________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૫૬
૨૦)
પડી પટોળે ભાત ફાટે પણ ફીટ નહિ
પ્રા. મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય ‘પાટણ” જેમ “સિદ્ધપુર-પાટણ' તરીકે પ્રખ્યાત છે, તેમ પટોળાવાળું પાટણ” એ નામથી પણ સારી રીતે ઓળખાય છે. પાટણના પટોળા સમગ્ર ભારતમાં જ નહિ પણ આખી દુનિયાના તમામ દેશમાં પ્રખ્યાત છે. પાટણના પટોળાનું આકર્ષણ લોકોમાં એટલું બધું રહ્યું છે કે, લોકગીતોમાં પણ પાટણના પટોળાએ અનોખું સ્થાન મેળવ્યું છે. “તમે એકવાર પાટણ જાજે રે મારવાડા,
તમે પાટણના પટોળાં લાવજો રે મારવાડા.”
મારે હાટુ પાટણથી પટોળાં મોંધા લાવજે, છેલાજી રે !
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.” આ રીતે ગરવી ગુજરાતણો એ પાટણના પટોળાંને ગીતોમાં ગાઇ તેને અમર બનાવ્યાં છે. પટોળાંએ પાટણનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવવંતું અને ગાતું બનાવ્યું છે અને હકીકતમાં પટોળું છે પણ એવું જ !
પટોળાની ખૂબી એ છે કે તેને અવળા-સળવું પાસું હોતું જ નથી. કારણકે પટોળા છપાતાં નથી. પટોળાના તાણાવાણાના તાર ગ્રાફની માફક એવી રીતે બાંધીને રંગવામાં આવે છે અને પછી એને વણવામાં આવે છે. જેથી બંને બાજુ એક જ સરખી ડીઝાઇન ઉપસે છે. પટોળાનો વણાટ અજોડ અને અમૂલ્ય નમૂનો છે. ઉડીને આંખે વળગે એવી નયનરમ્ય આકર્ષણ ડીઝાઇન અને દાયકાઓ સુધી તેનું ટકાઉપણું આપણા મનને આકર્ષિત કરે છે.
“પટોળું” શબ્દ સંસ્કૃત "પટ્ટકુલમ” ઉપરથી અપભ્રંશ થઇ ઉતરી આવેલ છે. પટોળાના કારીગરોને કુમારપાળ દક્ષિણ ભારતમાંથી અણહિલપુર પાટણમાં લાવી વસાવ્યા હોવાનું કહેવાય છે.
| ગુજરાતની મહારાણી મીનળદેવી પોતાની સાથે પોતાના પહેરવાના પટોળા વણવા માટે, વસ્ત્રો તૈયાર કરવા માટે કારીગરો સાથે જ લાવી હોવાનું પણ કહેવાય છે. વળી કુમારપાળ રાજા જ્યારે દક્ષિણમાં ગયો ત્યારે પટોળાનો કલા-કસબ જોઇ એટલો બધો મુગ્ધ થઇ ગયો હતો કે ત્યાંથી સાતસોહ કુટુંબો પટોળાવાળાના લાવી આપણા પાટણમાં વસાવ્યા. આવી અનેક કિંવદન્તીઓ છે, જ્યાં આ કુટુંબોનો વસવાટ હતો તે જગ્યા આજે પણ “સાળવીવાડ' તરીકે ઓળખાય છે. સાળવીવાડના સાતસોહ ઘર આજે પણ પાટણમાં બોલાય છે.