________________
७६
યુગે યુગે પાટણની પ્રભુતા
સ્વ.શ્રી ભૈયાજીએ મને આપેલ માહિતી મુજબ તેઓશ્રીએ ચીનનું કોઈ કાગળનું કોતર કામ જોયું નથી. તેમની એક ઇચ્છા એવી હતી કે, જો ચીનમાં ખરેખર કાગળ કાવીંગ (કોતરકામ) થતું હોય તો તે કામ સાથે તેમને સ્પર્ધા કરવી છે અને નિર્ણય કરાવવો છે કે કાગળ કોતર કામમાં કોની કૃતિ ઉત્તમ છે ભારતની કે ચીનની?
સ્વ.શ્રી રામપ્રસાદ ભૈયાજીના પૌત્ર નરેન્દ્રકુમાર ભમરસિંહ જડીયાએ તેમના સ્વ.દાદા પાસેથી કાગળ કોતર કામનો આ કસબ બરાબર શીખી લીધો છે. ભાઇશ્રી નરેન્દ્ર પણ દાદાના પગલે પગલે ઉત્તમ કૃતિઓનું સર્જન કરી રહ્યા છે. આ લેખકે ભાઈ નરેન્દ્રનું કાગળ ઉપરનું કોતર કામનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે અને ગૌરવ સાથે કહેવું પડે છે કે ભાઈ નરેન્દ્ર આ કલા ક્ષેત્રમાં સ્વ. ભૈયાજીની ખોટ પડવા નહિ દે.
ભાઈ નરેન્દ્રની ઉત્તમ કૃતિઓમાં તેમણે ચાર કાટખૂણેથી કોતરકામ કરી એક મોટું વર્તુળ “વોલપીસ બનાવ્યું છે જે અદ્ભુત છે. આ ઉપરાંત અજંતાના દ્રશ્યો, વીર ભગતસિંહ, શકુન્તલા, વાનરવૃન્દ અને કૃષ્ણ ભગવાન ગાય સાથે વગેરે બારીક ઝીણા કોતરકામની ઉત્તમ કૃતિઓ છે. શ્રી નરેન્દ્રની ઇચ્છા વિદેશમાં આ કલાકૃતિઓના પ્રદર્શન યોજવાની છે. આ ઉમદા કાર્યમાં મદદરૂપ થઈ શકે તેવા કલાપ્રેમીએ આ કાર્યમાં તેમને માર્ગદર્શન આપવા જેવું છે. સ્વ.શ્રી ભૈયાજીની એક અધુરી કલાકૃતિ તેમના પૌત્ર નરેન્દ્રએ પૂર્ણ કરી છે, તેમ છતાં કૃતિમાં ક્યાંય વિસંગતતા દેખાતી નથી એ જ હકિકત બરાબર બતાવે છે કે ભાઇ નરેન્દ્રએ દાદાનો વારસો બરાબર પચાવ્યો છે, ઝીલ્યો છે.
સ્વ.શ્રી રામપ્રસાદ ભૈયાજીની જન્મભૂમિ ભગવાન શ્રીકૃષ્ણની કિડાભૂમિ ગોકુળ હતી. તેમનામાં રહેલી કલાની સુષુપ્ત શક્તિ એક ધોળી દાઢીવાળા પંજાબી મહાત્માએ ઢંઢોળી તે દિવસથી એકલવ્યની માફક ગુરૂનું પ્રત્યક્ષ સાનિધ્ય નહિ હોવા છતાં શ્રદ્ધા અને સબુરીના બળે સાધના ચાલુ રાખી અને એક અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા.
જ્યાં સુધી સ્વાવલંબી ન થવાય ત્યાં સુધી લગ્ન ન કરવાની નેમ (ટેક) હતી, પછી વડીલો સાથે મતભેદ પડતાં, જીંદગીભર લગ્ન ન કરવાની ભિષ્મ પ્રતિજ્ઞા લઇ તેઓએ આત્મબળથી જન્મભૂમિ છોડી દીધી. હિમાલય, જયપુર, હાથરસ, બનારસ, અલવર વગેરે સ્થળોએ પરિભ્રમણ કરી તેઓ ગુજરાતમાં પાટણને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી હતી. આવા મહાન કલાકારે પોતાના
સ્વહસ્તાક્ષરમાં ડાયરી પણ લખેલ છે. જે તેમના કૌટુંબિકજનોએ કિંમતી ખજાનાની માફક જાળવી રાખી છે.
સ્વ.શ્રી ભૈયાજીએ તેમના પુત્ર-પૌત્રોને કોઇ મોટી સંપત્તિ વારસામાં આપી નથી. પરંતુ ઉમદા સંસ્કારો તથા ઉત્તમ કલાનો વારસો આપ્યો છે. તેમની ડાયરી ઉપરથી તેમના પ્રશંસકોએ તેમના જીવન ઉપર એક “જીવનચરિત્ર” પુસ્તક પ્રકાશિત કરવા જેવું જ છે. જે અનેક યુવકો અને અનેક વ્યાયામવીરોને પ્રેરણાદાયી થઈ પડશે. તેમાં કોઈ શંકા નથી.
શ્રી ભૈયાજીના હાથ નીચે તૈયાર થયેલા પાટણના થોડાક યુવાનો કાગળ કોતરકામ કરી તેમની આ કળા જાળવી રાખી છે.