ્રિયનું કંઈ પ્રયોજન જ રહે નહિ. પરંતુ ઈશ્વરકૃષ્ણ બાહ્મેન્દ્રિયોને દ્વાર અને અન્તઃકરણોને દ્વારિરૂપ કલ્પે છે. બાહ્યેન્દ્રિય અને અન્તઃકરણની યુગપવૃત્તિ માનતાં આ દ્વારદ્વારિભાવનો વ્યાઘાત થાય. એટલે બાહ્મેન્દ્રિયની અને અન્તઃકરણની વૃત્તિઓને ક્રમિક જ માનવી જોઈએ. અંતમાં યુક્તિદીપિકાકાર જણાવે છે કે પૂર્વાચાર્યે દૃષ્ટ વર્તમાન વિષયની બાબતમાં ચારેય વૃત્તિઓના યૌગપદ્યના સંભવને સ્વીકારે છે પણ ઈશ્વરકૃષ્ણ તો અતીત અને વર્તમાન બંને પ્રકારના વિષયોની બાબતમાં ચારેય વૃત્તિઓની ક્રમિક ઉત્પત્તિ જ સ્વીકારે છે. અનિરુદ્ધ પણ યુક્તિદીપિકાકારના મતના છે. તે કહે છે કે પૂર્વોક્ત ચારેય વૃત્તિઓ કદીય એક સાથે થતી નથી. વાચસ્પતિએ આપેલા અક્રમના દૃષ્ટાંતમાં પણ ક્રમ છે જ પણ તે એટલો ઝડપી છે કે આપણને તે જણાતો નથી.૫૪ માઠરપ અને ગોડપાદપ વાચસ્પતિના જેવો જ મત ધરાવે છે. હવે બીજો પ્રશ્ન એ છે કે બાહ્ય જ્ઞાનેન્દ્રિયોની આલોચનવૃત્તિઓ યુગપદ્ સંભવે છે કે નહિ ? અર્થાત્, શબ્દાલોચન, સ્પર્શલોચન, વગેરે પાંચ આલોચનવૃત્તિઓ એક સાથે ઉત્પન્ન થઈ શકે કે નહિ ? આનો ઉત્તર સાંખ્યસૂત્રકાર હકારમાં આપે છે.૫૭ ભિક્ષુ પણ એનું સમર્થન કરે છે.૫૮