________________
યુગે યુગે પાટણની પ્રભુતા
પ૭
પટોળાની પ્રાચીનતા ઘણી જુની ગણાય છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે, ઇ.સ. પૂર્વે ચોથી સદીમાં આપણા અણહિલપુરમાં પંજાબમાં, મુલતાનમાં તથા મલબાર એમ ચાર પ્રદેશોમાં પટોળાં જાણીતા હતા.
માનચેસ્ટરની મીલ પણ ન બનાવી શકે તેવું બંને બાજુ એક જ સરખી ડીઝાઇન, અવળું સળવું નહિ એ પટોળાની વિશિષ્ટતા છે. બંને બાજુથી તે પહેરી શકાય તેવું પટોળું હોય છે. વળી પટોળું શુધ્ધ રેશમમાંથી બનેલું હોઈ સાચવણી હોય તો સો વર્ષ સુધી ટકી શકે તેવું હોય છે. પટોળાનું વણાટ કામ ખૂબ જ ભારે જહેમત, લાંબો સમય, ધીરજ, ગણત્રી અને બુદ્ધિ માગી લે છે. વળી તે મોંધુ પણ ઘણું હોય છે. પટોળા વણનારને સાળવી' કહે છે.
પટોળાને વણવા માટે શાળ ઉપર ચડાવતાં પહેલાં રેશમને ગરમ પાણીમાં બાફી તેને પાકું સ્વચ્છ અને મુલાય બનાવવામાં આવે છે. પછી તારોને ભેગા કરી વળ ચઢાવવામાં આવે છે. આ આંટામાંથી તાણો-વાણાને ડીઝાઇન મુજબ ગ્રાફ પ્રમાણે બાંધણી થાય છે, પછી રંગાય છે જે ભાગ રંગાય છે, જે ભાગ બંધાયો તેને રંગ લાગતો નથી. બાકીનો ભાગ રંગાય છે. પછી બાંધેલો ભાગ છોડાય છે. આ રીતે નકશી બાંધકામમાં કલ્પના, ગણત્રી, ધીરજ, ચોકસાઈ રાખવી પડે છે. પટોળા ઉપર જે ભાત તૈયાર કરવાની હોય તે મુજબ તાણાવાણાની બાંધણી થાય છે. કારીગરના માનસપટ ઉપર તો ભાત અંકાયેલી હોય જ છે.
મિલો, કારખાના અને ફેકટરીઓ સામે આ ઉદ્યોગ ટકી શક્યો નથી. પરિણામે આજે આપણા પાટણમાં ચાર-પાંચ કુટુંબો જ આ વ્યવસાય કરે છે. તે પણ કળા જાળવી રાખવા ખાતર જ! આજે એક સારા પટોળાની કિંમત લાખ થી સવાલાખ રૂપિયા જેટલી થાય છે. છતાં ધનિક વર્ગ લગ્ન માટે તેમજ શુભ પ્રસંગે ખર્ચે છે. હવે તો દેશ વિદેશમાં પણ પટોળાની માંગ વધી છે.
પટોળાની ભાતો (ડીઝાઇનો) માં ખાસ કરીને હાથી, ફૂલ, રત્નચોક, પાનચોકડી, રાસ, વાઘકુંજર વગેરે બધી ભાતો જાણીતી છે. રાજા રજવાડાના વખતમાં મહારાજાઓ પણ પટોળા ખરીદતા હતા.
સાળવીભાઇઓનું કહેવું છે કે, હવે તો પાકા કેમીકલ્સના કલરો પ્રાપ્ય છે, પણ જ્યારે આવા કલરો (રંગો) નહોતા ત્યારે હરડાં, બેડાં, આંબળા, કાથો, ઝાડની છાલ જેવા વેજીટેબલ કલરો બનાવવામાં આવતા હતા અને તેમ છતાંય કલર પાકો જ રહેતો હતો. લાલ, કીરમજી, લીલો, પીળો વગેરે કલર ખાસ વપરાય છે. આજે પાટણમાં કેટલાક બ્રહ્મક્ષત્રિય ભાઈઓ માત્ર લોખંડના કાટમાંથી પાકો કાળો રંગ બનાવવાની કળા જાણે છે.
પાટણના જાણીતા પટોળાના કારીગરોને ગૌરવવંતા રાષ્ટ્રીય પુરસ્કારો રાષ્ટ્રપતિશ્રી તથા વડાપ્રધાનશ્રી દ્વારા એવોર્ડ મળેલા છે. તેમજ તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ મેળામાં પટોળા પ્રદર્શિત કર્યા છે. પાટણનું ગૌરવ વધાર્યું છે.