________________
યુગે યુગે પાટણની પ્રભુતા
૪૫૬
સમયમાં, ઢલુ કૂવાનું ખાતમૂહૂર્ત કર્યું હતું. ગુજરાતી શિલાલેખ અનુસાર પ્રસિદ્ધ ઢલુ કૂવો સાળવીઓનો હતો અને ઔરંગઝેબના સમયમાં એનો જીર્ણોદ્ધાર કડિયા લાલ, ભીમ, નરસિંઘ અને પૂજાએ કર્યો હતો. એ સમયે દરોગા સુલતાની-ઉસ-અબ્દુલ્લા હતો. સંઘવી રિખવ નાનજીએ જીર્ણોદ્ધાર માટે થોડા દોકડા આપ્યા હતા. સાળવીઓના મુખ્ય શેઠ નાથા હીરા શંકર હતા. એમાં સાળવીઓ બારીક પટોળા બનાવવામાં કુશળ કારીગરો હોવાનો ઉલ્લેખ છે. પ્રતિમા લેખો :
પાટણના પંચાસરા પાર્શ્વનાથ મંદિરમાંથી આચાર્યો, સૂરિઓ કે શ્રાવકોની આરસની પ્રતિમાઓ પરના લેખો પ્રાપ્ત થયા છે. એમાં તપા ગચ્છના આચાર્ય હીરવિજયસૂરિની પ્રતિમા પર વિ.સં. ૧૬૬૨, વૈશાખ શુદિ ૧૫, સોમ (૧૨ મે, ઈ.સ. ૧૬૦૩)નો લેખ કોતરેલો છે, જેમાં દોશી શંકર અને એની પત્ની વહલીએ બાદશાહ અકબરના શાસનકાળ દરમ્યાન કુટુંબના શ્રેય માટે પ્રતિમા કરાવ્યાનો ઉલ્લેખ છે. દાતા પાટણનિવાસી હતા અને પાટણની વૃદ્ધશાખીય પ્રાગ્વાટ જ્ઞાતિના હતા. આચાર્ય વિજયસેન સૂરિ અને આચાર્ય વિજયદેવ સૂરિની પ્રતિમાઓ પર વિ.સં. ૧૬૬૪, ફાલ્ગન શુદિ ૮, શનિ (૧૩ ફેબ્રુ, ઇ.સ. ૧૬૦૮)ના લેખોમાં શ્રાવક દોશી શંકરે પ્રતિમા બનાવ્યાનો ઉલ્લેખ છે. વિ.સં. ૧૪૨૯, માઘ વદિ ૧૫, સોમ (૨૪ જાન્યુ., ઇ.સ. ૧૩૭૩)ના, ભાવદેવાચાર્ય ગચ્છના શ્રી વીરસૂરિની પ્રતિમા પરના લેખમાં શ્રી જિનદેવસૂરિએ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હોવાનો ઉલ્લેખ છે. શ્રી અમરચંદ્રસૂરિની પ્રતિમા પરના વિ.સં. ૧૩૪૯, ચૈત્ર વદિ ૬, શનિ (૨૮ ફેબ્રુ, ઇ.સ. ૧૨૯૩)ના લેખમાં આ પ્રતિમા પં. મહેન્દ્રના શિષ્ય મદનચંદ્ર બનાવી હોવાનું જણાવ્યું છે. ઋષભદેવ તીર્થકરની પ્રતિમા પરના લેખમાં (વિ.સં. ૧૬૭૩, પોષ વદિ ૫, શુક્ર - ૧૭ જાન્યુ., ઇ.સ. ૧૬૧૭) શ્રીપત્તનનિવાસી બૃહત્સાખીય શ્રીમાલ જ્ઞાતિના દોશી સંતોષિક સપરિવાર આ પ્રતિમા બનાવી હતી, જેની પ્રતિષ્ઠા તથા ગચ્છના ભટ્ટારક શ્રી વિજયસેન સૂરીએ કરી હતી, એમ જણાવ્યું છે.
પાટણના વિવિધ જૈન દેરાસરોમાં સંગ્રહીત ૧૭૩૬ જેટલી ધાતુ-પ્રતિમાઓ પરના લેખો વાંચી તેનું સંપાદન લિપિવિદ સદ્ગત પંડિત લક્ષ્મણભાઈ ભોજકે કર્યું હતું. આ પ્રતિમાલેખો વિ.સં. ૧૧૧૦ (ઈ.સ. ૧૦૫૩) થી વિ.સં. ૨૦૩૬ (ઈ.સ. ૧૯૭૯) સુધીના સમયગાળાના છે. આ પ્રતિમાલેખોના અભ્યાસ પરથી સંસ્કૃત અને તદ્ભવ શબ્દોના પ્રયોગ, પ્રાદેશિક ભાષા, દાતાની પારિવારિક માહિતી, સૂરિઓ અને તેમના ગચ્છો, જ્ઞાતિઓ, ગોત્રો, મૂર્તિપ્રતિષ્ઠાના ધાર્મિક ઉદ્દેશો વગેરેની જાણકારી પ્રાપ્ત થાય છે. આ બધી માહિતી સંક્ષેપમાં પ્રતિમાની પીઠિકા ઉપર કોતરેલી હોય છે. ઉ.ત.
सं.१५२० वर्षे पोष वदि ५ शुक्रे श्रीमालज्ञातीय सं.गेसल सु. गोपाकेन भा.हीरु सुत . मुठासहितेन पित्रोः श्रेयसे भ्रा. देवदत्तनिमित्तं श्रीसुमतिनाथबिंबं का. श्री विद्याधरगच्छे श्रीविजयप्रभसूरिपट्टे श्रीहेमप्रभसूरिभिः ॥ सलषणपुरे ॥२५