________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૭૫
૨૭
કાગળ કોતરકામના કસબી સ્વ.શ્રી રામપ્રસાદ ભૈયાજી
પ્રા. મુકુન્દભાઇ પી. બ્રહ્મક્ષત્રિય
પાટણની વ્યાયામ પ્રવૃત્તિના પિતા શ્રી રામપ્રસાદ ભૈયાજીને અબાલ-વૃદ્ધ સહુ કોઇ સારી રીતે પીછાને છે. શ્રી ભૈયાજી તા. ૩૧-૫-૧૯૭૭ ના રોજ એંશી (૮૦) વર્ષની વયે પાટણમાં ગુજરી ગયા. પાટણ નગરપાલિકાએ ગિરધારી મંદિર પાસેના તેમના નિવાસ સ્થાન પાસેના માર્ગને ‘‘શ્રી રામપ્રસાદ ભૈયાજી રોડ'' નું નામ આપેલ છે. પાટણમાં તેમના નામને જોડી ‘“તરણ સ્પર્ધા” તથા ‘‘ચિત્ર સ્પર્ધા’’ પણ યોજવામાં આવે છે. સુંદર શરીર સૌષ્ઠવ ધરાવતાં, બાલ બ્રહ્મચારી પહેલવાન શ્રી ભૈયાજી મહાન કાગળ કોતર કામના ઉત્તમ કલાકાર હતા, એ વાત સર્વેજન જાણતા નથી.
નખ કાપવાની નૈણી, ધાર કઢવાનો પથ્થર અને નાનકડા ચીપીયા જેવા સામાન્ય સાધનોથી સ્વ.શ્રી ભૈયાજી કાગળ ઉપર પેન્સિલથી પ્રથમ ચિત્ર ચીતરી તેનું ઝીણું બારીક કોતરકામ અદ્ભૂત રીતે કરતા હતા. સફેદ કાગળ ઉપર પેન્સિલથી ચીતરેલા ચિત્રના સપ્રમાણ રેખાંકન ઉપર ધારદાર સાદી નૈણી સડસડાટ ચલાવે જવાની, કાગળની કતરણ નાના ચીપીયા વડે ઉપાડતા જવાની, ક્યાંક એક પણ ખોટો કાપ ન થાય અને તેમાંથી એક સુંદર નયનરમ્ય કૃતિ સર્જાય. હાથની નસે નસ અને શરીરના તંતુએ તંતુ ઉપર અદ્ભૂત કાંબુ, ધીરજ, નિષ્ઠા અને સબુરીનું જાણે સાક્ષાત્ પ્રતિબિંબ એટલે જ શ્રી ભૈયાજીની કલાકૃતિનો ર્જન્મ.
આવું કોતરકામ કરતી વખતે એકી સાથે પાંચથી છ કાગળ ઉપર સાથે જ કોતરણી થાય છે. તેમાંથી સૌથી ઉપરની અને સૌથી નીચેની એમ બે કૃતિઓ ઉપયોગમાં લેવાતી નહોતી, પણ વચલી ત્રણ-ચાર કાગળનું અદ્ભુત કોતરકામ થાય છે. દિવસોના દિવસો અને મહિનાઓના મહિના સુધી સ્થિર શ્વાસે નૈણી ચલાવવાના તેમના પરિશ્રમને એકાગ્રતાને જોઇ જોનારાના મુખમાંથી ‘“અદભૂત’’ એવો પ્રસંશાનો ઉદ્ગાર સહેજે સરી પડે. સ્વ.શ્રી ભૈયાજીના કાગળના કોતર કામનું વર્ણન શબ્દોથી આપી શકાય તેમ નથી. તેમની કલાકૃતિ નજરે જોયા સિવાય તેમાં રહેલ અદ્ભૂત સૌદર્યની ઝાંખી પણ શબ્દોથી થઇ શકે તેમ નથી.
સ્વ.શ્રી ભૈયાજીના કાગળના કોતરકામની કૃતિઓના પ્રદર્શન દિલ્હી આર્ટ ગેલેરી, જહાંગીર આર્ટ ગેલેરી, મુંબઇની તાજ આર્ટ ગેલેરી, અમદાવાદના સંસ્કાર કેન્દ્ર, પાલડીમાં તેમજ દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ફાઇન આર્ટસ એન્ડ કાફટ સોસાયટીમાં યોજાયેલ છે.
વડાપ્રધાન સ્વ. શ્રી જવાહરલાલ નહેરૂજી તેમજ રાષ્ટ્રપતિ સ્વ.શ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની કલાકૃતિને નીરખી શ્રી ભૈયાજીને ખૂબ જ બિરદાવેલ છે. તેમને સરકાર તરફથી અનેક પ્રસંશા પત્રો, સન્માનપત્રો તથા તામ્રપત્રો એનાયત કરાયેલ છે.
દુનિયામાં બીજે ક્યાંય આવું કાગળ ઉપરનું કોતર કામ થાય છે ખરૂં ? આવો પ્રશ્ન એક વખત આ લેખકે ભૈયાજીને પૂછેલો. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, ‘“જબ મેં દિલ્હીમેં થા તબ પંડિત જવાહરલાલ નહેરૂજીને કહા થા કી, પેપર કટીંગ ચીનમેં ભી હોતા હૈ.''