________________
૬૦
યુગે યુગે પાટણની પ્રભુતા લોકો વસે છે. રાજમહેલ, શસ્ત્રાગાર, હસ્તગાર, અાગાર, રથાલય વગેરે છે. રાજ્યના વહીવટ ખાતાના મકાનોથી એનો દેખાવ એક જુદા નગર જેવો લાગે છે. (ગાંધીનગર જેવું હશે ?)
આ શહેરમાં બધી દુનિયાનો વેપાર ચાલે છે. દરરોજ એક લાખ ટંકા (રૂપિયા) જેટલી કરની આવક થાય છે. તમે પાણી માંગો તો દૂધ આપે છે. અહીં ઘણાં જૈન દેરાસરો છે. તળાવના કાંઠા ઉપર સહસલિંગ મહાદેવ છે. ચંપક, પુન્નાગ (નાગકેશર), તાલ, જાંબુ, ચંદન, આંબા વગેરે વૃક્ષો અને લતાઓથી આચ્છાદિત બગીચાઓ છે. અમૃત જેવા જળનાં ઝરણાં છે. લોકો હરવા-ફરવા જાય છે. બ્રાહ્મણો વેદ વિશે ચર્ચા કરે છે, તથા શિષ્યોને વેદ ભણાવે છે. અહીં પણ જૈન યતિઓ નિવાસ કરે છે. પોતાનું વચન પાળનાર તથા વહેપારમાં કુશળ ઘણા વહેપારીઓ છે. વ્યાકરણની ઘણી પાઠશાળાઓ છે.
અણહિલપુર “નરસમુદ્ર” છે. સમુદ્રનું પાણી માપી શકાય તો અણહિલવાડની વસ્તી ગણતરી કરી શકાય. લશ્કર પણ અસંખ્ય છે. ઘંટાધારી હાથીઓનો પાર નથી. કર્નલ ટૉડ પાટણનું આ . વર્ણન કોઇક પ્રબંધમાંથી ઉતારેલું જણાવ્યું છે.
આ ઉપરાંત પાટણની પ્રભુતા દર્શાવતું વર્ણન કલિકાસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પણ કર્યું છે. તેઓ લખે છે કે, “શૌર્યમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પડદર્શનમાં અને વેદના છ અંગોમાં આ નગર (પાટણ) ના લોકો અગ્રેસર છે.”
આચાર્યશ્રી આગળ જણાવે છે કે, “ભૂમિના સ્વતિક સમાન ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન લક્ષ્મી વડે સદાકાળ આલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.”.
વિક્રમ સંવત ૯૯૭ માં મૂળરાજ સોલંકીના રાજ્યારોહણથી માંડી વિક્રમ સંવત ૧૨૨૯ માં કુમારપાળના અવસાન સુધીના લગભગ ૨૨૫ વર્ષના ગાળામાં પાટણનો સર્વાગી વિકાસ થયો હતો.
રાજકીય દ્રષ્ટિએ એ સમયે ગુજરાતનું સામ્રાજ્ય દક્ષિણે કાંકણથી ઉત્તરે દિલ્હી સુધી અને પૂર્વે ગૌડથી સિંધ સુધી વિસ્તરેલું હતું. આવા મહાન સામ્રાજયનું પાટણ તત્કાલિન ભારતવર્ષનું આર્થિક અને વ્યાપારી દ્રષ્ટિએ સમૃદ્ધતમ પાટનગર હતું અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ પાટણ ભારતનું એક વિદ્યાપીઠ હતું.
આવા મહાન નગરને મૂર્તિભંજક મહંમદ ગઝનીએ ઇ.સ. ૧૦૨૫માં લૂટયું, બાળ્યું અને ભસ્મિભૂત કર્યું. મુસલમાન સુબાઓએ મંદિરો તોડી મજીદો બનાવી. પાટણનો આરસ ગાડા ભરી ભરી બહાર લઈ ગયા. છેલ્લા કેટલાક વર્ષોથી કોન્ટ્રાકટરો ટ્રકો ભરી ભરીને અનાવાડા, વડલી, જૂની કાળકા, નવી કાળકા પાસેના કોટને/કિલ્લાને તોડી, ભૂમિ ખોદી ઇંટો-રોડા લઇ જાય છે. આ “પાટણની પ્રભુતા' નાશ પામી.
દટણ થયેલા પટ્ટણને જોઇ આંખમાં આંસુ સાથે શ્રી નરસિંહરાવ દિવેટીયાએ ગાયું કે, “પાટણ ! પુરી પુરાણ ! હાલ તુજ હાલ જ આવા !”